જયપુરમાં કોચિંગ જઈ રહેલી બે યુવતીઓ પર એસિડ એટેકની ઘટના બની છે. બાઇક પર સવાર એક બદમાશે બે કિલોમીટરના અંતરે બંને યુવતીઓ પર અલગ-અલગ હુમલો કર્યો હતો. બંને પીડિતા હોસ્પિટલમાં દાખલ છે. ઘટના બાદ પોલીસ સીસીટીવીની તપાસ કરી રહી છે. એક ફૂટેજમાં બાઇક સવાર ભાગતો જોવા મળે છે. યુવતીઓએ કહ્યું કે તેઓ હુમલાખોરને ઓળખતી નથી. સાંગાનેર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સાવરિયા રોડ પર શનિવારે 19 વર્ષની એક યુવતી કોચિંગ માટે જઈ રહી હતી. પાછળથી બાઇક સવાર આવ્યો હતો.
રસ્તાની બાજુ પર ચાલીને જઈ રહેલી યુવતી પર પાછળથી એસિડ ફેંકીને ભાગી ગયો હતો. યુવતીના ડાબા ખભા પર એસિડ પડ્યો હતો, જેના કારણે તે દાઝી ગઈ હતી. ત્યારબાદ તરત જ બાઇક સવાર બદમાશે બીજો હુમલો સાવરિયા રોડથી 2KM દૂર કર્યો હતો. સ્મશાન પાસે લાઇબ્રેરીમાં જઈ રહેલી 22 વર્ષની યુવતી પર પાછળથી એસિડ ફેંકવામાં આવ્યો હતો. યુવતીની પીઠ પર એસિડ પડતાં તે દાઝી ગઈ અને ચીસો પાડવા લાગી હતી. અત્યાર સુધીની પોલીસની તપાસમાં એવી વાત સામે આવી છે કે બંને યુવતી એવા કોઈને ઓળખતી નથી જે તેમના પર હુમલો કરી શકે.
બંને યુવતીઓ વાટિકા નગરમાં રહીને સ્પર્ધાની તૈયારી કરી રહી છે. આ બાઇક સવાર એટલો બિન્દાસ્ત હતો કે તેણે હેલમેટ પણ પહેર્યુ ન હતું અને ખુલ્લેઆમ ધૃણાસ્પદ ગુનો આચર્યો હતો. બંને છોકરીઓ તેને ઓળખતી પણ નથી. આ ઘટનાના એક મહિના પહેલા બિહારમાં જ આ પ્રકારની ખુલ્લેઆમ હુમલાની ઘટના બહાર આવી હતી. બિહારના બેગુસરાયમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એમાં એકનું મોત થયું હતું અને અનેકને ઈજા પહોંચી હતી. ચારેય આરોપીઓ બેગુસરાયના છે. ત્રણને પોલીસે બેગુસરાયમાંથી જ પકડી લીધા હતા. એકને નજીકના ઝાઝામાંથી દબોચી લેવાયો હતો. બેગુસરાયના નેશનલ હાઈવે-૨૮માં ચાર થાના વિસ્તારમાં આ આરોપીઓએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. એ દરમિયાન કુલ ૧૦ લોકોને ગોળી વાગી હતી. એકનું મોત થયું હતું. આ બદમાશોએ ૩૦ કિલોમીટરના વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ મામલે નીતિશ કુમારે સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટનામાં પણ હુમલાખોરોનો ચોક્કસ ઇરાદો બહાર આવ્યો ન હતો. અમેરિકા અને યુરોપમાં આ પ્રકારનું ગન કલ્ચર છે અને ત્યાંના પબ તેમજ શાળાઓમાં આ પ્રકારના કારણ વગરના હુમલાની ઘટનાઓ બનતી રહે છે. અત્યાર સુધી ભારતમાં આ પ્રકારની ઘટનાઓ બનતી ન હતી. પરંતુ એક જ મહિનામાં દેશના બે રાજ્ય બિહાર અને રાજસ્થાનમાં આ પ્રકારની ઘટના બની છે જે ખૂબ જ ચિંતાજનક છે.
ભારતમાં અત્યાર સુધી જેટલા પણ નિર્દોષના મોત થયા છે તેમાં આતંકવાદીઓ ઘટના અથવા તો આંતરિક વિવાદ અને દુશ્મની હોવાની જ વાત હતી પરંતુ, બેગુસરાયમાં જે ઘટના બની હતી તે ધૃણાસ્પદ તો હતી જ પરંતુ સાથે સાથે ચોંકાવાનરી પણ હતી કારણ કે. 30 કિમીના દાયરામાં કોઇ યુવાનો કોઇપણ જાતના ઉશ્કેરાટ કે કારણ વગર ફાયરિંગ કરી રહ્યાં હતા અને નિર્દોષોને ગોળી મારી રહ્યાં હતાં. આ એવી ઘટના હતી કે જે વિદેશોમાં બનતી આવી છે અને કોઇપણ જાતના કારણવગર શાળાઓમાં ઘૂસીને બાળકોને ગોળીબાર કરવામાં આવે છે તે પ્રકારની હતી.
આ ઘટનાની શ્યાહી હજી સુકાઇ નથી ત્યાં રાજસ્થાનમાં બે કિમીના દાયરામાં એસિડ એટેક કરનાર હુમલાખોરે બે નિર્દોષ વિદ્યાર્થિનીને ભોગ બનાવી છે. ભારતમાં આ પ્રકારના બનાવો ઉપર મનોમંથન થવું જોઇએ. આ પ્રકારની ઘટના કેવી રીતે ટાળી શકાય તેના ઉપર અત્યારથી જ કામ શરૂ કરી દેવું જોઇએ. ખાસ કરીને આવા આરોપી પકડાયા પછી તેની માનસિક સ્થિતિનું આકલન કરવું જોઇએ અને આવી ઘટનાના ઇરાદા પાછળના કારણ પણ તપાસવા જોઇએ તો જ આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ટાળી શકાશે. જો ભારતમાં આ પ્રકારના કિસ્સાઓ વધશે તો લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દેવુ પડશે.