ઉત્તરાખંડના જોષીમઠમાં જમીન ધસવાની ઘટનાઓની શરૂઆત થઇ તેને સપ્તાહો થઇ ગયા છે અને ઘણા લોકો વિસ્થાપિત થઇને રાહત છાવણીઓમાં આશરો લઇ રહ્યા છે તેઓમાંના અનેક તથા બીજા પણ કેટલાક લોકો હવે માનસિક આરોગ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એવા અહેવાલ હાલમાં આવ્યા છે અને આ સ્વાભાવિક પણ છે. કોઇ પણ મોટી પાકૃતિક હોનારત પછી તેનો એક યા બીજી રીતે ભોગ બનનારાઓમાંના અનેકને ઓછા વત્તે અંશે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે જ છે. માણસ એક સામાજીક પ્રાણી છે, પશુઓની તકલીફો મોટે ભાગે શારીરિક પ્રકારની હોય છે જ્યારે સામાજીક પ્રાણી એવા માણસની તકલીફો સંકુલ અને ગુંચવાડાભરેલી હોય છે.
માણસની બિમારી જેવી શારીરિક તકલીફની સાથે પણ અનેક વખતે સામાજીક, આર્થિક વગેરે બાબતો જોડાઇ જતી હોય છે અને છેવટે તે સ્થિતિ માનસિક ચિંતા, સંતાપ કે તાણમાં પરિણમતી હોય છે. જોષીમઠમાં હાલ આવું જ થઇ રહ્યું છે. જેમને ઘર છોડીને રાહત છાવણીઓમાં આશરો લેવો પડ્યો છે તેવા લોકોને બેઘર થઇ જવાનો ભય, અચોક્કસ ભાવિની ચિંતાઓ વગેરે તો પરેશાન કરતા જ હશે પરંતુ જ્યાં પોતે જીવનનો ઘણો મોટો ભાગ વીતાવ્યો તે ઘરને અચાનક આ રીતે છોડી દેવું પડ્યું તે બાબત પણ તેમને દુ:ખ પહોંચાડી રહી હશે. લાગણીઓ અને સંવેદનાઓ તકલીફો અને દુ:ખોને ઘણી વખત વધુ તીવ્ર બનાવે છે અને તેમાંથી માનસિક સમસ્યાઓ પણ સર્જાય છે.
એવા અહેવાલો છે કે ઉત્તરાખંડમાં રાહત છાવણીઓમાં અનેક લોકોને હવે માનસિક સમસ્યાઓ સર્જાવા માંડી છે અને તેમના માટે કાઉન્સેલિંગ શરૂ કરવું પડી રહ્યું છે. અનિદ્રા, ઉચાટ, હતાશા જેવી માનસિક સમસ્યાઓ રાહત છાવણીમાં રહેતા લોકોમાંથી અનેકને તથા અન્યોને સતાવી રહી છે. ઝળુંબી રહેલી અચોક્કસતા, બાળપણથી જે ઘરમાં રહેતા આવ્યા હતા તે ઘરને અચાનક છોડી દેવું પડ્યું તેનું દુ:ખ અને હવે તે ઘર ક્યારેય પાછું જોવા મળશે કે કેમ? અથવા તો તે ઘરમાં કયારેય પાછા રહેવા જઇ શકાશે કે કેમ? તે બાબતે પ્રવર્તી રહેલી અચોક્કસતા જેવા કારણોસર અનેક લોકોની માનસિક હાલત કથળી રહી છે.
જે લોકો હાલ જોષીમઠમાં કે ઉત્તરાખંડના અન્ય જોખમી વિસ્તારોમાં રહે છે અને હજી સુધી રાહત છાવણીમાં જવું પડ્યું નથી તેમને પણ આવું થવાનો ભય તો સતાવી જ શકે છે અને તે બાબત તેમનામાં પણ માનસિક સમસ્યાઓ સર્જી શકે છે. ગયા મહિનાની જમીન ધસી પડવાની ઘટનાઓએ દરેક પર અસર કરી છે. અસરગ્રસ્ત લોકોમાં મહત્વના લક્ષણો અનિદ્રા અને ઉચાટ છે એમ ડો. જ્યોત્સના નૈથવાલ કહે છે જેઓ એઇમ્સ ઋષિકેશના એક સાયકિયાટ્રિસ્ટ છે અને તેમને જોષીમઠના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ નિમવામાં આવ્યા છે. સિંગધર વિસ્તારમાં આવેલા તેમના પોતાના ઘરમાં તિરાડો પડી છે અને તેમણે પોતાના કુટુંબ સાથે હોટલમાં રહી રહ્યા છે. જે લોકો રાહત છાવણીઓમાં હજી સુધી પહોંચ્યા નથી પરંતુ પોતાના જ મકાનોમાં રહે છે તેમને પણ સ્વાભાવિક રીતે પોતાનું ઘર પણ ભયજનક અવસ્થામાં મૂકાઇ જવાનો ભય સતાવતો હશે.
અભ્યાસોમાં જણાયું છે કે ભૂપ્રપાતો, ધરતીકંપો અને પૂર જેવી પાકૃતિક આફતો માણસ માટે આઘાત જનક હોય છે અને તેમના પરિણામે ઘણી માનસિક આરોગ્યની સમસ્યાઓ સર્જાઇ શકે છે જેમાં ડીપ્રેશન, ઉચાટની તકલીફ અને પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. હોનારતોમાં બચી ગયેલા લોકોમાં માનસિક તકલીફો વકરતી અટકાવવા સ્ક્રીનિંગ અને જાગૃતિ કાર્યક્રમો મજબૂત બનાવવા જોઇએ એમ નિષ્ણાતો કહે છે. ફક્ત જોષીમઠ નહીં, દુનિયાભરમાં જ્યાં પણ ભૂકંપ કે વાવઝોડા કે પછી આવી જમીન ધસી પડવા જેવી ઘટનાઓથી અચાનક મોટો વિનાશ થાય છે ત્યાં લોકોમાં માનસિક સમસ્યાઓમાં મોટો ઉછાળો આવવાની ઘટનાઓ બને જ છે.
ભૂકંપ પછી જો વાતાવરણ ઘેરા વાદળોથી છવાઇ જાય કે ભારે વરસાદની ઘટના બને તો લોકોનું માનસિક આરોગ્ય તત્કાળ ધોરણે ભયંકર કથળી શકે છે. વર્ષ ૨૦૦૧ના કચ્છના ભૂકંપ વખતે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણને કારણે કેટલાક લોકો માનસિક સમતુલા ગુમાવી દીધી હોય તે પ્રકારનું વર્તન કરતા હતા. આ તો તત્કાળ પ્રભાવની વાત થઇ. ભૂકંપને કારણે કે જોષીમઠમાં બની રહી છે તેવી ઘટનાઓને કારણે બેઘર થઇ જવાનું દુ:ખ ઘણુ ઘેરું હોય છે અને તેની અસરથી જે માનસિક સમસ્યાઓ સર્જાય છે તેમાંથી કેટલાક લોકોને ઘણી ગંભીર પ્રકારની માનસિક સમસ્યાઓ પણ લાંબા ગાળા માટે થઇ શકે છે. આવા સમયે માણસને સધિયારા, હૂંફ અને માર્ગદર્શનની જરૂર હોય છે. અસરગ્રસ્ત લોકોને માનસિક સમસ્યાઓમાંથી બચાવવા કે તેમાંથી બહાર કાઢવા વહીવટીતંત્ર યોગ્ય કાઉન્સેલિંગના કાર્યક્રમો વગેરે ગોઠવીને પ્રયાસો કરી શકે છે.