Sports

ભારત સુપર ઓવરમાં ઝીરો રન પર સમેટાયું, એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે પરાજય

મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025ની રોમાંચક સેમિફાઇનલમાં ભારત-A અને બાંગ્લાદેશ-A વચ્ચેનો મુકાબલો સુપર ઓવર સુધી ખેંચાયો હતો. બંને ટીમોએ 194-194 રન બનાવી મેચ ટાઈ કરી પરંતુ સુપર ઓવરમાં ભારત એક પણ રન ન બનાવી શકતા બાંગ્લાદેશ-Aએ જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો.

દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈવોલ્ટેજ સેમિફાઇનલમાં ભારત-A ટીમનું પ્રદર્શન શરૂઆતમાં મજબૂત રહ્યું પરંતુ અંતિમ ક્ષણે મળેલી તકનો લાભ ઉઠાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા.

સુપર ઓવરમાં ભારત-Aની સ્થિતિ અત્યંત ખરાબ રહી. ભારતીય બેટર્સ સુપર ઓવરના દબાણ સામે ઝૂકી ગયા અને આખા છ બોલમાં એક પણ રન બનાવી શક્યા નહોતા. ટીમે બે વિકેટ પણ ગુમાવી. જેના કારણે બાંગ્લાદેશને જીત માટે માત્ર એક રનની જ જરૂર રહી હતી.

બાંગ્લાદેશની બેટિંગ શરૂ થતાં જ ભારતીય બોલરે પહેલી જ બોલ પર વિકેટ મેળવી મેચમાં થોડી આશા જગાવી પરંતુ તેના પછી તરત જ ફેંકાયેલી વાઈડ બોલ ભારતીય ટીમ માટે વિનાશકારી સાબિત થઈ. તે જ વાઈડબોલ પર બાંગ્લાદેશે જરૂરી એક રન મેળવી વિજય હાંસલ કર્યો.

સુપર ઓવરની સ્થિતિ
સુપર ઓવરમાં ભારત A વતી જીતેશ અને રમણદીપ બેટિંગ કરવા આવ્યા હતા. બાંગ્લાદેશ Aના ફાસ્ટ બોલર રિપને પહેલા બોલ પર જિતેશ શર્માને ક્લીન બોલ્ડ કર્યો. બીજા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા જીતેશ કેચ થઈ ગયો. ભારત એક પણ રન બનાવવામાં નિષ્ફળ ગયું. એક રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશે પણ પહેલા બોલ પર એક વિકેટ ગુમાવી દીધી. સુયશે બીજા બોલ પર વાઈડ બોલ ફેંક્યો અને બાંગ્લાદેશ મેચ જીતી ગયું.

સુપર ઓવરમાં સંપૂર્ણ રીતે બેકફૂટ પર દેખાયેલી ભારત-A ટીમ માટે આ હાર નિરાશાજનક રહી. બીજી તરફ બાંગ્લાદેશ-Aએ સુપર ઓવરના નાના લક્ષ્યને સરળતાથી પાર કરી ફાઈનલમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી.

Most Popular

To Top