ભારતીય (Indian) ઝડપી બોલર (Fast Bowler) જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrahe) કહ્યું છે કે જો તેને તક મળશે તો ભવિષ્યમાં ભારતીય ટીમન કેપ્ટનશીપ કરવા માટે તે તૈયાર છે અને એ બાબત મારા માટે સન્માનજનક રહેશે. વિરાટ કોહલીના (Virat Kohli) ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર બુમરાહે કહ્યું હતું કે તેણે ટીમ બેઠકમાં અમને એ જાણ કરી હતી અને અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ.
- બુમરાહના મતે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી સન્માનની વાત
- તેણે કહ્યું વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ
વન ડે ટીમના વાઇસ કેપ્ટન બુમરાહે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જો મને જવાબદારી સોંપવામાં આવે તો હું કેપ્ટનની કેપ પહેરવા માટે તૈયાર છું. જો તક અપાશે તો મારા માટે એ સન્માનની વાત હશે, મને નથી લાગતું કે તેના માટે કોઇ ખેલાડી ના કહેશે. બુમરાહે કહ્યું હતું કે હું આ સ્થિતિને એ રીતે જોઉં છું કે જવાબદારી લેવી અને ખેલાડીઓ સાથે વાત કરવી તેમજ તેમની મદદ કરવી એ મારો દૃષ્ટિકોણ રહ્યો છે અને સ્થિતિ ગમે તેવી હોય પણ મારો આ દૃષ્ટિકોણ યથાવત રહેશે.
વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા પછી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકેની તેની કેરિયર પુરી થઇ છે. રોહિત શર્મા આવતા વર્ષે 35 વર્ષનો થઇ જશે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે એવો કયો ખેલાડી હોઇ શકે જે લાંબા ગાળા માટે ટીમનું સુકાન સંભાળી શકે છે, આ દૃષ્ટિએ બુમરાહને પણ કેપ્ટનપદનો દાવેદાર ગણવામાં આવી રહ્યો છે.
મહંમદ સિરાજ હેમસ્ટ્રીંગ ઇજામાંથી બહાર આવી વન ડે રમવા માટે ફિટ : બુમરાહ
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહે પુષ્ટિ કરી હતી કે મહંમદ સિરાજ હેમસ્ટ્રીંગ ઇજામાંથી બહાર આવી ગયો છે અને તે રમવા માટે ફિટ છે. સિરાજ હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે ત્રીજી ટેસ્ટમાંથી આઉટ થયો હતો. હવે તે આગામી 19મીથી રમાનારી વન ડે સીરીઝ માટે ફિટ થઇ ગયો છે. બુમરાહે સોમવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે સિરાજે ટીમ સાથે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને તે રમવા માટે ફિટ છે.