Editorial

ટેમ્પરરી સ્ટ્રકચર કે પછી ફાયર સેફ્ટીના મામલે સરકારની લાલીયાવાડી જ હોનારતો સર્જે છે

સ્વાર્થ હંમેશા આંધળો હોય છે. જ્યારે સ્વાર્થ આવે ત્યારે કોઈને કશું દેખાતું નથી. લોકો માનવતા ભૂલી જાય છે. અધિકારી તેની ફરજ ભૂલી જાય છે. બધે નાણાંની બોલબાલા થાય છે અને માનવ જિંદગીઓ નંદવાઈ જાય છે. રાંડ્યા પછીના ડહાપણની જેમ હોનારત સર્જાયા બાદ પગલાઓ લેવામાં આવે છે. તંત્ર કામગીરી કર્યાનું દેખાડે છે પરંતુ જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા તેની વેદના કોઈને દેખાતી નથી. પાંચ વર્ષ પહેલા સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ અને તાજેતરમાં રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગ અને તેમાં નિર્દોષના લેવાયેલા ભોગે ઉક્ત વાતને સત્ય સાબિત કરી છે. તંત્ર જ્યારે નિયમો બનાવે ત્યારે તેમાં મળતિયાઓને લાભ કરાવવા માટે શોર્ટકટ રાખે છે. આ શોર્ટકટમાં પણ તંત્ર સુધારાઓ કરીને નવા શોર્ટકટ ઉભા કરે છે અને બાદમાં સર્જાય છે હોનારત.

રાજકોટની હોનારત બાદ સરકારે પોલીસ, મહાપાલિકા, ફાયર, ડીજીવીસીએલ અને માર્ગ અને મકાન વિભાગને સાથે રાખીને પગલાઓ લેવાની શરૂઆત કરી છે. આમ તો ટેમ્પરરી સ્ટ્રકચર માટે આ તમામ વિભાગોની પરવાનગી લેવાની જ હોય છે. પરંતુ તેમાં પણ કૌભાંડો થાય છે. એકની પરવાનગી નહીં હોય તો પણ બીજા વિભાગ દ્વારા પરવાનગી આપી દેવામાં આવે છે. તેમાં પણ નિયમોમાં છુટછાટ કરવામાં આવે છે. ઘણી વખત ફાયર સેફ્ટી નહીં હોય તો માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે. બાંહેધરી લઈને જે તે મિલકતને ખોલી આપવામાં આવે છે. આવું કેમ? શું લોકોના જાનમાલની કિંમત નથી? તંત્ર શા માટે શોર્ટકટ અપનાવે છે? જો ફાયર સેફ્ટી જરૂરી છે તો જરૂરી છે. તેમાં બાંહેધરી લઈને સીલ ખોલવામાં જ કેમ આવે છે?

સરકાર હવે સફાળી જાગી છે અને સીલ મારવા માંડી છે પરંતુ ટેમ્પરરી સ્ટ્રકચરનો નિયમ કેમ હજી યથાવત રાખવામાં આવ્યો છે? ખેતીની જમીનમાં પણ ટેમ્પરરી સ્ટ્રકચર બનાવીને બાદમાં તેને વર્ષો સુધી ચલાવવામાં આવે છે. જો વર્ષો સુધી ચાલે તો તેને ટેમ્પરરી સ્ટ્રકચર જ કેવી રીતે કહેવાય? ખરેખર સરકારે જ્યાં પણ ટેમ્પરરી આવે છે તે તમામ જોગવાઈઓ કાઢી જ નાખવી જોઈએ. ટેમ્પરરીના નામે કાયમી ભ્રષ્ટાચાર થાય છે. તમામ વિભાગો પોતાનો લાભ લઈ લે છે અને બાદમાં નિર્દોષ લોકો હોમાઈ જાય છે. નિયમોનો ઉલાળિયો કરવામાં આવે છે અને બાદમાં જે તે જવાબદારો બચી જાય છે.

ટૂંકા આર્થિક સ્વાર્થ માટે જે કોઈ લોકહિતને ગિરવે મૂકતા હોય તેવા તમામને કોઈપણ સંજોગોમાં છોડવા જોઈએ નહીં. જે નિયમો પાળે નહીં તેને તુરંત સજા થવી જોઈએ. પછી ચાહે તે સ્કૂલ હોય, ગેમ ઝોન હોય, હોસ્પિટલ હોય, હોટલ-રેસ્ટોરન્ટ હોય કે પછી કોઈપણ પ્રકારની કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રિયલ મિલકત હોય. ગમે તે હોય તમામે ફાયર સેફ્ટી રાખવાની જ છે અને જો નહીં રાખે તો તેવાની તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. હાલમાં સરકાર દ્વારા જેની પાસે ફાયર સેફ્ટીના એનઓસી નથી તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે પરંતુ તે પુરતું નથી. આ તમામ કોઈને કોઈક બહાને બાદમાં છૂટી જશે.

વર્ષો સુધી કેસ ચાલશે પરંતુ તેનાથી નિર્દોષોના જીવ જતા બચશે નહીં. તક્ષશિલા હોય કે પછી રાજકોટનો ગેમ ઝોન, તમામમાં ફાયરને કારણે જ નિર્દોષોના ભોગ લેવાયા છે. તો ફાયર સેફ્ટીના મામલે લાલીયાવાડી શા માટે? રાજકોટની હોનારત બની છે તો છ મહિના- વર્ષ સુધી હોહા થશે, પગલાઓ લેવામાં આવશે પરંતુ જરૂરીયાત એ છે કે આ હોનારતને યાદ રાખીને ભવિષ્યમાં આવી દુર્ઘટના નહીં બને તેવા પગલા લેવાવા જોઈએ. સરકાર દ્વારા એ સુનિશ્ચિત કરવું પડશે કે ભવિષ્યમાં ફાયર સેફ્ટીના આયોજન વિના કોઈપણ સંજોગોમાં કોઈપણ એકમો ચાલે નહીં. જો સરકાર આવા એકમોને ચાલવા દેશે તો ફરી ગેમ ઝોન કે પછી તક્ષશિલા જેવી ઘટનાઓ બનતી રહેશે તે નક્કી છે.

Most Popular

To Top