સુરત: જનજાગૃતીના અભાવ અને રસીકરણ(VACCINATION)ના ખોટાભયને લીધે સુરત મહાનગરમાં લધુમતિ સમાજ(MUSLIM SOCIETY)માં સૌથી ઓછુ વેક્સિનેશનનું કામ થતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. સુરતમાં અત્યાર સુધી કુલ 1.60 લાખ લોકોએ વેક્સિન લીધી છે. તેમાં 0.2 ટકા પણ મુસ્લિમ સમાજે રસી નહીં લેતા પાલિકાએ જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓને સાથે રાખી કોમ્યુનિટિ વેક્સિનેશનની જનજાગૃતીનું અભિયાન શરૂ કર્યુ છે.
મુસ્લિમ સમાજમા વેક્સિનેશન અને ફરજિયાત માસ્ક પહેરવા પાલિકા કમિશનરે કરેલી અપીલને પગલે શહેરના માજી મેયર (MAYOR) કદીર પીરઝાદાએ વેક્સિનેશનનો ભય દૂર કરવા જાતે વેક્સિન લઇ સમાજને જાગૃત કરવાનું બીડું ઉપાડ્યું છે. આજે ચોકબજાર મેમણ હોલ ખાતે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટર ફેનિલ પટેલ, ડો.ચેતન ચોકસી, એસીપી ચાવડા, લાલગેટ પીઆઇ યુએ ડાભી સહિતના અધિકારીઓની હાજરીમાં મુસ્લિમ સમાજના ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્પિટલ(HOSPITAL)ના સંચાલકો, તબીબો, શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવકો અને એનજીઓની બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકને સંબોધતા શહેરના માજી મેયર કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે સમાજના પ્રત્યેક સીનિયર સિટીઝન અને કો-મોર્બિડ દર્દીઓએ ફરજિયાત વેક્સિન લેવી જોઇએ. જે વ્યક્તિઓ કોરોનાની સારવાર લઇ સાજા થયા છે. તેમણે વેક્સિન લેવી જોઇએ. અત્યારે બધાએ ભેગા થઇ વેક્સિન લેવા પર ભાર મુકવો જોઇએ. વેક્સિનને લઇ કોઇ ખોટો ભય રાખવાની જરૂર નથી. પાલિકાના આરોગ્ય અધિકારી ડો. ફેનિલ પટેલે કહ્યુ હતું કે જે સમાજ અને જ્ઞાતિમાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછુ છે ત્યા કોમ્યુનિટિ અને જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી જનજાગૃતી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
આગામી રમજાનના પર્વમાં ગેધરિંગ વધશે તે જોતા ફરજિયાત માસ્ક પહેરવા ઉપરાંત ભય વિના પાલિકા નક્કી કરેલા વય મર્યાદા મુજબના લોકોએ અને કો-મોર્બિડ લક્ષ્ણો ધરાવતા લોકોએ વેક્સિન લેવી જોઇએ જેથી ભાવિ ખતરાને ટાળી શકાય. જે લોકોને સર્દી, ખાંસી,તાવ અને ડાયેરિયાની ફરિયાદ હોય તેઓ તાત્કાલિક રેપિડ ટેસ્ટ અથવા આરટીપીસીઆર ટેસ્ટ કરાવે અને ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરે. આજે યોજાયેલી બેઠકમાં જમિયતે-ઉલમા-એ-હિંદ સુરતના પ્રમુખ અરશદ મીર, સુફી હોસ્પિટલના ટ્રસ્ટી સલીમ ચાંદીવાલા,હાલાઇ મેમણ સમાજના પ્રમુખ ઇલ્યાસ કાપડિયા, ડો. જમીલ હકીમ,મેમણ સમાજની પાંચેય સંસ્થા અસ્માના પ્રમુખ જુનેદ છોટાણી,યતીમ ખાનાના ટ્રસ્ટી વહાબ સોપારીવાલા, અફઝલ વાહેદ કલામ,ફિરોઝ મોતીવાલા, મુનાફ ચામડિયા, રઉફ બોમ્બેવાલા,માજી નગરસેવકો ઇકબાલ મલિક,ઇકબાલ પટેલ,અસદ કલ્યાણી,સફી જરીવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં વિના મુલ્યે વેક્સિન આપવાનું શરૂ કરાયુ
લઘુમતિ સમાજમાં વેક્સિનને લઇ વિશ્વાસ ઉભો થાય તે માટે શહેરની સાર્વજનિક લોખાત હોસ્પિટલ અને ગોરાટ રોડની જૈનબ હોસ્પિટલમાં વેક્સિન આપવાનું કામ પાલિકાના સહયોગથી શરૂ કરવામા આવ્યુ છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લાલગેટ શેર બજાર પાસેની સુફી હોસ્પિટલ અને ચોક બજાર મેમણ હોલમાં પણ વેક્સિન આપવા માટેનું સેન્ટર શરૂ કરવા એક-બે દિવસમાં મંજૂરી આપી દેવામાં આવશે.