મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે નરેન્દ્ર મોદી એ વૈશ્વિક સ્તરે શાંતિ માટે સક્રિય રાજનૈતિક પહેલ શરૂ કરી છે. તેમણે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી, જેમાં બંને નેતાઓએ તણાવ ઘટાડવા અને સંવાદ તથા કૂટનીતિ તરફ પરત ફરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને દેશોએ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સંકલન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પહેલા પીએમ મોદીએ મલેશિયાના વડાપ્રધાન Anwar Ibrahim સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર શુભેચ્છાઓ પાઠવી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરી.
સાથે જ, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે થયેલી મહત્વપૂર્ણ વાતચીતમાં હોર્મુઝ જળસંધિમાંથી સુરક્ષિત અને અવરોધમુક્ત અવરજવર સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ભારત માટે ઊર્જા અને વેપારના દૃષ્ટિકોણથી આ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ છે. બંને પક્ષોએ સહમતિ વ્યક્ત કરી કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સતત રાજદ્વારી જોડાણ જરૂરી છે. વધતા તણાવ વચ્ચે પીએમ મોદીએ કુવૈતમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારી માટે મળતા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે વૈશ્વિક સંકટોમાં સંવાદ અને શાંતિપૂર્ણ ઉકેલ જ સૌથી યોગ્ય માર્ગ છે. આ સમગ્ર રાજનૈતિક પહેલ દર્શાવે છે કે ભારત માત્ર પરિસ્થિતિ પર નજર નથી રાખી રહ્યું, પરંતુ વૈશ્વિક શાંતિ સ્થાપવામાં સક્રિય અને જવાબદાર ભૂમિકા ભજવી રહ્યું છે.