Sports

બેડમિન્ટન પ્લેયર સાત્વિક-ચિરાગ સિઝનનું પ્રથમ ટાઈટલ જીત્યાં

નવી દિલ્હી: વિશ્વભરના બેડમિન્ટન પ્લેયરોની (Badminton players) નજર હાલ સ્વિસ ઓપન ટુર્નામેન્ટ (Swiss Open Tournament) ઉપર ટકેલી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ ભારત માટે શુભ સમાચાર આવ્યા છે. ભારતના (India) સ્ટાર શટલર્સ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ આ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે. જણાવી દઈએ કે સાત્વિક-ચિરાગની જોડી આ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી છે. એટલે કે ભારત માટે આ ટાઈટલ સિઝનનું પ્રથમ ટાઈટલ છે,

ભારતની સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ચીનના રેન શિયાંગ યુ અને તાન ક્વિઆંગને હરાવી સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022 બ્રોન્ઝ મેડલ વિજેતા, બીજા ક્રમાંકિત, વિશ્વની 21 નંબરની જોડીને 54 મિનિટમાં 21-19, 24-22થી હરાવી હતી.

ભારત માટે સિઝનનું પ્રથમ ટાઇટલ
જણાવી દઈએ કે ભારત માટે આ સ્વિસ ઓપન ટુર્નામેન્ટ સિઝનનું પ્રથમ ટાઇટલ છે. ગયા અઠવાડિયે જ સાત્વિક અને ચિરાગની જોડી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. ભારતીય જોડી માટે આ પાંચમું વર્લ્ડ ટૂર ટાઇટલ હતું, જેણે ગયા વર્ષે ઇન્ડિયા ઓપન અને ફ્રેન્ચ ઓપન પણ જીતી હતી. આ પહેલા તેણે 2019માં થાઈલેન્ડ ઓપન અને 2018માં હૈદરાબાદ ઓપન જીતી હતી. આ ઉપરાંત સાત્વિક અને ચિરાગે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અંત સુધી બંને જોડી વચ્ચે એક-એક પોઈન્ટ માટે લડાઈ ચાલી હતી
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ગેમની શરૂઆતમાં સાત્વિક-ચિરાગની જોડીએ મુકાબલામાં પ્રથમ સેટ 21-19થી જીતી લીધો હતો. બંને જોડીએ બીજી ગેમની સારી શરૂઆત કરી હતી પરંતુ ઈન્ડિયન્સે ફરી એકવાર ઈન્ટરવલમાં 11-9ની સરસાઈ મેળવી લીધી હતી. જો કે, આ વખતે પણ ચીનના ખેલાડીઓએ આસાનીથી હાર ન માની હતી. અંત સુધી બંને જોડી વચ્ચે એક-એક પોઈન્ટ માટે લડાઈ ચાલી હતી. પરંતુ અંતે સાત્વિક-ચિરાગે ગેમ અને મેચ 24-22થી જીતી લીધી હતી. અને સિઝનની શરૂઆતમાં જ ભારતને ટાઈટલ અપાવ્યું હતું

Most Popular

To Top