Gujarat

દેશનાં બે નમૂનારૂપ અમૃત સરોવરમાં બોટાદ જીલ્લાના ઉગામેડી ગામની પસંદગી કરાઈ

ગાંધીનગર: પીએમ (PM) નરેદ્ર મોદીએ દેશનાં તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરનાં નવનિર્માણ-નવિનીકરણ કરવાનું આહ્વાન કર્યું છે.જેના પ્રતિસાદરૂપે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડી ગામમાં નમૂનારૂપ અદભુત અમૃત સરોવર નિર્માણ પામ્યું છે. જેની ખાસ નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી છે. દેશના બે નમૂનારૂપ અમૃત સરોવર તરીકે ઉગામેડીના આ સરોવરની પસંદગી કરવામાં આવી છે.

ઉગામેડી ગામમાં લોકભાગીદારી, મહાત્મા ગાંધી નરેગા તથા અન્ય સરકારી યોજના તેમજ કોર્પોરેટ સમાજિક જવાબદારી(CSR)ના ભાગરૂપે આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉગામેડી ગ્રામ વિકાસ સમિતિ તેમજ ગામના જ જાણીતા ઉદ્યોગકારની માલિકીના ધર્મનંદન ડાયમંડ એક્સપોર્ટના સહયોગથી નમૂનારૂપ તળાવનું નિર્માણ કરવાનું નક્કી કરાયું. ૫૧૫ મીટર લંબાઇ, ૧૦૦ મીટર આજુબાજુ પહોળાઈ ધરાવતું તેમજ ૩૦-૩૪ ફૂટ સરેરાશ ઊંડાઈવાળું આ સરોવર ૧૨.૭૪ એકરમાં ફેલાયેલું છે, જે ૪.૭૧ લાખ ક્યુબિક મીટર પાણીના જથ્થાની સંગ્રહશક્તિ ધરાવે છે. આ તળાવ નિર્માણમાં લોકભાગીદારી, CSR તથા સરકારી યોજનાઓ જેવી કે, ૧૫મું નાણાપંચ, મહાત્મા ગાંધી નરેગા અને વન વિભાગની યોજનાઓનો સહયોગ સાંપડ્યો છે. ૧૪૯ લાખ એટલે કે લગભગ દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ સરોવર “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી” તરીકે ઓળખ પામ્યું છે.

“ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી”ની વિશેષતાઓમાં પાણી સંગ્રહ માટે પાકા ચેકડેમ, સરોવરની આજુબાજુ સ્થાનિક પાંચ હજાર વૃક્ષોનું વનીકરણ, સુંદર પાકા રસ્તા, લાઈટ અને સીસીટીવી કેમેરા, બેસવા માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા, નૌકા વિહાર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. તળાવની સુંદરતા માટે વિવિધ સુશોભન કામગીરીથી આ સરોવરની આગવી ઓળખ ઊભી થઈ છે. જેથી ઉગામેડી તથા આસપાસના ગામલોકો માટે હરવા-ફરવા અને ઉજવણી માટે પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે.“ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી”ના નિર્માણ બાદ પાણીનો સંગ્રહ થતા આજુબાજુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈમાં ફાયદો મળી રહ્યો છે. આજે આજુબાજુના ૧૦-૧૫ ગામોના ખેડૂતોની ૧,૨૦૦ હેક્ટર જેટલી ખેતીના પિયત માટે આ સરોવરના પાણીની મદદ મળી રહી છે. તેમજ તળાવની બાજુમાં ૨૦૦ ગાયોની ગૌશાળાના પશુઓને પણ પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે.

Most Popular

To Top