National

શિમલામાં છાપા લઇ જતી ગાડી ઉપર ભૂસ્ખલન થતા એકનું મોત, ત્રણ ઘાયલ

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) અનેક જિલ્લાઓમાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થતા 80થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આવો જ એક બનાવ હિમાચલના શિમલા હાઇ વે (Shimla Highway) ઉપર બન્યો હતો. અહીં ભૂસ્ખલન થતા છાપા લઇ જતી એક ગાડી ઉપર ટેકરીનો કાટમાળ પડ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેમજ ત્રણ ઘાયલ થયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હિમાચલ પ્રદેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 કાલકા-શિમલા રોડ પર ગઈકાલે રાત્રે લગભગ 2.30 વાગ્યે પરવાનુમાં ‘આઈ લવ હિમાચલ’ પાર્ક નજીક એક ટેકરી પરથી ભૂસ્ખલન થયું હતું. દરમિયાન પંજાબનો નંબર ધરાવતી એક ગાડી આ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઇ હતી. આ ગાડીનો નંબર PB-08-CP-9686 હોવાનું સામે આવ્યું હતો. જે અખબારો લઈને શિમલા આવી રહી હતી. આ દરમિયાન પરવાનુમાં ભૂસ્ખલન થયું હતું. ત્યારે વાહનમાં મુસાફરી કરી રહેલા દેવરાજ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ હોવાનું સામે આવ્યુ હતું. હાલ ઇજાગ્રસ્તોની ઇએસઆઇ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કિન્નોરમાં પણ પૂર જેવી સ્થિતિ
અગાઉ મનાલી અને શિમલામાં વરસાદને કારણે તબાહીની આવી જ ખબરો સામે આવી હતી. અહીં ભૂસ્ખલનને કારણે લોકોના ઘર અને વાહનોને નુકસાન થયું હતું. ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે કિન્નોરમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. હિમાચલ પ્રદેશ સરકારની સાથે સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

આજે પણ વરસાદ માટે યલો એલર્ટ
હવામાન કેન્દ્ર શિમલાએ સોમવારે પણ શિમલામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન કેન્દ્ર શિમલાની આગાહી અનુસાર ઉના જિલ્લા, હમીરપુર અને કાંગડા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે તોફાન અને વીજળી પડવાની સંભાવના છે. જિલ્લા ચંબા અને જિલ્લા મંડીના ઘણા ભાગોમાં તોફાન અને વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત જિલ્લા કુલ્લુ, જિલ્લા સિરમૌર, જિલ્લા બિલાસપુર, જિલ્લા સોલન, જિલ્લા શિમલા અને જિલ્લા કિન્નરના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.

Most Popular

To Top