એશિયા કપ 2025માં રવિવારે ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી. પરંતુ મેદાન પરની આ જીત બાદ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક નવો વિવાદ ઊભો થયો “હેન્ડશેક ગેટ”. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા હતા. જેના કારણે મેચ પછીનું વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું.
પાકિસ્તાની કેપ્ટનનો ગુસ્સો
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સિક્સર ફટકારીને મેચ પૂરી કરી હતી. સામાન્ય રીતે ખેલાડીઓ મેચ પછી વિરોધી ટીમ સાથે હાથ મિલાવતા હોય છે. પરંતુ આ વખતે ભારતીય ખેલાડીઓ સીધા ડ્રેસિંગ રૂમમાં પરત ફરી ગયા હતા. માત્ર સૂર્યકુમારે પોતાના સાથી બેટ્સમેન શિવમ દુબે સાથે જ હાથ મિલાવ્યો હતો. તેમજ થોડા જ સેકન્ડોમાં ટીમ ઈન્ડિયા સ્ટાફે ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ મેદાનમાં ઉભા રહ્યા હતા.
આ ઘટનાથી પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા ભારે નારાજ થયા અને મેચ પછીના પ્રેઝન્ટેશનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો. ટીમના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું કે “અમે હાથ મિલાવવા તૈયાર હતા પરંતુ વિરોધી ટીમ ડ્રેસિંગ રૂમમાં જતી રહી. આ રમતનો અંત લાવવાનો ખૂબ નિરાશાજનક રસ્તો હતો.”
ભારતનો જવાબ
પાકિસ્તાન તરફથી ટીમ ઈન્ડિયાના વર્તનને “રમતની ભાવના વિરુદ્ધ” ગણાવવામાં આવ્યું. બીજી તરફ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે “ટીમ સરકાર અને BCCI સાથે ઉભી છે. અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે અમારી એકતા દર્શાવવા હાથ ન મળાવવાનો નિર્ણય કર્યો હતો. આજની જીત અમે અમારા સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ.”
શું ટીમ ઈન્ડિયા પર દંડ થશે?
હવે પ્રશ્ન એ છે કે હાથ ન મિલાવવાના કારણે ભારતને દંડ થઈ શકે? તો તેનો જવાબ છે, નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કોઈ નિયમમાં એવું લખેલું નથી કે મેચ પછી વિરોધી ખેલાડીઓ સાથે હાથ મિલાવવો ફરજિયાત છે. હાથ મિલાવવું માત્ર રમતની ભાવનાનો એક ભાગ માનવામાં આવે છે. જે કોઈ કાયદેસર ફરજ નહીં.
આથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનના વિરોધ છતાં ટીમ ઈન્ડિયા પર કોઈ કાર્યવાહી અથવા દંડ લાગવાની શક્યતા નથી.