નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં તા. 2 નવેમ્બરે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ રમાશે. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા ટાઇટલ માટે ટક્કર લેશે. ખાસ વાત એ છે કે બંને ટીમો અત્યાર સુધી ક્યારેય મહિલા વર્લ્ડ કપ જીતી નથી. એટલે આ ફાઇનલમાં જે પણ ટીમ જીતશે. તે પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બનશે.
ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ટીમે 339 રનના વિશાળ લક્ષ્યનો સફળ ચેઝ કર્યો હતો. મેચમાં જેમીમા રોડ્રિગ્સે શાનદાર બેટિંગ કરતા 127 રન બનાવ્યા. જ્યારે હરમનપ્રીત કૌરે 89 રનનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો. રિચા ઘોષે 26 રન બનાવી ટીમને જીત સુધી પહોંચાડવામાં મદદ કરી.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમે ઇંગ્લેન્ડને 125 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. ટીમ માટે લૌરા વોલ્વાર્ડટે ધમાકેદાર 169 રન બનાવ્યા હતા. આ વિજય સાથે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે.
આ ફાઇનલ માત્ર ખિતાબ માટે નહીં પરંતુ ઇતિહાસ માટે પણ ખાસ રહેશે. કારણ કે બંને ટીમો પ્રથમવાર ચેમ્પિયન બનવાની તક માટે મેદાનમાં ઉતરશે.
ભારત માટે હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાના પર નજર રહેશે. જ્યારે દક્ષિણ આફ્રિકા માટે લૌરા વોલ્વાર્ડટ, મારિઝાન કેપ અને ક્લોએ ટ્રાયન મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય ટીમના આત્મવિશ્વાસ અને હાલની ફોર્મને જોતા ચાહકોને આશા છે કે ભારત આ વખત ઇતિહાસ રચશે અને પહેલીવાર મહિલા વર્લ્ડ કપ પોતાના નામે કરશે.
આ રીતે તા. 2 નવેમ્બરે IND vs SA ફાઇનલ માત્ર ક્રિકેટ મેચ નહીં. પણ વિશ્વ મહિલા ક્રિકેટના ઇતિહાસનો એક નવો અધ્યાય લખશે.