નવી દિલ્હી: મુંબઈથી (Mumbai) ખવાજા અબ્દુલ હમીદે શરૂ કરેલ સીપલા (Cipla) કંપનીએ ફાર્મા સેકટરમાં (Farma Sector) ઘમાલ મચાવી છે. આજે આ કંપની દેશના ફાર્મા સેકટરમાં ત્રીજા નંબર પર આવે છે. ત્યારે હવે આ સ્વેદશી કંપની વેચાવા જઈ રહી છે. મહત્વની વાત એ છે કે ભારતની આ સ્વદેશી કંપનીને ખરીદવા હોડમાં વિદેશી કંપનીના નામ મોખરે છે. દુનિયાની સૌથી મોટી પ્રાઈવેટ કંપની ઈક્વિટી ફર્મોમાંની એક બ્લેકસ્ટોન કંપની આ હોડમાં પ્રથમ સ્થાને છે.
ભારતને આઝાદી મળી તે પહેલા એટલે કે વર્ષ 1935માં અબ્દુલ હમીદે દેશના લોકોને સસ્તી અને સારી દવાઓ મળી રહે તે હેતુસર સીપલા કંપનીની શરૂઆત મુંબઈથી કરી હતી. જેણે આજે પણ ફાર્મા સેક્ટરમાં ધમાલ મચાવી છે. 60નાં દશકામાં આ કંપનીમાં જ કંપનીનો બિઝનેસ 1 કરોડના પાર થઈ ગયો હતો. આ ઉપરાંત ખાસ વાત એ છે કે આ કંપની તમામ દેશોમાં પણ દવા પહોંચાડવાનું કામ કરતી હતી. વિદેશી કંપનીઓને માત આપનારી આ સીપલા કંપનીના વખાણ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત નહેરુ અને બોઝે પણ કર્યા હતાં. વિદેશી ફાર્મા કંપનીઓને ભારતની આ કંપનીએ માત આપી નવી ઓળખ ઉભી કરી હતી.
સીપ્લા હાલમાં ભારતની ત્રીજી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે. સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ પછી રેન્કિંગ લિસ્ટમાં સીપ્લાનું નામ આવે છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન $9,979 મિલિયન છે. તેના ઉત્પાદન એકમો વિશ્વમાં 47 સ્થળોએ હાજર છે અને આ ભારતીય કંપનીમાં બનેલી દવાઓ લગભગ 86 દેશોમાં સપ્લાય કરવામાં આવે છે. સીપ્લાએ માત્ર લોકોને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવી નથી, પરંતુ શેરબજારમાં આ કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોનું નસીબ પણ ઉજળું સાબિત કર્યું છે.
જ્યારથી સીપ્લામાં હમીદ પરિવારનો હિસ્સો ખરીદવાની તૈયારીના સમાચાર આવ્યા છે ત્યારથી આ કંપનીના શેર ખરીદનારાઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. કંપનીનો શેર સોમવારે ટ્રેડિંગના અંતે 1.06 ટકાના ઉછાળા સાથે રૂ. 1222.60 પર બંધ રહ્યો હતો. શેરમાં ઈન્વેસ્ટ કરનારાઓને છેલ્લા ચાર મહિનામાં જ સીપ્લા સ્ટોક્સ (CIPLA Stocks)50% વળતર આપ્યું છે. જો કે, છેલ્લા 1 વર્ષમાં તેના શેરના ભાવમાં લગભગ 20 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે પાંચ વર્ષના ગાળામાં તેમાં 97 ટકાનો વધારો થયો છે.
ભારતીય ફાર્મા કંપની હાલમાં યુસુફ હમીદની ભત્રીજી સમીના (એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સીપ્લા) સંભાળી રહી છે અને હમીદ પરિવાર હવે તેનો સંપૂર્ણ 33.47 ટકા હિસ્સો વેચવા તૈયાર છે. અહેવાલો અનુસાર ઇક્વિટી ફર્મ બ્લેકસ્ટોન આ હિસ્સો ખરીદવા માટે તૈયાર છે. હિસ્સો વેચવાનું મુખ્ય કારણ અનુગામીનો અભાવ હોય તેવું સામે આવ્યું છે.