Editorial

કાળઝાળ ગરમી વચ્ચે તાપમાનના ખોટા આંકડાઓ ઓર અકળાવી ગયા!

આ વખતે દેશમાં કાળઝાળ ઉનાળો તપી રહ્યો છે અને દેશના અનેક ભાગોમાંથી તાપમાનના ૪૫ ડીગ્રી કરતા પણ વધુ એવા બિહામણા આંકડા આવી રહ્યા છે ત્યારે દિલ્હી અને નાગપુરના કેટલાક વિસ્તારોના ૫૦ ડીગ્રી કરતા પણ વધુ ગરમીનાં આંકડા તો ખૂબ ધ્રુજાવી ગયા. જો કે સદનસીબે બાદમાં જાહેર થયું કે આ આંકડા ખોટા હતા.નાગપુરના એક વેધર સ્ટેશને 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હાલમાં બતાવ્યું. જો કે તેના એક દિવસ પછી ભારતીય હવામાન વિભાગ (IMD) એ સ્પષ્ટતા કરી છે કે ઉક્ત તાપમાન તાપમાન સેન્સરની ખામીને કારણે નોંધવામાં આવ્યું હતું.

પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) નાગપુરે જણાવ્યું હતું કે, “30 મેના રોજ 56 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અહેવાલ સાચો નથી અને સત્તાવાર રીતે જાહેર કરાયો નથી. નજીકમાં કાર્યરત AWS CICR છે અને 30 મેના રોજ મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ હતું,” એમ આઇ એમ ડી નાગપુરે જણાવ્યું હતું.  અગાઉ આવી જ એક ઘટનામાં દિલ્હીના મંગેશપુર વેધર સ્ટેશનમાં પણ 52.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે તેને શહેરના ઇતિહાસમાં સૌથી વધુ તાપમાન બનાવે છે.  જોકે, બાદમાં IMDના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રેકોર્ડબ્રેક તાપમાન “સેન્સરમાં ભૂલ અથવા સ્થાનિક પરિબળ”ને કારણે હતું.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ગરમીની લપેટમાં છે.  શુક્રવારે નાગપુરમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના ડેટા અનુસાર દેશના 150 મુખ્ય જળાશયોનું પાણીનું સ્તર પણ ઘટીને 23 ટકા થઈ ગયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વર્તમાન લાઇવ સ્ટોરેજ 8.833 બિલિયન ક્યુબિક મીટર (બીસીએમ) અથવા કુલ ક્ષમતાના 24 ટકા છે.  ગયા વર્ષના 28 ટકાથી આ ઘટાડો છે પરંતુ 23 ટકાના હાલના સરેરાશ સંગ્રહ કરતાં સુધારો છે.

દેશના મુખ્ય ૧૫૦ જળાશયોમાં પાણીનું સ્તર ઘટીને ૨૩ ટકા જેટલું જ રહી ગયું છે તે એક ગંભીર બાબત છે. ૨૩ ટકા એટલે કે જે તે જળાશયની કુલ ક્ષમતાના ચોથા ભાગનું પાણી પણ તે જળાશયમાં રહ્યું નથી. જો આ જળાશયો વરસાદના પાણીથી સમયસર ભરાય નહીં તો દેશના અનેક ભાગોમાં પાણીની તંગી ઓર વકરી શકે છે.  દેશના અનેક ભાગો આમ પણ સામાન્ય રીતે ઉનાળામાં પાણીની સખત તંગીનો સામનો કરતા જ હોય છે. જ્યારે આ વખતે તો ઘણો સખત ઉનાળો છે અને ઘણા બધા જળાશયોમાં પાણીનું લેવલ ખૂબ નીચુ ગયું છે ત્યારે જો સમયસર વરસાદ નહીં થાય તો પાણીની કેવી અછત સર્જાઇ શકે તેની કલ્પના કરવી રહી.

આ વખતનો સખત ઉનાળો કુદરતી કારણોસર પણ છે અને હવામાન પરિવર્તનની અસરને કારણે પણ તેની તીવ્રતા વધારે છે એમ નિષ્ણાતોના અભિપ્રાયો પરથી સમજાય છે. ઉનાળામાં લૂ લાગવાને કારણે આ વખતે અનેક રાજ્યોમાં મોટા પ્રમાણમાં લોકોના મૃત્યઓ થયા છે, તેમાં નોંધપાત્ર સંખ્યામાં ચૂંટણી કર્મચારીઓ પણ છે. આ વખતનો સખત ઉનાળો જાણે કે હવામાન પરિવર્તનથી આગામી વર્ષોમાં જો માણસજાત સુધરે નહીં અને હવામાન પરિવર્તનની તીવ્રતા ઘટાડવા પ્રયાસો કરે નહીં તો, પ્રદૂષણ ઘટાડવા પ્રયાસો કરે નહીં તો કેવી ભયંકર પરિસ્થિતિ સર્જાઇ શકે છે તેનું ટ્રેઇલર ભારતમાં બતાવી રહ્યો છે. આગામી વર્ષોમાં અતિશય ગરમીથી લોકો ઉનાળામાં ટપોટપ મરશે તેવી આગાહી હતી તે કેટલેક અંશે ભારતમાં આ વખતે ઉનાળામાં સાચી પડી છે.

જો કે આમ  તો ઉનાળામાં લૂથી મૃત્યુઓ થવા તે કોઇ નવી વાત નથી પરંતુ આ વખતે નોંઘપાત્ર પ્રમાણમાં વધુ મૃત્યુઓ ગરમીના કારણે થયા છે. પાકિસ્તાન સહિતના આપણા પાડોશી દેશોમાં પણ ગરમીની બાબતમાં આ વખતે સ્થિતિ ઘણી ખરાબ છે. હવામાન પરિવર્તનને કારણે એશિયન દેશોને વધુ સહન કરવું પડશે તેવી આગાહી આમાં સાચી પડતી જણાય છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે હવામાન પરિવર્તન સર્જાઇ રહ્યું છે અને  તેને કારણે એશિયન દેશો સહિત વિશ્વના અનેક દેશોમાં પાણીની તીવ્ર તંગી સર્જાઇ શકે છે તેવી ચેતવણીના સંદર્ભમાં આપણા દેશમાં આ વખતે જળાશયોના ખૂબ નીચા ગયેલા સ્તરોની સ્થિતિ વિચારવા જેવી છે. ટૂંકમાં આ વખતનો ઉનાળો હવામાન પરિવર્તનથી ઉભી થઇ શકે તેવી ઘણી સ્થિતિઓને તાદશ કરી ગયો છે.

Most Popular

To Top