સુરત : શહેર(Surat)ના છેવાડે આવેલા સુવાલી(Suvali) ગામમાં રહેતા મુળ છત્તીસગઢ(Chhattisgarh)ના દંપત્તિ(Couple) વચ્ચે રાત્રે થયેલો ઝઘડો બંનેના મોતનું કારણ બન્યો હતો. પતિ(Husband)એ પત્ની(Wife)નું મોઢુ દબાવી તેની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
- સુંવાલી ગામમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કરી લીધો
- સુવાલી ગામમાં દંપત્તિનો રાત્રે ઝઘડો થયો હતો અને સાળાએ સમાધાન કરાવ્યું છતા સવારે બંને મૃત મળ્યા
- છત્તીસગઢથી અઠવાડિયા પહેલા રોજગારી માટે સુરત આવ્યા હતા
હજીરા પોલીસ પાસેથી બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે સવારે સુવાલી ગામમાં બીપીનભાઈની ચાલમાં આવેલા મકાનમાં 30 વર્ષીય અનિલકુમાર અજુભાઈ સાહુ અને તેમની પત્ની ભારતી (ઉ.વ.25) સેલ કંપનીમાં નોકરી કરતા હતા. અઠવાડિયા પહેલા જ તેઓ છત્તીસગઢથી સુરત આવ્યા હતા. આજે સવારે તેમનો પડોશી કંપનીમાં નોકરીએ જવા તેમને બોલાવવા ગયો હતો. દરવાજો ખોલીને જોતા અનિલકુમારનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમા મળ્યો હતો. રૂમમાં નીચે જમીન ઉપર તેની પત્ની ભારતી બેભાન અવસ્થામાં ઢળેલી મળી આવી હતી.
બંનેનાં બીજા લગ્ન, એક જ વર્ષ પહેલા જ થયા હતા
પડોશીઓ દ્વારા પોલીસને જાણ કરતા હજીરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહ નવી સિવિલમાં ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનિલનો સાળો ત્યાં નજીકમાં જ રહે છે. ગઈકાલે રાત્રે દંપત્તિ વચ્ચે કોઈક વાતે ઝઘડો થયો હતો. સાળાએ આવીને તેમની વચ્ચે સમાધાન કરાવતા બંને રાત્રે સુઈ ગયા હતા. પરંતુ રાત્રે બંને વચ્ચે પરત કંઈક થયું હોય તેવું લાગે છે. સવારે બંને મૃત મળી આવ્યા હતા.
વધુમાં દંપત્તિ અઠવાડિયા પહેલા સુરતમાં આવ્યું હતું. બંને જણાના આ બીજા લગ્ન હતા. એક વર્ષ પહેલા જ તેમણે લગ્ન કર્યા હતા. નવી સિવિલમાં ફોરેન્સી વિભાગના વડા ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, મહિલાનું મોત મોઢુ અને નાક દબાવાથી થયું છે. જ્યારે મૃતક યુવકનું મોત ગળે ફાંસો ખાવાથી થયું છે.