શુભમન ગિલ આ દિવસોમાં જબરદસ્ત ફોર્મમાં છે. ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સંભાળ્યા પછી, શુભમન ગિલે ઘણા રન બનાવ્યા છે. પ્રથમ બે મેચની ચાર ઇનિંગ્સમાં કુલ 585 રન બનાવ્યા પછી, ગિલે તા.11 જુલાઈના રોજ શુક્રવારે લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 16 રન બનાવીને ઇતિહાસ રચ્યો. ગિલે ઇંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો.
2018માં ઇંગ્લેન્ડ સામે, કોહલીએ ભારત માટે પાંચેય મેચ રમી હતી અને કુલ 593 રન બનાવ્યા હતા. જોકે, શુભમન ગિલે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 9 રનનો આંકડો પાર કરીને કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. જેથી હવે ગિલ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. એટલું જ નહીં, ગિલ રાહુલ દ્રવિડના રેકોર્ડને પણ નિશાન બનાવી રહ્યો છે.
ઇંગ્લેન્ડમાં ભારતીય કેપ્ટન દ્વારા એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન
601 – શુભમન ગિલ (2025)
593 – વિરાટ કોહલી (2018)
426 – મોહમ્મદ અઝહરુદ્દીન (1990)
351 – સૌરવ ગાંગુલી (2002)
349- એમએસ ધોની (2014)
દ્રવિડને પાછળ છોડી દેવાની તક
હકીકતમાં, રાહુલ દ્રવિડના નામે ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2002 માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન, દ્રવિડે સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ટીમ માટે ચાર મેચમાં 602 રન બનાવ્યા હતા. ગિલ રાહુલ દ્રવિડને પાછળ છોડી દેવાથી માત્ર એક રન દૂર છે. જોકે, તેની પાસે હજુ પણ તક છે. તે બીજી ઇનિંગમાં પણ આ રેકોર્ડ હાંસલ કરી શકે છે.
ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન
602 – રાહુલ દ્રવિડ (2002)
601 – શુભમન ગિલ (2025)
593 – વિરાટ કોહલી (2018)
542 – સુનિલ ગાવસ્કર (1979)
461 – રાહુલ દ્રવિડ (2011)
જયસ્વાલનો રેકોર્ડ પણ નિશાન પર છે
ભારત માટે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ યશસ્વી જયસ્વાલના નામે છે. 2024માં ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન, જયસ્વાલે પાંચ મેચમાં બે બેવડી સદીની મદદથી કુલ 712 રન બનાવ્યા હતા. ગિલ જે ફોર્મમાં છે, તેનાથી એવું માની શકાય છે કે તે આ રેકોર્ડ પણ તોડી શકે છે.
ભારત માટે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન
712 – યશસ્વી જયસ્વાલ (2024)
655 – વિરાટ કોહલી (2016)
602 – રાહુલ દ્રવિડ (2002)
601- શુભમન ગિલ (2025)
593 – વિરાટ કોહલી (2018)