Editorial

ભારતમાં નવેમ્બરમાં બરફવર્ષા શરુ થઇ ગઇ અને ચોમાસુ પણ ચાલુ રહ્યું એ ગંભીર સંકેત છે

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં હવામાન બદલાયું છે. હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરના પર્વતોમાં તાજી બરફવર્ષા થઈ છે. જમ્મુ અને કાશ્મીરના વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં મંગળવારે તાજી હિમવર્ષા થઈ, જેનાથી અફરવાત અને મુખ્ય કટોરા વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા હતા. હિમવર્ષાથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું, જેઓ ઠંડીનો આનંદ માણતા અને શિયાળાના મનમોહક દૃશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે ડિસેમ્બરમાં આ પ્રકારની હીમવર્ષા જોવા મળે છે પરંતુ આ વર્ષે એવું જોવા મળ્યું હતું કે, નવેમ્બરમાં બરફવર્ષા શરુ થઇ ગઇ હતી તો બીજી તરફ નવેમ્બરમાં પણ સતત વરસાદ પડતો રહ્યો હતો આમ ચોમાસું સંપૂર્ણપણે પુરુ થયું નહીં હોવા છતાં નવેમ્બરમાં ડિસેમ્બર જેવી હીમવર્ષા શરુ થઇ ગઇ હતી. આ બધુ ક્લાઇમેટ ચેન્જ (આબોહવામાં પરિવર્તન) ના કારણે જ થઇ રહ્યું છે.

કેટલાંક વર્ષો દરમિયાન એક સ્થળના સરેરાશ હવામાનને ક્લાઇમેટ કહેવામાં આવે છે. આ સરેરાશ હવામાનોમાં બદલાવને ક્લાઇમેટ ચેન્જ કહેવાય છે. પણ હવે જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળે છે તેની પાછળ માનવજાત દ્વારા ઑઇલ (ઈંધણ તેલ)નો ઉપયોગ, ઘરો, ફૅક્ટરી, વાહન-વ્યવહારમાં ગૅસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે. જ્યારે આ અશ્મિગત બળતણો બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગૅસનું ઉત્સર્જન કરે છે. તેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ (CO2) છે. આ બધા ગૅસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેથી ગ્રહનું તાપમાન વધે છે.19મી સદી કરતાં હાલ વિશ્વ 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ છે. એટલે કે તેનું તામપાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. વળી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50 ટકા વધ્યું છે.

વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જનાં દૂરગામી ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. તેઓ કહે છે કે ગ્લોબલ વૉર્મિંગ (જળવાયુ પરિવર્તન) 2100 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવું પડશે. ગરમ વાતાવરણની (વધુ તીવ્ર બનનારી ઋતુઓ) ઘટનાઓ પહેલાંથી જ વધી ગઈ છે. જેથી માનવજાતના અસ્તિત્વ અને રોજીરોટી પર તેની અસર પડી છે. હજુ વધુ ગરમી વધવાથી કેટલાક વિસ્તારો રહેવાલાયક નહીં રહે. જેમ કે ખેતરો રણ જેવાં સૂકાં બની જશે.અન્ય વિસ્તારોમાં એનાથી વિપરીત સ્થિતિ સર્જાશે અને અતિવૃષ્ટિથી ઐતિહાસિક પૂર આવવા લાગશે. આપણે ચીન, જર્મની, બેલ્જિયમ અને નેધરલૅન્ડમાં આ સ્થિતિ જોઈ ચૂક્યા છીએ.

ગરીબ દેશોમાં રહેતી પ્રજાએ સૌથી વધુ વેઠવાનું આવશે, કેમ કે તેમની પાસે ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવા માટે જરૂરી આર્થિક ક્ષમતા નથી. વિકાસશીલ દેશોનાં ઘણાં ખેતરો પહેલાંથી જ ક્લાઇમેટ ચેન્જની અસરના સાક્ષી બની રહ્યાં છે. ત્યાં ઘણી ગરમી છે અને તે હજુ વધી શકે છે. આ ઉપરાંત ભારતની જો વાત કરીએ તો સતત વાવાઝોડાની અસર જોવા મળી હતી. આટલા વાવાઝોડા ભારતમાં ક્યારેય જોવાતા ન હતાં.

અલનીના અને લાનીનાની આવી અસર ક્યારેય પણ જોવા મળી નથી.ઑસ્ટ્રેલિયાની ‘ધ ગ્રેટ બેરિયર રિફ’ વર્ષ 1995થી અત્યાર સુધી લગભગ તેની અડધાથી વધુ કોરલ્સ ગુમાવી ચૂકી છે, જેનું કારણ ક્લાઇમેટ ચેન્જને કારણે ગરમ થયેલો સમુદ્ર છે. દાવાનળ પણ વારંવાર ફાટી રહ્યા છે, કેમ કે ક્લાઇમેટ ચેન્જને કારણે વાતાવરણ ગરમ અને શુષ્ક બની રહ્યું છે. સાઇબીરિયા જેવાં સ્થળોમાં જામેલો બરફ પીગળી રહ્યો છે. વર્ષોથી ઘેરાયેલા (બર્ફીલા ખડકોમાં રહેલા) ગ્રીનહાઉસ ગૅસ હવામાંથી વાતાવરણમાં ભળશે તો ક્લાઇમેટ ચેન્જ વધારે તીવ્ર બનશે.

વધુ ગરમ વિશ્વમાં પશુઓ માટે ખોરાક-પાણીની સમસ્યા સર્જાશે અને તેમનું અસ્તિત્વ પણ જોખમમાં આવી જશે. જેમ કે ઉદાહરણ તરીકે ધ્રુવ પ્રદેશના સફેદ રીંછ બરફ પીગળી જવાથી મૃત્યુ પામી શકે છે. હાથીઓને દરરોજ 150-300 લિટર પાણી જોઈએ, આથી તેમની મુશ્કેલી વધી જશે. વૈજ્ઞાનિકો માને છે કે જો યોગ્ય પગલાં ન લેવાયાં તો આ સદીના અંત સુધીમાં 550 પ્રજાતિઓનો નાશ થઈ શકે છે. વિશ્વના દેશોએ એ વાત સ્વીકારી લીધી છે કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ એકસાથે જ લડી શકાય છે. પેરિસમાં 2015માં ઐતિહાસિક કરાર થયો હતો, જેમાં વિશ્વનું વધેલું સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસના સ્તરે જાળવી રાખવા પ્રતિજ્ઞા લેવાઈ હતી. યુકે વિશ્વના નેતાઓ માટે સમિટ યોજી રહ્યું છે,

Most Popular

To Top