નાલંદા-તક્ષશિલાની ભસ્મીભૂત વિરાસત હવે કોબામાં સુરક્ષિત : પીએમ મોદીના હસ્તે ૩ લાખ હસ્તપ્રતોના ખજાના સમાન જૈન મ્યુઝિયમનું ઉદ્ઘાટન
ગાંધીનગર,તા.31
મહાવીર જયંતીના પવિત્ર પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબા તીર્થ ખાતે વિશ્વસ્તરીય ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ (જૈન હેરિટેજ મ્યુઝિયમ) નું ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જૈન ધર્મના અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોને યાદ કરતા જણાવ્યું હતું કે, આ સંગ્રહાલય માત્ર એક ઇમારત નથી, પરંતુ ભારતના કરોડો લોકોના ભવ્ય ભૂતકાળની જીવંત ધરોહર છે.
વારસો અને વિજ્ઞાનનો સંગમ
કોબા તીર્થની આધ્યાત્મિક ઊર્જાની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “જ્યાં મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનનું પોષણ થાય છે, તે જ સાચી ત્રિવેણી છે. વર્ષોથી અહીં ચાલતી સાધના અને તપસ્યા આજે આધુનિક સ્વરૂપમાં નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની છે.” તેમણે આ સંગ્રહાલયના નિર્માણમાં આચાર્ય ભગવંતો અને હજારો સેવકોના ફાળાને બિરદાવ્યો હતો.
સમ્રાટ સંપ્રતિ : શાસન અને સાધનાનો સેતુ
સમ્રાટ અશોકના પૌત્ર અને જૈન ધર્મના પ્રચારક એવા સમ્રાટ સંપ્રતિના મહત્વ પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું હતું કે, વિશ્વમાં ઘણા શાસકોએ સત્તા માટે મૂલ્યો છોડ્યા, પરંતુ ભારતમાં સમ્રાટ સંપ્રતિ જેવા રાજાઓએ સિંહાસન પર બેસીને અહિંસા, સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કર્યો. તેઓ સત્તાને સેવા અને સાધના માનતા હતા.
મ્યુઝિયમની રચનાને વિશેષ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે સાત ગેલેરીઓમાં ભારતની સંસ્કૃતિ, જૈન તત્વજ્ઞાન અને તીર્થંકરોના ઉપદેશોને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા છે. “સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય માનવતાની સેવા માટે પાયો બનાવે છે,” એમ તેમણે ઉમેર્યું હતું.
વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજના અશાંતિભર્યા સમયમાં જૈન ધર્મના અહિંસા અને શાંતિના સંદેશની સમગ્ર વિશ્વને જરૂર છે. તેમણે વિશ્વભરના વિદ્યાર્થીઓ અને સંશોધકોને આ મ્યુઝિયમની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનની દિશામાં ચાલી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો અને લોથલ મેરિટાઇમ મ્યુઝિયમ, વડનગર મ્યુઝિયમ તથા દિલ્હી ખાતેના ‘યુગે યુગીન ભારત’ મ્યુઝિયમ જેવા પ્રોજેક્ટ્સની માહિતી પણ આપી હતી.
૭ ભવ્ય ગેલેરીઓમાં કંડારાયો છે ઇતિહાસ
વડાપ્રધાને સંગ્રહાલયની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું હતું કે,
- નવપદ દર્શન: પ્રથમ ગેલેરી અરિહંત, સિદ્ધ અને સાધુના પવિત્ર નવપદ દર્શન કરાવે છે.
- તીર્થંકર ગાથા: ત્રીજી ગેલેરીમાં તીર્થંકરોના જીવન અને ઉપદેશોને અત્યાધુનિક ટેકનોલોજીથી જીવંત કરાયા છે.
- વૈવિધ્યતા: અહીં જૈન ધર્મની સાથે વૈદિક અને બૌદ્ધ પરંપરાઓનો પણ સુમેળ જોવા મળે છે, જે ભારતની ‘વિવિધતામાં એકતા’નું પ્રતીક છે.
જ્ઞાન ભારતમ મિશન – ૩ લાખ હસ્તપ્રતોનું સંરક્ષણ
પીએમ મોદીએ આચાર્ય ભગવંત પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના ૬૦ વર્ષના પરિશ્રમને વંદન કરતા કહ્યું હતું કે, વિદેશી આક્રમણખોરોએ નાલંદા અને તક્ષશિલા સળગાવી આપણું જ્ઞાન નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આજે કોબામાં ૩ લાખથી વધુ હસ્તપ્રતો સુરક્ષિત છે. સરકાર હવે ‘જ્ઞાન ભારતમ મિશન’ હેઠળ આ હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન અને વૈજ્ઞાનિક સંરક્ષણ કરી રહી છે.
“મૂળિયાં સાથે જોડાણ અને જગત સાથે જોડાણ”
પોતાના સંબોધનના અંતે પીએમ મોદીએ ભાવુક થતા કહ્યું હતું કે, “આજે મારો દિવસ ખૂબ શુભ છે. સવારે કોબામાં જૈન વિરાસતનું ઉદ્ઘાટન કરી હું મારા મૂળિયાં (Roots) સાથે જોડાયો છું અને હવે સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી ભારતને જગત (World) સાથે જોડીશ.”
વડાપ્રધાન મોદીએ સૌ ગુજરાતીઓને અપીલ કરી હતી કે તેઓ સપરિવાર આ સંગ્રહાલયની મુલાકાત લે અને ભારતના અમૂલ્ય ખજાનાને સમજે. અંતમાં પ્રધાનમંત્રીએ સમાજને વારસાના સંરક્ષણ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે “સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ આવનારી પેઢી માટે જ્ઞાન અને પ્રેરણાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.”આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડે સીએમ હર્ષ સંઘવી સહિત અનેક જૈન મુનિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.