એક ફિલ્મ આવી હતી, ‘યે આગ કબ બુઝેગી ?’. આવી જ સ્થિતિ હાલમાં ગુજરાતમાં છે. આજે ફરી મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડ્યો હતો. જેમાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 13 વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. છેલ્લા 18 ગુજરાતમાં 14 જેટલા નાના-મોટા બ્રિજ તૂટ્યા છે.
દર વખતે સરકાર દ્વારા કડક આદેશો કરવામાં આવે છે પરંતુ ફરી ઠેરના ઠેર થાય છે અને નિર્દોષ લોકોએ મોતનો ભોગ બનવું પડે છે. ગુજરાત એવું રાજ્ય છે કે જેમાં બ્રિજ તૂટી પડવાની અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ હોનારતોમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે પરંતુ બ્રિજની હાલતોમાં કોઈ જ સુધારો થતો નથી. ગંભીરા નદીના બ્રિજ મુદ્દે પણ અગાઉ અનેક વખત રજૂઆતો થઈ ચૂકી છે. બે જ વર્ષ પહેલા પણ આ બ્રિજ જોખમી હોવા અંગે વિડીયો વાઈરલ થયો હતો પરંતુ સરકાર જાગી નહોતી. અરે, પાંચ દિવસ પહેલા જ એક ચાલકે એવું કહ્યું હતું કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડે તેમ છે અને હવે જ્યારે બ્રિજ તૂટી પડ્યો છે ત્યારે મૃતકો માટે સહાયોની જાહેરાતો કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં વહીવટી તંત્રની સંવેદનાઓ જાણે મરી પરવારી છે. બ્રિજની હોનારતની સાથે જે જે પણ હોનારતો થાય છે તેમાં નિર્દોષોના મોત થાય છે, એક્શનના નામે ગુના નોંધાય છે, જે તે વ્યક્તિની ધરપકડ પણ થાય છે પરંતુ સમસ્યાના મૂળને દૂર કરવામાં આવતું નથી. જ્યારે જ્યારે પણ બ્રિજ હોનારત થાય છે ત્યારે તમામ બ્રિજની હાલતની ચકાસણી કરવા માટેના કડક આદેશો કરવામાં આવે છે. આ આદેશો કાગળ પર જ કડક રહી જાય છે. જો બ્રિજનું ચેકિંગ કરવામાં આવતું હોત તો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની નહી હોત. ગુજરાતમાં બ્રિજ બનાવવાના મામલે મોટાપાયે ખાયકી થાય છે. બ્રિજ બનાવનારી કંપનીઓ પણ એક ચોક્કસ પ્રદેશની જ છે. આ ચોક્કસ પ્રદેશના ચોક્કસ નેતાઓના આ કંપનીઓ પર ચાર હાથ છે.
આ ચોક્કસ નેતાઓ ઘરે બેસી ગયા પરંતુ તેમ છતાં પણ આ કંપનીઓને કશું થયું નથી. તેના જવાબદારો બચતાં જ રહ્યા છે. રાજકારણીઓ તેમને બચાવતા જ રહ્યા છે. ભારત આઝાદ થયા બાદ ગુજરાતમાં બ્રિજના નિર્માણ પ્રત્યે દુર્લક્ષ જ સેવવામાં આવ્યું છે. દાયકાઓ પહેલા જે બ્રિજ બની ગયા તેની મરામતથી માંડીને તેની ક્ષમતા ચકાસવાની કોઈ જ તસદી સરકાર લેવા માટે તૈયાર નથી. માર્ગ અને મકાન વિભાગના ખાઈબદેલા અધિકારીઓ કામ કરવા માટે તૈયાર નથી. આ જવાબદારી આ વિભાગની આવતી હોવા છતાં પણ આ વિભાગના અધિકારીઓને કશું થતું જ નથી. માત્ર આ જ વિભાગ જ નહીં પરંતુ જ્યાં પણ મહાપાલિકાના અધિકારીઓ જવાબદાર હોય તો તેમની સામે પણ પગલા લેવાવા જ જોઈએ.
થોડા સમય પહેલા અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ શરૂ થાય તે પહેલા જ વપરાશ યોગ્ય નહીં હોવાથી તેનો ઉપયોગ શરૂ કરાયો નહીં. જ્યારે બન્યો ત્યારે લોકોએ ભારે અગવડતા સહન કરી. હવે જ્યારે તૈયાર થયો ત્યારે તે નકામો નીકળ્યો. આ બ્રિજના સ્ટ્રકચરનું ચેકિંગ કરાયું અને બાદમાં તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેટલામાં બ્રિજ બન્યો, તેટલી જ રકમ તોડવા માટે ખર્ચવી પડે તેવી હાલત હતી. સરવાળે આજે પણ આ બ્રિજ અમદાવાદમાં ઊભો છે. અને જો આ બ્રિજ ગમે ત્યારે તૂટ્યો તો નિર્દોષ લોકોના ચોક્કસ જ મોત થવાની સંભાવના રહેલી છે.
અમદાવાદની કાંકરીયા રાઈડ દુર્ઘટના હોય, મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના હોય, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, ભરૂચનો હોસ્પિટલનો આગકાંડ હોય, અમદાવાદની શ્રેયસ હોસ્પિટલનો આગ કાંડ હોય , ભાવનગરના રંઘોળાની અકસ્માત હોનારત હોય, રાજકોટની ગેમ ઝોન હોનારત હોય કે હાલની મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના હોય, અત્યાર સુધી સરકારે કડક આદેશો જ આપ્યા છે પરંતુ કામગીરી થઈ નથી. સરકારે હવે ફિલ્ડ પર આવીને બ્રિજ સહિત રાજ્યમાં જે જે પણ હોનારતો બને છે તેના મામલે કડક આદેશો નહીં પરંતુ કડક કામગીરી કરવી પડે તેમ છે. જો રાજ્ય સરકાર નહીં જાગે તો વધુને વધુ નિર્દોષો હોનારતના ખપ્પરમાં હોમાતા જ જશે તે નક્કી છે.