National

IND VS ENG TEST: કોહલીની કેપ્ટન તરીકેની કેરિયરના સૌથી આકરા ચાર મહિનાની શરૂઆત

નોટિંઘમ: ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ની કેપ્ટન તરીકેની કેરિયરના સૌથી આકરા ચાર મહિનાની શરૂઆત અહીં આવતીકાલે બુધવારે થશે, જ્યારે ઇંગ્લેન્ડ (England) સામેની પાંચ ટેસ્ટની સીરિઝ (Test series)ની પહેલી ટેસ્ટ (First test match) માટે એક સંપૂર્ણ ભારતીય ટીમનું સંયોજન પસંદ કરવામાં તેની વ્યુહરચનાની કસોટી થશે.

ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટેની અંતિમ ઇલેવનની જાહેરાત કોહલીએ મેચના થોડા દિવસો પહેલા જ કરી દીધી હતી અને પરિસ્થિતિનું સન્માન ન કરવાથી તેણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય સમયાનુસાર મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. બુધવારે ટીમનું સંતુલન બનાવવા માટે કોહલીએ ઘણી માથાપચ્ચી કરવી પડી શકે છે. ભારતનો નીચલો ક્રમ ઘણો લાંબો છે, જે મોટાભાગે રન બનાવવામાં નિષ્ફળ જાય છે. ટીમની પાસે માત્ર બે ઓપનર હોય છે, જેમાંથી રોહિત શર્મા સક્ષમ તો છે પણ ઇંગ્લીશ પરિસ્થિતિમાં તેણે દાવનો પ્રારંભ કર્યો નથી. બીજો ઓપનર લોકેશ રાહુલ ઘણો પ્રતિભાશાળી છે પણ દાવની શરૂઆત કરતાં ખચકાય છે. મયંકને કન્કશન ઇજા થયા પછી રોહિતના જોડીદાર તરીકે રાહુલ તાર્કિક પસંદગી છે. આ ઉપરાંત ટીમને હાર્દિક પંડ્યાની ખોટ પણ સાલશે, તો વળી બે સ્પેશિયાલિસ્ટ સ્પિનરની ઉપયોગીતા પર પણ સવાલ ઊભા થઇ શકે છે.

અભિમન્યુ ઇશ્વરનને રમાડવાનું જોખમ કેપ્ટન કોહલી ઉઠાવે તેવી સંભાવના નથી
ભારતીય ટીમનો એક ઓપનર શુભમન ગીલ ઘાયલ થઇને ઘરે આવી ગયો છે, જ્યારે બીજો ઓપનર મયંક અગ્રવાલ કન્કશનનો શિકાર બન્યો છે, ત્યારે હવે આવતીકાલથી શરૂ થતી પ્રથમ ટેસ્ટમાં ઓપનર તરીકે લોકેશ રાહુલનું નામ પહેલું સામે આવે છે. સ્ટેન્ડબાય ઓપનર અભિમન્યુ ઇશ્વરને પોતાની છેલ્લી ફર્સ્ટક્લાસ મેચ માર્ચ 2000માં રમી હતી અને એ સિઝનમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આ સ્થિતિમાં વિરાટ કોહલી તેને રમાડવાનું જોખમ ઉઠાવે તેવું લાગતું નથી.

હનુમા વિહારીને ઓપનર તરીકે રમાડવાથી ટીમને ઘણાં ફાયદા થઇ શકે
ભારતીય ટીમની બીજા ઓપનરની સમસ્યા હનુમા વિહારીને રમાડવાથી પુરી થઇ શકે છે. વિહારીએ ઓસ્ટ્રેલિયામાં નવા બોલનો સામનો કર્યો હતો. વિહારીને સમાવવાથી ઓફ સ્પિન બોલિંગનો એક વધારાનો વિકલ્પ મળશે અને રવિચંદ્રન અશ્વિનને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે રમાડવાની સાથે ટીમમાં ઝઢપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે શાર્દુલ ઠાકુરને સમાવી શકાશે. જો કે જાડેજા પર તેને પ્રાથમિકતા આપવામાં થોડો ખચકાટ થઇ શકે છે.

ટીમના ઝડપી બોલિંગ આક્રમણમાં કોનો સમાવેશ કરાશે તે મોટો સવાલ
ઇંગલેન્ડ સામે બુધવારથી શરૂ થતી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ કયા ઝડપી બોલિંગ આક્રમણ સાથે ઉતરે તેના પર બધાની નજર મંડાયેલી છે. મહંમદ શમી અને ઇશાંત શર્મા ઝડપી બોલિંગના અગ્રણી છે પણ તેમની વધતી વય સમસ્યા સમાન છે. જસપ્રીત બુમરાહ 2019માં કમરના સ્ટ્રેસ ફ્રેકચર પછી ટેસ્ટમાં એવી સફળતા નથી મેળવી શક્યો, જો કે ગત સીરિઝમાં સારા પ્રદર્શનને કારણે તેને પહેલી ટેસ્ટમાં સામેલ કરાશે. પણ ભારતના સૌથી ઝડપી બોલર મહંમદ સિરાજનો સમાવેશ થશે કે કેમ તેના પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.

Most Popular

To Top