લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુનાખોરી અને માફિયાગીરી સામે કડક સંદેશ આપ્યો છે. આજ રોજ તા . 5 નવેમ્બર બુધવારે તેમણે માફિયા મુખ્તાર અંસારી પાસેથી ખાલી કરાવવામાં આવેલી જમીન પર બનેલા 72 ફ્લેટોની ચાવીઓ ગરીબ લાભાર્થીઓને સોંપવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ફાળવણી માત્ર એક યોજના નથી પરંતુ માફિયાઓ માટે એક ચેતવણી છે કે હવે રાજ્યમાં કોઈ પણ ગેરકાયદે કબજો ટકી નહીં શકે
આ ફ્લેટ માફિયા મુખ્તાર અંસારીના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાયેલી જમીન પર બનાવવામાં આવ્યા છે. હઝરતગંજમાં ડાલીબાગ નજીક અન્સારીએ ગેરકાયદેસર રીતે આ જમીન પર કબજો કર્યો હતો.
રૂ. 1 કરોડના ફ્લેટ હવે માત્ર રૂ. 10.70 લાખમાં
યોગીએ કહ્યું કે આ ફ્લેટ લખનૌના સૌથી પ્રાઈમ વિસ્તાર કુકરેલ નદીના કિનારે આવેલા VIP ઝોનમાં સ્થિત છે. અહીંનો બજારભાવ આશરે રૂ 1 કરોડ છે પરંતુ લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA) એ તેને માત્ર રૂ 10.70 લાખમાં ગરીબોને આપ્યો છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે “જે લોકોએ ગરીબોની જમીન કબજે કરી હતી. હવે તે જ જમીન પર ગરીબોના સપના પૂરાં થઈ રહ્યા છે.”
માફિયાઓને ચેતવણી: યોગી
યોગીએ માફિયા સમર્થકોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું “આ સંદેશ છે તેઓ માટે જેઓ માફિયાઓની કબરો પર ફાતિહા વાંચે છે. હવે ઉત્તર પ્રદેશમાં કોઈ માફિયા ગરીબોની જમીન પર કબજો નહીં કરી શકે.” તેમણે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં માફિયાઓએ સરકારી અને ખાનગી જમીનો પર અતિક્રમણ કરીને રાજ્યમાં દહેશત ફેલાવી હતી પરંતુ હવે કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.
કુકરેલ નદી કિનારે બન્યા નવા મકાનો
માફિયા મુખ્તાર અંસારીના કબજામાં રહેલી જમીન કુકરેલ નદીના કિનારે સ્થિત હતી. આ વિસ્તારમાં અગાઉ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોનો કબજો હતો, જે હવે સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યો છે. તે જગ્યાએ હવે આધુનિક રહેણાંક ફ્લેટ અને પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
યોગી સરકારે આ પ્રોજેક્ટને “માફિયા મુક્ત ઉત્તર પ્રદેશ”ના પ્રતિકરૂપ તરીકે રજૂ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યની દરેક ઇંચ જમીન હવે ગરીબો અને સામાન્ય લોકોના હિત માટે ઉપયોગમાં લેવાશે.