હાલમાં ચાલી રહેલો શ્રાવણ માસ શિવજીનો મહિનો ગણાય છે. આ મહિનામાં શિવ મંદિરમાં પૂજા કરવાની હોય છે. શિવ ભગવાન માટે લોકોને અલગ જ શ્રદ્ધા છે. ભારતમાં આ જોવા મળે છે પરંતુ બે દેશો એવા પણ છે કે જે શિવ મંદિરો માટે યુદ્ધ કરી રહ્યા છે. આ બંને દેશો દ્વારા એકબીજા પર મિસાઈલથી હુમલા કરવાની સાથે જગ્યા પર કબજા કરવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આ યુદ્ધ નાના પાયે ચાલી રહ્યું છે.
આ વિવાદમાં થાઈલેન્ડના વડાપ્રધાને રાજીનામુ પણ આપવું પડ્યું છે. ધાર્મિક ઉન્માદ માત્ર ભારતમાં જ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં છે તે આનાથી સાબિત થાય છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ એક સદીથી પણ વધુ 118 વર્ષ જૂનો છે. આ બંને શિવ મંદિરો બંને દેશ માટે બંને દેશો મંદિરોની બહુ જ મહત્વ આપે છે, એમાં ય શિવને વધારે મહત્વ આપે છે. અત્યારે જે લડાઈ થઈ રહી છે તે સંસ્કૃતિની ધરોહર માટે થઈ રહી છે, માત્ર મંદિરો માટે નહિ. આ બંને દેશો એટલા મોટા નથી કે જેની અસર સમગ્ર વિશ્વમાં વર્તાય પણ આ બંને વચ્ચેના યુદ્ધે પૂર્વ એશિયામાં ચિંતા જરૂર ઊભી કરી છે.
જેને માટે થાઈલેન્ડ અને કંબોડિયા લડી રહ્યા છે તે બંને મંદિર એક હજાર વર્ષ કરતાં પણ જૂના છે. એક મંદિરનું નામ છે પ્રીહ વિહિયર અને બીજા મંદિરનું નામ છે તા મુએન થોમ. આ મંદિરો 9મી અને 11મી સદીમાં બન્યા હતા. બંને મંદિર શિવજીના છે, જે દાંગરેક પહાડીઓ પર છે.આ મંદિરને 9મી અને 12મી સદી વચ્ચે અલગ અલગ ખમેર રાજાઓએ નિર્માણ કરાવ્યું હતું. મંદિરમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, અપ્સરા અને અન્ય પૌરાણિક પ્રસંગો કોતરાયેલા છે. મંદિરમાં ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત હતું. હવે ગાયબ છે. તા મુએન થોમ મંદિર પણ દાંગરેક પર્વતમાળામાં આવ્યું છે.
1000 વર્ષ જૂના શિવમંદિરની ડિઝાઈન ખમેર શૈલીની છે. 11મી સદીમાં ખમેર રાજા ઉદયાદિત્યવર્મન દ્વિતીયે નિર્માણ કરાવ્યું હતું. મંદિરની વિશેષતા તેનું ગર્ભગૃહ છે, જેમાં ગર્ભગૃહના પથ્થરને જ કોતરીને શિવલિંગનો આકાર અપાયો છે. બંને દેશોએ આ મંદિર સુધી રસ્તો બનાવ્યો છે. વર્ષ 1907માં તત્કાલિન ફ્રાંસીસી શાસને એક નકશો તૈયાર કર્યો. એ નકશામાં આ મંદિર કંબોડિયા ક્ષેત્રમાં છે, એવું બતાવાયું. હકીકતે 19મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી કંબોડિયામાં ફ્રાન્સનું રાજ હતું.
1953માં કંબોડિયા આઝાદ થયું. 1962માં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે નિર્ણય લીધો કે મંદિર કંબોડિયાનું જ છે. થાઈલેન્ડ પહેલેથી દાવો કરતું રહ્યું છે કે આ મંદિરવાળી જગ્યા એ થાઈલેન્ડની જમીન છે. આ વિવાદ 2008માં વકરી ગયો. કંબોડિયાએ લાગ જોઈને એ જ વર્ષમાં આ મંદિરને યુનેસ્કો પાસે વર્લ્ડ હેરિટેજ જાહેર કરાવ્યું. આનાથી થાઈલેન્ડ નારાજ થઈ ગયું. 2008માં જ બંને દેશના સૈનિકો વચ્ચે સરહદે મારામારી થઈ. 2011માં તો વિવાદ એટલો વધી ગયો કે 36 હજાર લોકોએ પલાયન કરવું પડ્યું. 2013માં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે મંદિરની બીજીવાર ખરાઈ કરી. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે, મંદિર કંબોડિયાનું જ છે.
છતાં વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું નહોતું. તેમાં તાજેતરમાં કંબોડિયાના કેટલાક સૈનિકોએ મંદિર પરિસરમાં જઈને કંબોડિયાનું રાષ્ટ્રગાન ગાયું. આ સમયે થાઈલેન્ડના સૈનિકોએ કંબોડિયાના સૈનિકોને હાંકી કાઢ્યા. કંબોડિયાએ જમીન વિવાદનો મુદ્દો ઉઠાવ્યો તો થાઈલેન્ડે સીધો બોમ્બમારો જ શરૂ કરી દીધો અને સામે કંબોડિયાએ તેને વળતો જવાબ આપ્યો. જેને કારણે બંને દેશ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. કંબોડિયાએ થાઈલેન્ડમાંથી પોતાના રાજદૂત અને અધિકારીઓને પાછા બોલાવી લીધા છે અને કંબોડિયામાં રહેતા થાઈ નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. થાઈલેન્ડે કંબોડિયાની સરહદ સીલ કરીને આવન જાવન પર પ્રતિબંધ મૂકી દીધો.
થાઈલેન્ડે હવાઈ હુમલો કરીને કંબોડિયાની હોસ્પિટલ પર હુમલો કરી દીધો જેમાં 12નાં મોત થયાં. એ પછી કંબોડિયાએ પણ વળતો હુમલો કર્યો. થાઈલેન્ડના સુરીન, સીસાકેટ અને ઉબોન પ્રાંતની બોર્ડર પર તણાવ છે. થાઈલેન્ડની સરકારે જાહેર કર્યું છે કે કંબોડિયાના હુમલામાં 32 નાગરિકોનાં મોત થયાં છે. તો કંબોડિયાએ જાહેર કર્યું છે કે તેના 30 સૈનિકો માર્યા ગયા છે. જોવા જેવું છે કે કંબોડિયા થાઈલેન્ડની સામે બચ્ચું છે છતાં પણ તે લડી રહ્યું છે. થાઈલેન્ડની વસતી 7.70 કરોડ છે. જેની સામે કંબોડિયાની વસતી માત્ર 1.74 કરોડ જ છે.
થાઈલેન્ડના સૈનિકોની સંખ્યા 3.60 લાખ છે. જ્યારે કંબોડિયા પાસે માત્ર 1.70 લાખ સૈનિકો જ છે. તમામ દ્રષ્ટિકોણથી જોઈએ તો થાઈલેન્ડ કંબોડિયા કરતાં તાકાતવર દેશ છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે 817 કિલોમીટરની સરહદ છે. કંબોડિયાનું ક્ષેત્રફળ ભારતના કર્ણાટક રાજ્યના ક્ષેત્રફળ જેટલું છે. થાઈલેન્ડનું ક્ષેત્રફળ કંબોડિયા કરતાં ત્રણ ગણું વધારે છે. નથી કંબોડિયા પાસે આર્થિક તાકાત, નથી આધુનિક ફાયટર જેટ કે નથી નેવીના કોઈ સાધનો. કંબોડિયા જાણે છે કે, થાઈલેન્ડ ધારે તો બે દિવસમાં કંબોડિયાને ધૂળ ચાટતું કરી શકે છતાં કંબોડિયા મચક આપ્યા વગર લડી લેવાના મૂડમાં છે. જો આ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ નહીં થાય તો બની શકે છે કે બંને દેશો યુદ્ધમાં ખુંવાર થશે તે નક્કી છે.