SURAT

સુરત: શિવમ હત્યાકાંડના આરોપીઓનું ઘર સળગાવાયું, ભાજપ નેતાનું ષડયંત્ર?!

સુરત: કડોદરાના (Kadodara) સત્યમ નગરમાં શિવમ હત્યા હત્યાકાંડના (Murder Case) આરોપીઓનું કેટલાક અસામાજીક તત્વોએ ઘર સળગાવવાનો (Fire) પ્રયાસ કર્યો હતો. આ ઘટના ગઇ કાલે મંગળવારના રોજ ઘટી હતી. સમગ્ર મામલે કડોદરા નગર ભાજપ યુવા મોરચાનો મંત્રી ગૌરવ કુશ્વાહા આરોપી હોવાનું સામે આવ્યું છે. ગૌરવે આ ષડયંત્ર શા માટે રચ્યું હતું તે પ્રાથમિક તપાસમાં બહાર આવતા સૌ ચોંકી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય અગાવ કડોદરાના ક્રિષ્ના નગરમાં રહેતા અમરેન્દ્ર ઉર્ફે શિવમનું અપહરણ કરી તેની હત્યા કરાઇ હતી. આ પ્રકરણમાં પોલીસે તમામ આરોપીને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા બાદ પણ મામલો થાળે પડ્યો નથી. આ મુદ્દાને લઈને ગતરોજ કેટલાક આસમાજિક તત્ત્વો સત્યમ નગર સોસાયટીમાં પોતાના ઘરે રહેવા આવેલા આરોપી સોનુ અને મોનુના ઘરે પહોંચ્યા હતાં. તેમજ બંન્નેના માતાપિતાને ‘અહીં નહીં રહેવા દેવા’ની માંગ સાથે હોબાળો કર્યો હતો. આ સાથે એક મોટરસાઇકલ સળગાવી ઘરમાં સળગેલું ટાયર નાખી આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ આ ટોળાંએ મરચાંની ભૂકી નાખી હુમલો કર્યો હતો અને એક મહિલાએ મહિલા પીએસઆઇ મીરને બચકાં ભર્યા હતા.

દરમ્યાન આ મામલે પોલીસે ત્રણ અલગ અલગ એફઆઇઆર નોંધી મહિલા સહિત કેટલાક અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી. જેમાં કડોદરા નગર યુવા ભાજપના મંત્રી ગૌરવ કુશ્વાહનો પણ સમાવેશ થાય છે. તેમજ પોલીસ તપાસમાં ગૌરવ કુશ્વાહા જ ટોળાંને ભડકાવીને લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તે સોનું અને મોનુનું મકાન સસ્તામાં પડાવવા માંગતો હતો. તેમજ આ માટે ભાજપના નેતાએ કારસો રચ્યો હોવાની પોલીસને આશંકા છે.

ગૌરવ કુશ્વાહાએ મૃતક અમરેન્દ્ર ઉર્ફે શિવમનો મૃતદેહ સ્મશાનમાં લઈ જવાનો હતો ત્યારે પણ લોકોને ઉશ્કેરી ટોળું એકત્રિત કરી દીધું હતું. તેમજ ભાજપનો આ નેતા અવારનવાર લોકોને ઉશ્કેરતો હોવાનું સ્થાનિકોએ પણ જણાવ્યું છે. બાળકની હત્યા થવાથી લોકોની લાગણીનો ફાયદો ઉઠાવી ભાજપ નેતા ગૌરવ કુશ્વાહાએ સમગ્ર ષડયંત્ર ઘડ્યું હતું. આવા તત્ત્વોની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવું કડોદરા નગરના લોકો ઈચ્છી રહ્યા છે. સમગ્ર મામલે ભાજપના યુવા મોરચાના નેતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે કડોદરા નગર ભાજપ અને સુરત જિલ્લા ભાજપ સંગઠન તેમની સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top