વલસાડ : દેશભરમાં 15મી ઓગષ્ટની (15 August) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે 14મીના રોજ દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સ્વાતંત્ર્ય પર્વ (Independence Day) ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વલસાડને (Valsad) આંગણે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના ભાગરૂપે તિથલ બીચ ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવી હતી.
વલસાડના જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા પોલીસ વડા કરણસિંઘ વાઘેલાની રાહબરી હેઠળ લોકોમાં દેશભકિતની ચેતના જગાવવાના પ્રયાસને ઉપસ્થિત લોકો, પ્રવાસીઓએ બિરદાવ્યો હતો. સંધ્યા સમયે મધરુતમ સમુદ્ર તટે મજા માણતા પ્રવાસીઓએ દેશભકિત ગીતોનો આનંદ માણ્યો હતો.
”સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા” સહિતના દેશભક્તિ ગીતોએ વાતાવરણને દેશ ભક્તિમય બનાવ્યું હતું. આ દેશભક્તિ ગીતોને પ્રવાસીઓએ મોટી સંખ્યામાં એકઠાં થઈને માણ્યાં હતાં. વલસાડના જ રહેવાસી એવા એક પ્રવાસી પરિવારે બેન્ડની પ્રશંસા કરતાં કહ્યું કે, રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થશે, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીં આવી રહ્યા છે, આ ખૂબ ગર્વની વાત છે. વલસાડ શહેરને સુંદર સજાવી દેવાયું છે. પોલીસ બેન્ડ ખુબ સરસ દેશભક્તિના ગીતોથી પ્રેરણાં આપી રહ્યાં છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નગર પાલિકા દ્વારા વાપી ટાઉન બજાર રોડ ઉપર લગાવવામાં આવેલી જૂની સ્ટ્રીટ લાઈટો હટાવી તેના સ્થાને આકર્ષક સ્ટ્રીટ લાઈટીંગ મૂકવામાં આવી છે. સાથે સાથે માર્ગ વચ્ચેના ડિવાઈડરોની સાફસફાઈ કરી રંગરોગાન પણ કરાયું છે. સ્ટ્રીટલાઈટ પોલને પણ ત્રિરંગાવાળી આકર્ષક લાઈટીંગથી સજાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ વાપીના પોલીસ મથક તથા આસપાસમાં આવેલા ખાનગી સ્થળો પણ મનમોહક આકર્ષક લાઈટીંગથી સજ્જ જોવા મળી રહ્યા છે.
‘હર ઘર તિરંગા’ના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારોની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરતના મેયર હેમાલી બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ તિરંગા યાત્રામાં જોડાયાં હતાં. હર્ષ સંઘવીએ યાત્રા દરમિયાન કહ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે જે માહોલ હતો તેવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં લિસ્ટેડ આતંકવાદીઓના પરિવાર પણ તિરંગો લહેરાવી રહ્યા છે.