Gujarat

કોવિડથી ભારતમાં મૃત્યુઆંક સૌથી ઊંચો, નવા મોડેલનો અંદાજ

પેરિસ: ભારતમાં (India) કોવિડ-૧૯નો રોગચાળો ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં કુલ ૫૧૦૦૦૦ જેટલા લોકોના મૃત્યુ (Death) કોવિડ-૧૯થી થયા હોવાનું ભારત સરકારના સત્તાવાર આંકડાઓ જણાવે છે પરંતુ હાલમાં કેટલાક વૈજ્ઞાનિકોએ ગણતરીના એક નવા મોડેલના (Model) આધારે કરેલા અભ્યાસનો અંદાજ સૂચવે છે કે ભારતમાં આ રોગથી ખરેખરો મૃત્યુઆંક ઘણો જ વધારે છે.

એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે નવા ગણિતિક મોડેલના આધારે ભારતના કોવિડથી મૃત્યુઆંકની ફરીથી ગણતરી કરી છે અને તેમણે અંદાજ મૂક્યો છે કે ભારતમાં કોવિડ-૧૯ના રોગથી ૩૭ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા હોઇ શકે છે જે વિશ્વમાં સૌથી ઉંચો આંક છે અને ભારત સરકારના સત્તાવાર આંકડા કરતા આ સાત ગણો મોટો આંકડો છે. યુનિવર્સિટી ઓફ પેરિસના પ્રોફેસર ક્રિસ્ટોફ ગિલમોટો કે જેઓ વસ્તીના આંકડાઓની બાબતના નિષ્ણાત છે તેમણે ભારતના સૌથી વિકસીત અને શિક્ષિત રાજ્ય કેરળના આંકડાઓના આધારે આ નવી ગણતરી માંડી છે. કેરળ સરકાર જ ભારતમાં એક એવી રાજ્ય સરકાર છે કે જેણે કોવિડથી મૃત્યુઆંક વય, લિંગ અને મૃત્યુની તારીખ સહિતની વિગતો સાથે ચોકસાઇપૂર્વક બહાર પાડ્યા છે અને આ આંકના આધારે પ્રો. ગિલમોટોએ ભારતના અન્ય રાજ્યોના સંભવિત મૃત્યુઆંકની પણ ગણતરી કરી છે. જો તેમની ગણતરી સાચી હોય તો ભારતનો મૃત્યુઆંક વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત મનાતા અમેરિકાના મૃત્યુઆંક કરતા પણ ચાર ગણો થઇ જાય, જે અમેરિકામાં આ રોગથી અત્યાર સુધીમાં ૯૨૨૦૦૦ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા છે. પ્રો. ગિલમોટો તો એમ પણ કહે છે કે તેમનો આ અંદાજ પણ ઓછો હોઇ શકે છે અને ખરેખરો મૃત્યુઆંક તેમના અંદાજ કરતા પણ વધારે હોઇ શકે છે કારણ કે તેમણે પોતાની ગણતરીમાં દુર્ગમ ગરીબ, પછાત વિસ્તારોને તો ગણતરીમાં લીધા જ નથી.

Most Popular

To Top