કોલકાતા: બીરભૂમ હિંસા કેસમાં બુધવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં મમતા સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. આ સાથે હાઈકોર્ટે સાક્ષીઓની સુરક્ષા અને સ્થળ પર 24 કલાક દેખરેખ રાખવાનો પણ આદેશ આપ્યો છે. એક દિવસ પહેલા, બીરભૂમ જિલ્લાના એક ગામમાં કેટલાક ઘરોને આગ લગાડવામાં આવી હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા.
કલકત્તા હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરતા મમતા સરકારને 24 કલાકની અંદર રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે રાજ્ય સરકારને જિલ્લા ન્યાયાધીશની હાજરીમાં સીસીટીવી કેમેરા લગાવવા અને 24 કલાક ઘટના પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે દિલ્હીની ફોરેન્સિક ટીમને તપાસ માટે તાત્કાલિક સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યને જિલ્લા ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને પ્રત્યક્ષદર્શીઓની તાત્કાલિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીથી ફોરેન્સિક ટીમ મોકલવાની માંગ
બીરભૂમ હિંસામાં પીઆઈએલ દાખલ કરનાર વકીલે દિલ્હીથી ફોરેન્સિક ટીમ મોકલવાની માંગ કરી હતી. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે બે સાક્ષીઓ મૃત્યુ પામ્યા છે. PIL દાખલ કરનાર વકીલે રજૂઆત કરી હતી કે બંગાળની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબ (CFSL) આ મામલાની તપાસ કેવી રીતે કરવી તે જાણતી નથી. પુરાવા મહત્વપૂર્ણ છે અને એક અઠવાડિયામાં કોઈ પુરાવા બાકી રહેશે નહીં. વકીલે કોર્ટને અપીલ કરી કે દિલ્હીથી CFSLની ટીમ મોકલવામાં આવે.
અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટના ગોધરાની ઘટના જેટલી જ ભયાનક છે જ્યાં લોકોને ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, સીબીઆઈએ હાઈકોર્ટને કહ્યું કે જો હાઈકોર્ટ આદેશ આપે તો એજન્સી આ કેસની તપાસ સંભાળવા માટે તૈયાર છે.
કોઈ પુરાવા નષ્ટ ન થવા જોઈએ : કલકત્તા હાઈકોર્ટે
કલકત્તા હાઈકોર્ટે સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે કોઈ પુરાવા નષ્ટ ન થાય તે સુનિશ્ચિત કરે. જિલ્લા અદાલત અને રાજ્યના ઉચ્ચ પોલીસ કર્મચારીઓએ દરેક ગ્રામજનો અને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની હોય છે. કોર્ટે કહ્યું કે જો શબપરીક્ષણ બાકી હોય તો તેની વીડિયોગ્રાફી કરવી જોઈએ.
બીરભૂમ હિંસા મામલામાં બીજેપી ડેલિગેશન ગામ પહોંચ્યું
બીરભૂમ ઘટના પરબંગાળમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં બીજેપીનું પ્રતિનિધિમંડળ બીરભૂમના રામપુરહાટ ગામમાં પહોંચ્યું છે જ્યાં મંગળવારે આ ઘટના બની હતી. ગુરુવારે સીએમ મમતા બેનર્જી પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બીરભૂમની મુલાકાત લેશે. સ્થાનિક TMC નેતાની હત્યા બાદ અહીં તણાવ ફેલાઈ ગયો હતો અને કેટલાક ઘરોને બંધ કરીને આગ ચાંપી દેવામાં આવી હતી જેમાં 10 લોકો જીવતા સળગી ગયા હતા.