Sports

પ્રથમ ટેસ્ટમાંથી રોહિત શર્મા,શમી-જાડેજાને આખી સિરીઝમાંથી બહાર, BCCIએ બદલીની જાહેરાત કરી

ઢાકા : (Dhaka) ભારત (India) અને બાંગ્લાદેશ (Babgladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ (Test Series) પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અંગૂઠાની ઈજાને કારણે પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનફિટ હોવાને કારણે આખી શ્રેણીમાં ભાગ નહિ લઇ શકે. આ તમામ ખેલાડીઓની ઉણપને પહોંચી વળવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેમના સ્થાનોના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે.

  • ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનફિટ
  • ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેમના સ્થાનોના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી
  • રોહિત શર્માની બાકીની મેચો રમવા અંગેનો નિર્ણય હવે પછી લેવાશે

રોહિત શર્માની બાકીની મેચો રમવા અંગેનો નિર્ણય હવે પછી લેવાશે
બીસીસીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલ રોહિત શર્માની ઈજા સંપૂર્ણપણે ઠીક થઈ નથી અને તેથી તેને સાવચેતીના પગલા તરીકે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. જ્યારે બાકીની મેચોમાં તેના રમવા અંગે નિર્ણય હવે પછી લેવામાં આવશે. BCCIની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ રોહિતના સ્થાને બંગાળના કેપ્ટન અભિમન્યુ ઇશ્વરનનો ટીમમાં સમાવેશ કર્યો છે.

સૈની અને સૌરવ માટે તક, ઉનડકટ થશે પરત
BCCIએ ટેસ્ટ શ્રેણી માટે બીજા કેટલાક મોટા ફેરફારો કર્યા છે. પસંદગી સમિતિએ શમી અને જાડેજાની જગ્યાએ નવદીપ સૈની અને સ્પિનર ​​સૌરવ કુમારનો સમાવેશ કર્યો છે. આ સિવાય લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ ફરી એકવાર તક મળી છે.

રોહિત બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો
કપ્તાન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે કેચ પકડતી વખતે તેમના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તેને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. ઈજા અને ટાંકા હોવા છતાં તે 9માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને ઝડપી રન બનાવ્યો હતો, તેણે માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી હતી. રોહિતની આ ઇનિંગ છતાં ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ ગુમાવવી પડી હતી.

બાંગ્લાદેશ ટેસ્ટ માટે ભારતની ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ

Most Popular

To Top