Gujarat

પંચમહાલ અને દાહોદમાં એક જ દિવસે રૂ. 1100 કરોડના કામોના વિકાસ પ્રોજેકટના લોકાર્પણ-ખાતમુહૂર્ત

આદિજાતિ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે સિંચાઈ, રોડ, આરોગ્ય અને શિક્ષણના કામોને વેગ

ગાંધીનગર,તા.15
રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં એક જ દિવસે અંદાજે રૂ. 1100 કરોડના વિવિધ વિકાસ પ્રોજેકટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ, માર્ગ વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લામાં રૂ. 732 કરોડના 112 કામો અને દાહોદ જિલ્લામાં રૂ. 367 કરોડના 1200થી વધુ કામોની ભેટ આપી. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના 79 ગામોના 130 તળાવોમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવા રૂ. 406 કરોડની ઉદવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ યોજનાથી અંદાજે 86 હજાર એકર વિસ્તારમાં ખેતી માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનશે. પાનમ જળાશયમાંથી 236 ફૂટ ઊંચાઈએથી પાણી લિફ્ટ કરીને લગભગ 206 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં અત્યાર સુધીમાં રૂ. 3160 કરોડના ખર્ચે 11 ઉદવહન સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકાઈ છે, જેના કારણે 2 લાખ 23 હજાર એકરથી વધુ જમીનને સિંચાઈની સુવિધા મળી છે.આ ઉપરાંત રાજ્યના ચાર લાખ કરોડના ઐતિહાસિક બજેટમાં આદિજાતિ વિસ્તારોમાં લિફ્ટ ઈરિગેશન માટે રૂ. 485 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત લિફ્ટ ઈરિગેશન દ્વારા 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત “વંચિતોને વરિયતા”ના સંકલ્પ સાથે આદિજાતિ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. દાહોદ જિલ્લો આકાંક્ષી જિલ્લાઓમાં સમાવેશ પામ્યો છે અને તેને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં અગ્રણી અને પ્રેરણાદાયક જિલ્લો બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top