Sports

IND vs PAK: આજે દુબઈમાં બોલરોનો દબદબો કે બેટ્સમેનની તાકાત..?, જાણો પિચ રિપોર્ટ…

એશિયા કપ 2025ના સુપર ફોર રાઉન્ડમાં આજ રોજ તા. 21 સપ્ટેમ્બર 2025 રવિવારે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવશે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. લીગ સ્ટેજમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને મજબૂત સંદેશો આપ્યો હતો. હવે ફરી એકવાર બંને ટીમો એકબીજા સામે ટકરાશે ત્યારે સૌની નજર પિચ અને પરિસ્થિતિઓ પર રહેલી છે.

લીગ સ્ટેજની જીત પછી ભારત આત્મવિશ્વાસમાં વધુ
ભારતની ટીમે સુપર ફોર સુધીનો પોતાનો સફર અપરાજિત રહીને પૂરો કર્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ મેન ઇન બ્લુએ પાકિસ્તાન સામે સાત વિકેટથી જીત મેળવી હતી. તે મેચમાં યાદવે વિજયી છગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. જો કે ત્યાર બાદ હાથ મિલાવવાની પરંપરા ટાળી દેતા વિવાદ પણ ઊભો થયો હતો. હવે આ વિવાદને પાછળ મૂકી બંને ટીમો ફરી મેદાનમાં ઉતરશે.

દુબઈની પિચ પર સ્પિનરોનો દબદબો
દુબઈની પિચ ધીમા સ્વભાવ માટે જાણીતી છે. એટેલે કે બોલ બાઉન્સ થયા પછી તેની ઝડપ ગુમાવે છે. અહીં ઝડપી બોલરોને રાત્રીના સમયગાળામાં મુશ્કેલી પડે છે. જ્યારે સ્પિનરો અસરકારક સાબિત થાય છે. મોટા ગ્રાઉન્ડને કારણે બેટ્સમેન માટે બાઉન્ડ્રી મારવી સહેલી નથી, એટલે લાંબી ઇનિંગ્સ રમવા માટે ધીરજ જરૂરી છે. એકવાર બેટ્સમેન સેટ થઈ જાય તો તે પોતાના સ્ટ્રોક સરળતાથી રમી શકે છે.

નિષ્ણાતોના મત મુજબ દુબઈની પિચ પર પહેલા બેટિંગ કરવું વધુ ફાયદાકારક બની શકે છે.

દુબઈની હવામાન પરિસ્થિતિ
દુબઈમાં હાલ ભારે ગરમી છે. મેચ દરમિયાન તાપમાન 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. જ્યારે ભેજનો સ્તર 61 થી 62 ટકા સુધી પહોંચી શકે છે. આવા વાતાવરણમાં ખેલાડીઓ માટે ફિટનેસ જાળવવી મોટી પડકારરૂપ રહેશે. જોકે સારા સમાચાર એ છે કે વરસાદની કોઈ શક્યતા નથી. એટલે ચાહકો પૂરી મેચનો આનંદ માણી શકશે.

ભારત પોતાની સતત જીતની લય જાળવી રાખવા ઉત્સુક હશે, જ્યારે પાકિસ્તાન માટે આ મુકાબલો પ્રતિષ્ઠાનો રહેશે. પિચ પર સ્પિનરોનો દબદબો રહેવાની સંભાવના હોવાથી બંને ટીમોની કસોટી બેટિંગ પર રહેશે. બોલરો માટે અહીં તક છે, પરંતુ જે બેટ્સમેન ધીરજથી રમશે તે જ લાંબો સ્કોર બનાવી શકશે.

Most Popular

To Top