રાજસ્થાન: રાજસ્થાનના (Rajasthan) ભીવાડી વિસ્તારમાં ગઇ કાલે શુક્રવારે સાંજે પાંચ લૂંટારુઓએ (Robber) જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. આટલું જ નહીં પણ લૂંટ દરમિયાન લૂંટારુઓએ દુકાન માલિકની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. તેમજ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. ત્યારે કેટલાંક સ્થાનિક લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની વિસ્તૃત માહિતી મુજબ રાજસ્થાનના ખૈરથલ-તિજારા જિલ્લાના ભીવાડીના સેન્ટ્રલ માર્કેટમાં આવેલી કમલેશ જ્વેલર્સની દુકાનમાં ગઇકાલે તા.23 ઓગષ્ટની સાંજે લૂંટફાટ મચી ગઇ હતી. આ ઘટના લગભગ સાંજે 7:30 કલાકની આસપાસ બની હતી. જેમાં સ્વીફ્ટ કારમાં આવેલા 5 બદમાશોએ સેન્ટ્રલ માર્કેટની કમલેશ જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવી હતી અને ફાયરિંગ કર્યું હતું.
બદમાશોએ પહેલા વર્કર્સને માર માર્યો પછી…
સેંટ્રલ બજારની કમલેશ જ્વેલર્સમાં બદમાશોએ પહેલા તો ત્યાં કામ કરતા લોકો અને માલિકને માર માર્યો હતો. ત્યાર બાદ બદમાશો દાગીના અને રોકડા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં દુકાનના ચોકીદાર અને માલિક જયસિંગ સોનીને ગોળી વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુકાન માલિકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચોકીદારની હાલત ગંભીર છે. ત્યારે ભીવાડીના આખા સેન્ટ્રલ માર્કેટમાં આ ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી.
ત્રણ રાઉન્ડ એરિયલ ફાયરિંગ
ઘટનાને પગલે દુકાનની બહાર ઊભેલા લોકોએ જણાવ્યું હતું કે, બદમાશોએ પહેલા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ પછી પાંચ બદમાશોએ દુકાનમાં ઘૂસીને વર્કર્સ અને દુકાન માલિક જયસિંહ સોનીને બંદૂકની અણીએ પકડી લીધા હતા. તેમજ બદમાશોએ દુકાનમાં હાજર વર્કર્સ અને જયસિંહ સોનીને માર માર્યો હતો અને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓએ બંદૂકથી ગોળી પણ ચલાવી હતી, જેના કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા.
દાગીના અને રોકડની લૂંટ
મારામારી બાદ બદમાશોએ દુકાનમાં રાખેલા દાગીના અને રોકડની લૂંટ શરૂ કરી હતી. લૂંટ માટે લૂંટારુંઓ પહેલાંથી જ પોતાની સાથે એક બેગ લઈને આવ્યા હતા. તેમજ લૂંટ બાદ તેઓ દાગીના અને રોકડા લઇ દુકાનની બહાર ભાગી ગયા હતા. ભાગતા પહેલા બદમાશોએ ફરીથી હવામાં ફાયરિંગ કર્યું હતું જેના કારણે દુકાનના ગાર્ડ અને જયસિંહ સોનીને ગોળી વાગી હતી. ત્યારે ગોળીઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો દુકાન તરફ દોડી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં બદમાશો તેમની કારમાં ફરાર થઈ ગયા હતા. તેમજ ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરી હતી.
હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ ગંભીર રીતે ઘવાયેલા ગાર્ડ અને જયસિંહ સોનીને ભીવાડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં દુકાન માલિકનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કમલેશ સોની ઉપરાંત દુકાનમાં કામ કરતા વર્કર્સ વૈભવ સોની, સાગર સોની અને બ્રીજમોહનને પણ ઈજાઓ પહોંચી હતી. ત્યારે પોલીસે કેસ નોંધીને બદમાશોની શોધ શરૂ કરી છે.
પોલીસ સીસીટીવી કેમેરાની તપાસમાં વ્યસ્ત
ભીવાડીના પોલીસ અધિક્ષક જ્યેષ્ઠા મૈત્રિયાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે શક્ય તેટલી વહેલી તકે બદમાશોની ઓળખ અને ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. તેમજ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરી રહી છે. આ સાથે જ પોલીસ અધિક્ષકે કડક સ્વરે કહ્યું હતું કે, બદમાશોને જલ્દી પકડી લેવામાં આવશે.