ગુજરાતમાં કટ્ટરવાદ માથું ઉંચકે તે પહેલા જ તેને કચડી નાંખવું જોઇએ

અમદાવાદ ધંધુકાના કિશન ભરવાડની હત્યાના કેસમાં જેહાદી ષડયંત્ર હોવા ઉપરાંત આ હત્યા કેસનું કનેક્શન પાકિસ્તાનમાં હોવાનું પણ બહાર આવ્યું છે. પાકિસ્તાનના કટ્ટરપંથી મૌલાનાના ઉશ્કેરણીજનક ભાષણો આ હત્યા માટે જવાબદાર હોવાનું પણ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ હત્યા કેસમાં જેહાદી ષડયંત્ર હોવાને પગલે આ કેસની તપાસ ગુજરાત એટીએસને સોંપવામાં આવી છે. બીજી તરફ ધંધુકામાં યુવકની હત્યાના મામલે પોલીસ તપાસમાં અમદાવાદમાંથી અય્યુબ મૌલવીની ધરપકડ કરી આજે તેને કોર્ટમાં રજૂ કરતાં પોલીસે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં કિશન ભરવાડની હત્યા ષડયંત્રમાં બાઈક ઉપર પાછળ બેઠેલા શબ્બીર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જ્યારે ઈમ્તિયાઝ બાઇક ચલાવી રહ્યો હતો. પોલીસે આ બંને તથા તેમનો મદદ કરનાર તેમજ મૌલવી સહિત અત્યાર સુધીમાં આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર કેસમાં પોલીસની તપાસ દરમિયાન પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર અને બાઇક ધંધુકામાં દરગાહની પાછળના ખુલ્લા મેદાનમાંથી મળી આવ્યા છે.

છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતમાં કેટલાંક કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ બની રહી છે તે ખૂબ જ સૂચક છે. ગુજરાતના મુસ્લિમો છેલ્લા ઘણા વર્ષોથી એક બીજા સાથે સંપીને રહે છે. સૌથી સારી બાબતતો એ છે કે, ગુજરાતમાં કોમી રમખાણો હવે ભૂતકાળ બની ગયો છે. કોઇ એક વિસ્તારમાં બે જૂથ વચ્ચે છમકલાં કે પથ્થરબાજી થાય તો તેની અસર બીજા વિસ્તાર કે અન્ય શહેર પર પડતી નથી તે જ દર્શાવે છે કે બંને કોમ ગુજરાતમાં શાંતિ ઇચ્છે છે. પરંતુ ગુજરાતની શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેવી ઘટનાઓ છેલ્લા એક અઠવાડિયામાં આકાર પામી છે. જેમાં ધંધુકામાં તો રીતસરનું ગુજરાતને અશાંતિમાં ધકેલવાનું ષડયંત્ર બહાર આવ્યું છે.

ત્યારે આવા કટ્ટરવાદી તત્વો માથું ઉંચકે તે પહેલા જ તેને કચડી નાંખવું જોઇએ તો જ ગુજરાતમાં શાંતિ સ્થપાયેલી રહેશે. સૌથી પહેલા વાત કરીએ ધંધુકાની તો ધંધુકામાં કિશન ભરવાડ નામના એક યુવાને મુસ્લિમ ધર્મની લાગણી દુભાઇ તેવી પોસ્ટ મૂકી હતી. જેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તે જામીન પર મુક્ત થયો હતો. કોઇની લાગણી દુભાઇ તો પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તે જ સાચો રસ્તો છે પરંતુ આ યુવાન જેવો જામીન પર છૂટ્યો કે તેની સરેઆમ ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ધંધુકાએ ઘટનાના વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો.

ત્યાંના પીઆઇને સસ્પેન્ડ કરાયા અને આ ઘટનાના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સંગઠનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા. આ ઘટનામાં સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો કે કિશન ભરવાડની હત્યા એ ઉશ્કેરાટમાં આવીને કરવામાં આવેલી હત્યા ન હતી પરંતુ એક સમજી વિચારીને ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હતી. આ ઘટનામાંપોલીસ દ્વારા આ હત્યા કેસની તપાસ દરમિયાન પોલીસને પાકિસ્તાની કટ્ટરવાદી સંગઠનના તાર કનેક્શન હોવાના કેટલાક પૂરાવા હાથ લાગ્યા છે ગુજરાતમાં જેહાદી ષડયંત્ર ફેલાવવાનું એક નેટવર્ક ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે.  તહેરીક-એ- નમુસે અને તહેરિક-એ ફરૈખે નામના જેહાદી સંગઠનની સંડોવણી હોવાનું તેમજ આ સંગઠન પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે અને કેટલાંક કટ્ટરવાદી મૌલવીએ જ યુવાનોને આવી હત્યાઓ કરવા ઉશ્કેર્યા હોવાનું તેમજ તેમને હથિયાર પૂરા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે.

તો બીજી તરફ ઉત્તરગુજરાતના રાધનપુરમાં આવી એક ઘટના આકાર પામી છે. રાધનપુરથી આશરે આઠેક કિલોમીટર દૂર આવેલા  શેરગઢ ગામ ખાતે ચૌધરી સામાજની યુવતીના ઘરમા ઘૂસીને તેની પર હુમલો કરાયો હતો. તે પછી વિધર્મી યુવક નાસી છૂટયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયાં હતાં. આ ઘટનાના વિરોધમાં ઉત્તર ગુજરાતમાં વિવિધ શહેરોમાં બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં રાધનપુરમાં પણ આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ચૌધરી સમાજની આ યુવતીની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તો રાજકોટ શહેરમાં રહેતા વિનય ડોડિયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી, જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલિટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગંદી ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં, બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જ્યારથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે ત્યારથી કેટલાંક લોકો એક બીજાની વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાઇ તેવી પોસ્ટ મૂકે છે જે કોઇ સંજોગોમાં ચલાવી લેવાઇ તેમ નથી પરંતુ આવી પોસ્ટ મૂકનાર સામે પોલીસ ફરિયાદ થવી જોઇએ પોલીસ અને કાયદો તેમનું કામ કરશે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવી જોઇએ પરંતુ જાતે જ કાયદો હાથમાં લઇને કોઇની હત્યા કે હત્યાનો પ્રયાસ થાય તે શાંતિપ્રિય ગુજરાતમાં કોઇ સંજોગોમાં સાંખી લેવાઇ તેમ નથી.

Most Popular

To Top