માંડવી: હાલ લગ્ન(Marriage)ની મોસમ ચાલી રહી છે. ત્યારે કોઈ વરરાજા(Groom) પોતાની જાન મોંઘીદાટ ગાડી કે લક્ઝરી બસોમાં લઈ જઈ લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ માંડવી(Mandvi)ના ઉટેવા ગામમાં કોલેજ સુધી અભ્યાસ કરનારો વરરાજો પોતાની આદિવાસી સંસ્કૃતિ જાળવવા માટે શણગારેલા બળદગાડા(bullock carts)માં શિક્ષિત દુલ્હન(Birde)ના આંગણે જાન લઈ પહોંચ્યો હતો. જે આદિવાસી ચૌધરી સમાજ માટે પ્રશંસનીય પ્રયાસ હતો.
- માંડવીના ઉટેવામાં શણગારેલા બળદગાડામાં વરરાજા જાન લઈ દુલ્હનને લેવા પહોંચ્યો
- કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલભાઈ ચૌધરીનાં ગામમાં જ લગ્ન ગોઠવાયાં હતાં
- દુલ્હન હસુ ચૌધરી ગામની મુખ્ય શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે નોકરી કરે છે
- પૈસૈટકે સુખી છતાં શિક્ષિત વર્ગે આદિવાસી સમાજની જૂની પરંપરાને જીવંત રાખવાની પ્રેરણા આપી
બે વર્ષના કોરોના કાળમાં કેટલાંય લગ્ન પાછાં ઠેલાયાં, તો કેટલાંક યુગલોને શુભ સમયની વાટ જોવી પડી હતી. પરંતુ કોરોના હળવો થતાં છેલ્લા થોડા મહિનાથી લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠી છે. હવે મેના અંત માસમાં પણ ભપકાદાર લગ્નપ્રસંગો તો જોવા મળે જ છે. જો કે, ઘણાં યુગલો એવાં પણ છે જે લગ્નપ્રસંગોને યાદગાર બનાવા માટે કંઈક નવું કરી રહ્યા છે. તો કેટલાક પરંપરાગત લગ્નપ્રસંગો તરફ વળી રહ્યા છે. આવાં જ લગ્ન માંડવીના ઉટેવા ગામના ડુંગરી ફળિયામાં થયાં હતાં. જે પરિવારે આદિવાસી સંસ્કૃતિને જીવંત કરવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો. ઉટેવાના ચીમનભાઈ ચૌધરી કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને તેમના બે પુત્ર પણ તેમની સાથે વ્યવસાયમાં જોડાયા છે. તેમના મોટા પુત્ર વિપુલભાઈનાં લગ્ન ગામની છોકરી સાથે નક્કી કરાયાં હતાં. પૈસેટકે સુખી પરિવારે વરરાજા માટે મોંઘી કાર પણ કરી હતી. પરંતુ આદિવાસી સમાજની 62 વર્ષ પહેલાંની સંસ્કૃતિ જાળવી રાખવા અને નવી પેઢીને લગ્નની પ્રેરણા મળે એ ઉદ્દેશથી બળદગાડાંમાં જાન લઈ જવાનું નક્કી કર્યું હતું.
આદિવાસી સમાજની જૂની પરંપરાને જીવંત રાખવાની પ્રેરણા
આ જાનમાં ત્રણ બળદગાડાંનો શણગાર કરવામાં આવ્યો હતો. કોલેજ સુધી અભ્યાસ કરનારા વરરાજા વિપુલભાઈ ચૌધરી અને પીટીસી થયેલી તથા ગામની જ મુખ્ય શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે નોકરી કરતી દુલ્હન હસુબેન અર્જુનભાઇ ચૌધરીનાં લગ્ન તા.24 મેના રોજ ઘરના સભ્યોએ નક્કી કર્યાં હતાં. મંગળવારે વરરાજા ગામમાં શણગારેલા બળદગાડામાં દુલ્હનને લેવા પહોંચ્યો હતો. આ બળદના ગળામાં ઘૂઘરા રણકતા હતા. અને કંઈ અલગ પ્રકારનો આનંદ હતો. લગ્ન કર્યા બાદ બળદગાડામાં જ દુલ્હનને પરત લઇ જવાઇ હતી. આ લગ્નપ્રસંગને સુપેરે પાર પાડવા માજી સરપંચ પ્રવીણ ચૌધરી, યુવા પીન્ટુ ચૌધરી તથા ગામના અન્ય યુવાનોએ સુંદર સહયોગ આપ્યો હતો.