ભારતમાં કેટલો ભ્રષ્ટાચાર? ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલે જારી કર્યા ડેટા

ઇસ્લામાબાદ/નવી દિલ્હી: ભ્રષ્ટાચાર (Corruption) પર નજર રાખનારી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડેક્સ (સીપીઆઇ 2021)એ પોતાનો હેવાલ જારી કરી દીધો છે એમાં ભારત (India) ગયા વર્ષની જેમ 85મા નંબરે છે. પડોશી પાકિસ્તાન (Pakistan) 16 ક્રમ ખસકીને 140મા ક્રમે છે જ્યાં એની સાથે મ્યાનમાર છે. યુરોપિયન દેશોમાં ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર મામલે સ્થિતિ બહુ સારી છે અને રેટિંગમાં દબદબો છે. આ ઇન્ડેક્સમાં 0 થથી 100 વચ્ચે રેટિંગ અપાય છે. જો 0 તો સૌથી વધુ કરપ્શન અને 100 તો સૌથી ઓછું. અમેરિકા ટોપ 25માંથી બહાર જઈ 27મા ક્રમે છે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ભ્રષ્ટાચાર પરસેપ્શન ઇન્ડેક્સ 2021માં પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. આ ઇન્ડેક્સમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર નવી ઊંચાઈને આંબી ગયો છે. 180 દેશોમાં ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ 2021માં પાકિસ્તાન 16 સ્થાન નીચે ગબડીને હવે 140મા સ્થાને પહોંચી ગયો છે. આનાથી જાણકારી મળે છે કે, વડા પ્રધાન ઇમરાન ખાનના ‘નયા પાકિસ્તાન’ નારા માત્ર એક રાજકીય દાવપેચ હતો. આ ઇન્ડેક્સમાં ભારત 2020ની જેમ 2021માં પણ 85મા સ્થાન પર જ છે. ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ 2021માં ભારતનો સ્કોર 40 છે. જ્યારે પાકિસ્તાનને માત્ર 28 અંક જ પ્રાપ્ત થયા છે. આ ઇન્ડેક્સમાં 88ના સ્કોર સાથે ડેનમાર્ક પ્રથમ ક્રમે છે.

2020માં ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સમાં પાકિસ્તાનનો સ્કોર 31 હતો. તે સમયે પણ પાકિસ્તાન આ યાદીમાં 124મા સ્થાને હતો. ઇમરાન ખાનના કાર્યકાળમાં પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના કેસ તેજીથી વધ્યા છે. 2018માં ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા ત્યાર બાદ 2019માં ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સમાં પાકિસ્તાન 120મા સ્થાને હતો. જ્યારે 2020માં પાકિસ્તાન ચાર સ્થાન નીચે સરકી 124 પર આવી ગયો છે. 2021માં તો 16 સ્થાનની છલાંગ લગાવીને પાકિસ્તાન 140મા સ્થાન પર આવી ગયો છે. જ્યારે પીએમએલ-એન પાર્ટી એટલે કે નવાજ શરીફ, શાહિદ ખાકાન અબ્બાસીના કાર્યકાળમાં આ રેકિંગ 117 પર ટકી રહ્યો હતો.

ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ 2021માં ભારત ગયા વર્ષની જેમ 40ના સ્કોર સાથે 85મા સ્થાન પર જ છે. 2013 બાદ આ ઇન્ડેક્સમાં ભારતની સ્થિતિ ઘણી સુધરી છે. 2014 અને 2015માં ભારતનો સ્કોર 38 હતો. 2016માં આ સ્કોર વધીને 40 થયો અને 2017માં પણ એ જ સ્થાન પર સ્થિર રહ્યો.વર્ષ 2020માં ભારતને એક અંકનું નુકસાન થયું અને ફરી 40ના સ્કોર પર પહોચી ગયો. 2021માં પણ ભારતના સ્કોરમાં કોઈ સુધારો નથી થયો અને અત્યારે પણ 40 પર જ ટકી રહ્યો છે.

Most Popular

To Top