સ્પેન: ભારતના (India) સ્ટાર શટલર કિદામ્બી શ્રીકાંત (Kadambi Shreekant) અને યુવા શટલર લક્ષ્ય સેને (Lakshya Sen) શુક્રવારે બીડબલ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની (World Badminton Championships) મેન્સ સિંગલ્સની (Men’s singles) સેમી ફાઇનલમાં (Semi Final) પહોંચીને નવો ઇતિહાસ રચવાની સાથે ભારત માટે ઓછામાં ઓછા બે મેડલ પાકા કરી દીધા હતા. શ્રીકાંત અને લક્ષ્ય એકબીજા સામે જ સેમી ફાઇનલમાં બાથ ભીડશે અને તેના કારણે ભારતનો એક સિલ્વર (Silver) પાકો થયો છે.
આ પહેલા ભારત વતી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની પુરૂષ સિંગલ્સની સેમી ફાઇનલમાં સૌથી પહેલા 1983માં પ્રકાશ પાદુકોણે પ્રવેશ કર્યો હતો. તે પછી 2019માં બી સાઇ પ્રણીત સેમી પ્રવેશની સાથે બીજો ભારતીય પુરૂષ ખેલાડી બન્યો હતો. શ્રીકાંત આ ટૂર્નામેન્ટમાં સેમી પ્રવેશ કરનારો ત્રીજો જ્યારે લક્ષ્ય ચોથો ભારતીય પુરૂષ ખેલાડી બન્યો હતો. પ્રકાશ પાદુકોણે અને પ્રણીતે બંનેએ જે તે સમયે બ્રોન્ઝ જીત્યો હતો.
ભારત માટે આ ટૂર્નામેન્ટ એક રીતે જોઇએ તો ઐતિહાસિક બની ગઇ છે. માજી વર્લ્ડ નંબર વન અને અહીં 12માં ક્રમાંકિત શ્રીકાંતે નેધરલેન્ડના માર્ક કાલજોઉને ક્વાર્ટર ફાઇનલમાં માત્ર 26 મિનીટમાં જ 21-8, 21-7થી હરાવીને અંતિમ ચારમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. તે પછી બિનક્રમાંકિત લક્ષ્યએ જોરદાર રમતનું પ્રદર્શન કરીને એક કલાક અને 7 મિનીટના સંઘર્ષમાં ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં ચીનના જુન પેન્ગ ઝાઓને 21-15, 15-21, 22-20થી હરાવ્યો હતો.
ભારતીય યુવા શટલર લક્ષ્ય સેને આજે અહીં બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચનારો ભારતનો સૌથી યુવા પુરૂષ ખેલાડી બનવાની સાથે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચનારો માત્ર ચોથો ભારતીય પુરૂષ ખેલાડી બન્યો હતો. અહીં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્યએ ચીનના જુન પેન્ગ ઝાઓને 21-15, 15-21, 22-20થી હરાવ્યો હતો. લક્ષ્ય પહેલા કિદામ્બી શ્રીકાંતે સેમીમાં પ્રવેશ કર્યો હતો, સૌથી પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પ્રવેશ 1983માં પ્રકાશ પાદુકોણે કર્યો હતો. જ્યારે 2019માં બી સાઇ પ્રણીત બીજો ભારતીય ખેલાડી બન્યો હતો. લક્ષ્ય અને જુન વચ્ચેની મેચમાં બંનેએ એક-એક ગેમ જીત્યા પછી ત્રીજી ગેમમાં ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો અને અંતે લક્ષ્યએ એ ગેમ જીતીને મેચ જીતી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સિંધુ તાઇ ઝુ યિંગ સામે હારી :-
ડિફેન્ડીંગ ચેમ્પિયન પીવી સિંધુ અહીં બીડબલ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇની તાઇ ઝુ યિંગ સામે સીધી ગેમમાં હારી જતાં ટાઇટલ જાળવી રાખવાનું તેનું સ્વપ્ન તૂટ્યું હતું. તાઇ ઝુએ આ મેચ માત્ર 42 મિનીટમાં 21-17, 21-13થી જીતી લીધી હતી. સિંધુ 2019માં આ ટાઇટલ જીતી હતી અને 2020માં કોરોનાના કારણે તેનું આયોજન થયું નહોતું. સિંધુએ 2019માં તાઇ ઝુને ક્વાર્ટર ફાઇનલમાં જ હરાવી હતી પણ ટોક્યો ઓલિમ્પિક્સની સેમી ફાઇનલમાં તેની સામે હારી હતી. કોર્ટ બહારની બંને મિત્ર વચ્ચેની મેચ શરૂઆતમાં રોમાંચક રહી હતી, જો કે તે પછી તાઇ ઝુએ ધીરે ધીરે મેચ પર પકડ જમાવી હતી અને સિંધુ ડ્રોપ શોટ તેમજ વાઇડ શોટ મારવામાં ભુલો કરતી રહેતા અંતે મેચમાં તાઇ ઝુનો વિજય થયો હતો.