Sports

IND vs SA: ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર 6 લેફટી પ્લેયર, કેપ્ટન ગિલના નિર્ણયથી આશ્ચર્ય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતામાં ચાલી રહેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર ભારતીય ટીમની પ્લેઇંગ 11માં 6 લેફટી પ્લેયરને સ્થાન મળ્યું છે. કેપ્ટન ગિલના આ નિર્ણયે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો બંનેને આશ્ચર્યચકિત કર્યા છે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ સૌથી મોટું આશ્ચર્ય ભારતીય ટીમના પ્લેઇંગ 11ની પસંદગીએ સર્જ્યું હતું. કારણ કે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલે આ મેચ માટે ખેલાડીઓની પસંદગી પરંપરાથી અલગ કરી છે.

આ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ મેચના ઇતિહાસમાં પહેલીવાર 6 લેફટી પ્લેયર્સને પ્લેઇંગ 11 માં સામેલ કર્યા છે. યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ તમામ લેફટી પ્લેયર છે. જે આ મેચમાં રમી રહ્યાંં છે. અગાઉ ભારત તેના ટેસ્ટ ઈતિહાસમાં એક પણ ટેસ્ટ મેચમાં ક્યારે આટલા બધા લેફટી પ્લેયર સાથે રમ્યું નથી. ગિલના આ નિર્ણયે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો બંનેને આશ્ચર્યચકિત કર્યા છે.

ભારતે કુલ ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. જેમાંથી ત્રણ લેફટી સ્પિનર છે. અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં માત્ર ચોથી વખત એવું બન્યું છે કે ટીમે એક જ મેચમાં ત્રણથી વધુ લેફટી સ્પિનરોને સામેલ કર્યા છે. કોલકાતાની પિચ સ્પિનરોને મદદરૂપ રહેવાની શક્યતા છે. તેથી આ નિર્ણયને યોગ્ય માનવામાં આવી રહ્યો છે.

પ્લેઇંગ 11માંથી સાઈ સુદર્શનને બહાર કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને નંબર 3 પર સ્થાન અપાયું છે. સુંદરના બેટિંગ ક્રમની પસંદગીએ પણ આશ્ચર્ય સર્જ્યું છે. ક્રિકેટ નિષ્ણાતો કોચ ગંભીર અને કેપ્ટન ગિલના આ નિર્ણને યોગ્ય માની રહ્યાં નથી. ટેસ્ટમાં નંબર 3નું સ્થાન ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ ક્રમ પર રાહુલ દ્રવિડ, ચેતેશ્વર પુજારા જેવા બેટ્સમેન રમી ચૂક્યા છે. સાઈ સુદર્શને તેની પાછલી ટેસ્ટમાં અર્ધ સદી ફટકારી હતી, ત્યારે નિષ્ણાત બેટ્સમેનના સ્થાને બોલિંગ ઓલરાઉન્ડર સુંદરની પસંદગીએ દિગ્ગજ ક્રિકેટરોમાં પણ આશ્ચર્ય સર્જ્યું છે.

મધ્યક્રમમાં ઋષભ પંત સાથે ધ્રુવ જુરેલને પણ તક આપવામાં આવી છે. જે ટીમના બેટિંગ ઓર્ડરને વધુ મજબૂત બનાવે છે. હવે નજર આ મેચના પરિણામ પર રહેશે કે શુભમન ગિલના ઐતિહાસિક અને જોખમી નિર્ણયો ટીમ માટે કેટલા ફાયદાકારક સાબિત થાય છે.

Most Popular

To Top