તિક્ષણ હત્યારના ઘા ઝીંકી કરી નાખી હત્યા,રમઝાન માટે માલેગાવથી આવેલા 20 વર્ષીય સુલ્તાન શેખનું મોત, આરોપી અલ્લારખા ઉર્ફે આમિર શેખ ઝડપાયો
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ભરૂચી ભાગળ નજીક પરિવારજનોને હચમચાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ઉગ્ર ઝઘડામાં પિતરાઈ ભાઈએ જ 20 વર્ષીય યુવાન ભાઈ પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે રાંદેર પોલીસે આરોપીની ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના માલેગાવથી 20 વર્ષીય સુલ્તાન શેખ રમઝાન માસ દરમિયાન પોતાની માતાને મળવા અને રોજા કરવા માટે સુરત આવ્યા હતા. રાંદેર વિસ્તારમાં તેમના પરિવારજનો રહેતા હોવાથી તેઓ રોકાયા હતા, ગત રાત્રે આરોપી અલ્લારખા ઉર્ફે આમિર આમિનુદીન શેખ પોતાની ફોઈ સાથે કોઈ બાબતે ઝઘડો કરી રહ્યો હતો.આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા સુલ્તાન શેખ વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. જો કે આરોપી ગુસ્સે ભરાઈ જતા તેણે સુલ્તાન પર હુમલો કરી દીધો હતો.
આરોપીએ એક પછી એક ઘા ઝીંકતા સુલ્તાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સુલ્તાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઇજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપી અલ્લારખા ઉર્ફે આમિર આમિનુદીન શેખને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે આખરે ઝઘડો કઈ બાબતે થયો અને મામલો હત્યા સુધી કેવી રીતે પહોંચ્યો.
આ ઘટનાથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. રમઝાન જેવા પવિત્ર મહિનામાં આવી દુખદ ઘટના બનતા પરિવારજનો અને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. ભાઈ સમાન પિતરાઈ ભાઈના હાથો યુવાનનું મોત થતા પરિવારજનો હાલ કંઈ બોલવા માટે તૈયાર નથી.
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. સમગ્ર મામલે રાંદેર પોલીસ વધુ તપાસ કરી રહી છે.