પાકિસ્તાનના કરાચીમાં તા.14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન થયેલો હવાઈ ગોળીબાર શોકમાં ફેરવાઈ ગયો. શહેરના વિવિધ વિસ્તારોમાં અંધાધૂંધ કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જેમાં એક વૃદ્ધ પુરુષ અને આઠ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 60થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાત્રે બાર વાગ્યાની સાથે જ કરાચીનું આકાશ ફટાકડાં અને ગોળીબારના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું. ઉત્સાહમાં લોકો દ્વારા કરવામાં આવેલા હવાઈ ફાયરિંગના કારણે અનેક નિર્દોષ લોકો નિશાન બન્યા હતા.
અઝીઝાબાદ બ્લોક-8માં આઠ વર્ષની બાળકી ગોળી વાગતાં જ ઘટનાસ્થળે મોતને ભેટી હતી. કોરંગી વિસ્તારમાં સ્ટીફન નામના વ્યક્તિને ગોળી વાગતાં મોત પામ્યા હતા. તેમજ ત્રીજા એક વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મૃત્યુ થયું.
આ ઘટનાએ શહેરમાં દુઃખ અને ભયનું વાતાવરણ સર્જી દીધું છે. કરાચીના અનેક વિસ્તારો, જેમ કે લિયાકતાબાદ, બલદિયા, કોરંગી, કેમારી, લ્યારી, અખ્તર કોલોની, મહમૂદાબાદ, જેક્સન, ઓરંગી ટાઉન અને પાપોશ નગરમાં આવા ગોળીબારની ઘટનાઓ બની છે. પોલીસ મુજબ, ગોળી વાગવાથી 64 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. બધા ઘાયલ લોકોને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે લોકોને અપીલ કરી છે કે ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે કરવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન પડે. અધિકારીઓએ જણાવ્યું છે કે આવા બનાવોને રોકવા માટે કડક પગલાં લેવાશે.
સ્વતંત્રતા દિવસ પર લોકો દેશભક્તિના ઉત્સાહમાં ઘણીવાર ફટાકડાં અને હવાઈ ગોળીબાર કરે છે, પરંતુ આવા બનાવો લોકો માટે જાનલેણ સાબિત થાય છે. કરાચીની આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી છે કે બેદરકાર ઉજવણી કેટલા ગંભીર પરિણામો આપી શકે છે.
ઉજવણીના દિવસે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે અને હવાઈ ફાયરિંગ પર પ્રતિબંધ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.