નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના SC/ST અને OBC અનામતમાં ક્રીમી લેયર અંગે નિર્ણયના વિરોધમાં આજે 21 ઓગસ્ટે અનામત બચાવ સંઘર્ષ સમિતીએ ભારત બંધની (India close) જાહેરાત કરી હતી. ત્યારે ભારત બંધને અનેક પાર્ટીઓનું સમર્થન મળ્યુ હતું. જેમાં મુખ્યત્વે બસપાએ ભારત બંધને સમર્થન આપ્યું હતું.
વિગતવાર માહિતી મુજબ દલિત અને આદિવાસી સંગઠનોએ આજે ’ભારત બંધ’નું આહ્વાન કર્યું હતું, જેથી જાતિના આધારે થયેલા વર્ગીકરણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને જેવાકે SC/ST અને OBC જાતિ સમૂહોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણ મળી શકે. ત્યારે ભારત બંધના આહ્વાન સાથે નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ માંગણીઓની યાદી પણ જાહેર કરી હતી. આ યાદીમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માટે ન્યાય અને સમાનતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અસલમાં NACDAOR સંગઠને સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની વિરુદ્ધમાં આ વલણ અપનાવ્યું છે, દરમિયાન NACDAOR એ સરકારને વિનંતી કરી હતી કે સરકાર સુપ્રીમના આ નિર્ણયને સ્વીકારે નહીં, કારણકે સુપ્રીમનો આ નિર્ણય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારો માટે જોખમી છે. આ સાથે જ સંગઠનએ એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષણ પર સંસદ દ્વારા નવો કાયદો પસાર કરવાની પણ વિનંતી કરી હતી. તેમજ આ કાયદાને બંધારણની નવમી અનુસૂચિમાં સમાવિષ્ટ કરી સુરક્ષિત કરવામાટે પણ અપીલ કરી હતી.
અગાઉ ભારત બંધના સમર્થકોએ આ મામલે કહ્યું હતું કે સદીઓથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે અન્યાય થઈ રહ્યો છે. એસટી અને એસસી સમુદાયના લોકો હજુ પણ આર્થિક રીતે પછાત છે. ત્યારે આ જાતિઓ માટે ખાનગી સંસ્થાઓમાં પણ અનામત ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં આપણા મોટાભાગના બાળકો શૈક્ષણિક, રાજકીય અને સામાજિક રીતે પાછળ છે.
ભારત બંધ દરમિયાન શું બંધ રહેશે?
ભારત બંધને લઈને હજુ સુધી કોઈપણ રાજ્યની સરકારે સત્તાવાર માર્ગદર્શિકા જારી કરી નથી. પરંતુ પોલીસ તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તેમજ વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓ જરૂરી પગલાં લઈ રહ્યા છે. ત્યારે ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પ્રભાવિત થવાની સંભાવના છે. આ સાથે જ કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ રહે તેવી શક્યતા છે.
21 ઓગસ્ટના રોજ ભારત બંધ દરમિયાન હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. બેંક ઓફિસ અને સરકારી ઓફિસો બંધ રાખવા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ આદેશ આવ્યો નથી. તેથી, માનવામાં આવે છે કે બુધવારે બેંકો અને સરકારી કચેરીઓ પણ ખુલશે.
શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?
સુપ્રીમ કોર્ટે SC-ST આરક્ષણમાં ક્રીમી લેયરને લઈને પોતાનો ચુકાદો આપતા કહ્યું હતું કે, “તમામ SC/ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે – ગટર સાફ કરનારા અને વણકર. આ બંને જાતિઓ SC હેઠળ આવે છે, પરંતુ આ જાતિના લોકો બાકીના લોકો કરતા વધુ પછાત રહે છે. આ લોકોના ઉત્થાન માટે રાજ્ય સરકારો એસસી-એસટી અનામતનું વર્ગીકરણ (સબ-વર્ગીકરણ) કરીને અલગ ક્વોટા નક્કી કરી શકે છે. આમ કરવું બંધારણની કલમ 341ની વિરુદ્ધ નથી. ક્વોટા નક્કી કરવાના નિર્ણયની સાથે સુપ્રીમ કોર્ટે રાજ્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. રાજ્ય સરકારને સૂચના આપતા સુપ્રીમે કહ્યું હતું કે રાજ્ય સરકારો જાતિય વર્ગીકરણ માટે પોતાની મર્જી મુજબ નિર્ણય લઇ સકશે નહીં. આ આ વર્ગીકરણ માટે શરતો લાગુ રહેશે.