National

ભારત બાયોટેકની નાક વડે લેવાની કોવિડ રસીને DCGIની મંજૂરી

નવી દિલ્હી: ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ)એ આજે ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ કોવિડ રસીને (Covid vaccine) ૧૮ વર્ષથી ઉપરની વયના લોકો માટે નિયંત્રિત તાકીદના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કોવિડ-૧૯ વિરુદ્ધની ભારતની (India) લડતને મોટો વેગ! ભારત બાયોટેકની ચિમ્પાન્ઝી એડીનોવાયરસ વેકટર્ડ રિકોમ્બિનન્ટ નાસલ વેક્સિનને સીડીએસઓ-ઇન્ડિયા-આઇએનએ દ્વારા ૧૮ પ્લસ વય ગ્રુપ માટે તાકીદની સ્થિતિમાં નિયંત્રિત ઉપયોગ માટે પ્રાથમિક રસીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પગલું રોગચાળા સામેની આપણી સામૂહિક લડતને વધુ મજબૂત બનાવશે. ભારતે કોવિડ-૧૯ સામેની લડતમાં વિજ્ઞાન, સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળ કામે લગાડ્યા છે એમ માંડવિયાએ કહ્યું હતું.

જણાવી દઈએ કે આ રસીને નાક દ્વારા આપવામાં આવશે. વ્યક્તિના નાકમાં રસીના થોડા ટીપાં નાખીને રસીકરણ કરવામાં આવશે. હવે આ રસી ઈન્જેક્શન દ્વારા આપવાની જરૂર નથી, કે આ રસી પોલિયોના ડોઝની જેમ મોહ વાટે પણ આપવાની જરૂર નથી. મળતી માહિતી મુજબ આ રસીનો ધ્યેય નાક દ્વારા શ્વસન માર્ગમાં રસીના ડોઝને પહોંચાડવાનો છે. ડોકટરોના મતે કોઈપણ વાયરસ પહેલા નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે. કોરોના માટે આપણા શરીરમાં પહોંચવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો નાક દ્વારા છે. આવી સ્થિતિમાં, આ રસી કોરોનાને ફેફસાં અથવા શરીરના અન્ય ભાગોમાં જતા અટકાવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ(બીબીઆઇએલ)એ નાક વાટે લેવાની આ રસીની ક્લિનિકલ ટ્રાયલો ૪૦૦૦ જેટલા સ્વયંસેવકો સાથે પુરી કરી છે અને અત્યાર સુધી કોઇ આડઅસર કે વિપરીત બનાવ નોંધાયો નથી એમ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું. ઓગસ્ટમાં તેણે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની ઇન્ટ્રાનાસલ વેક્સિસ(બીબીવી૧૫૪) સલામત, સુસહ્ય પુરવાર થઇ છે અને ઇમ્યુનોજિક પુરવાર થઇ છે એમ તેણે જણાવ્યું હતું. આ રસીના પ્રાઇમરી ડોઝ(બે ડોઝ) કાર્યક્રમનું મૂલ્યાંકન કરવા માટે અને હીટરોલોગસ બુસ્ટર ડોઝ કે જે જેમણે અગાઉ સામાન્ય રીતે આપવામાં આવતી બે રસીઓ – કોવિશિલ્ડ અને કોવેક્સિનના બે ડોઝ લઇ લીધા હોય તેમના માટેના આ ડોઝ છે તેમનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલો પુરી કરવામાં આવી છે.

Most Popular

To Top