કેરેક્ટર અને સેક્સ બંને સાવ જુદી બાબત છે. આપણે ત્યાં સેક્સ વિશે લખવું કે બોલવું એ ચિપ બાબત હજુ માનવામાં આવે છે અને જાહેરમાં આ ટોપીક પર ચર્ચા થતી નથી કે કરવામાં આવતી નથી. તેના લીધે સેક્સ વિશે વાતો કરનાર માણસના ચારિત્ર પર હંમેશા સવાલો કરાય છે. જે હકીકતથી સાવ વિરુદ્ધ બાબત છે.
વાસ્તવમાં સેક્સ અને પ્રેમને કોઈ સંબંધ જ નથી. આપણે જેટલા વ્યક્તિઓને પ્રેમ કરીયે છીએ એ દરેક સાથે સેક્સ નથી કરતા જેમણે ઘણા બધા સાથે સેક્સ કર્યું છે(કે પછી કરવું પડે છે) એ વ્યક્તિ એ દરેક ને પ્રેમ નથી કરતા. (કદાચ નફરત કરતા હોય એવું હશે.). પરિણામે માણસના મનમાં અશ્લીલતા જન્મે છે. સામાજિક કે પારિવારિક પ્રસંગો કે મેળાવડા માં આવા મુદ્દાની ક્યાંય , કશેય ચર્ચાઓ થતી નથી. ચર્ચા તો દૂર પણ અમુક અંશે વાત થાય તો પણ ઓહાપો મચી જાય.
આ વિષય પર કેટલાંક લોકોની ગેરસમજણથી બનાવેલી વિચારવ્યવસ્થામાં સુગ ચડતી હોય એવું ઉભું કરવામાં આવ્યું છે. ક્યારેક કોઈ કારણસર આ બાબતે બાળક નિર્દોષ સવાલો કરી બેસે ત્યારે તેને ઈશારા કે કોણીયો મારી બોલતો બંધ કરી દેવામાં આવે છે કે પછી વાતને બીજી બાજુ ધકેલીને એને બેસાડી દેવામાં આવે છે, પણ એ બાળકના પ્રશ્નનું શું..?? એ તો એમ નો એમ ઉભો છે..!! કાં તો બાળકને એવું શીખવાડી દેવાશે કે આવા પ્રશ્નો જાહેર માં નહિ પુછવા એટલે વળી બીજા કેટલાંય નવા પ્રશ્નોનું સર્જન થશે પછી જેમ બંધ મુઠ્ઠીઓ માં રાખેલ વસ્તુ જાણવાનું રહસ્ય વધી જાય એમ એ સવાલોનું મહત્વ પણ વધતું જાય પણ જવાબો કશે નથી મળતા અને જ્યાં મળે છે ત્યાં અશ્લીલ સ્વરૂપે બતાવવામાં આવે છે.
આ જ બાળકો સ્કૂલે, કોલેજે કે અન્ય કોઈ જગ્યા એ ફોર્મ ભરે ત્યારે sex ની કોલમ જોઈને મનમાં હસે છે.. એક બીજાને કોણીઓ મારીને છીછરી મશ્કરીયું કરે છે, સાથે કોઈ હોય તો હસે છે કે પછી શરમાય છે, ત્યારે સમજાવવું પડે છે કે, ‘ભૈ ,અહીંયા sex એટલે જાતિની વાત છે, સંભોગની નહિ.’ પણ પ્રશ્ન ત્યાં જ ઉભો છે કે આવી હલકી અશ્લીલ માનસિકતા એમનામાં રોપી કોણે ?
જીવવિજ્ઞાનનો અભ્યાસ કરાવતી વખતે પ્રજનન વિષયક મુદ્દાઓમાં મનમાં હસ્યાં કરવું એ, એ વાતની જ સાબિતી આપે છે કે આમનામાં અશ્લીલતા રોપાયેલી છે. જે આવી રીતે ઉછરી રહી છે. પણ આ બધું સહજ છે, એમની ઉંમર પ્રમાણે થાય આવું માની લેવામાં આવે છે એટલે અશ્લીલતાને પોષણ મળે છે. આ અશ્લીલતા હદ પાર કરી જાય ત્યારે જબરજ્સ્તીની ઘટનાઓ આપણને છાપામાં વાંચવા મળે છે, જે આખી વ્યવસ્થાને પક્ષીધાતના આંચકા સમાન ઝટકો આપે છે.
કેરેક્ટર એટલે વ્યક્તિની જીવવાની રીત અને અભિગમ. એ આપણી મરજીનું જ હોવું જોઈએ એવું તો ના જ બને, પણ એ દરેક વ્યક્તિ ને કેવી રીતે જુવે છે, કેવી રીતે વર્તે છે, એના મનમાં કોઈના વિશે ખોટું કરવાની ભાવના છે કે કેમ..? બોવ જ રિસ્પેક્ટ આપતા, સારી સારી વાતો કરતાં ,ઊંચા સપનાઓ બતાવતો માણસ ઘણીવાર પાછળથી દગો કરે છે એવું પણ આપણે બનતા જોયું છે અને તોછડું કે ઉગ્ર ભાષા વાપરનાર વ્યક્તિ જરૂર ના સમયે મદદે આવીને ઉભો રહ્યો હોઈ એવું પણ બને છે. રોજ દેવસ્થાને જતી અને સંસ્કારિતાનો હોલસેલમાં દેખાડો કરતી સ્ત્રી એના જ પરિવારને દાદર ઉતરતા ઉતરતા ગાળો દેતી હોય એવું પણ જોયું છે અને કોઈ સિગરેટ ફૂંકતી છોકરી કોઈ ગરીબ ને જોઈને એને કૈંક મદદ કરે છે. તો પછી આમાંથી કોને સારું કેરેક્ટર ગણવું..?? સિગરેટ કે ઉગ્રભાષાપણું આ વ્યક્તિ નો કોઈ એક દુર્ગુણ હોઈ શકે એનું કેરેક્ટર નહિ.
કોઈના કેરેક્ટર જાણવા માટે ઘણો બધો સમય, પારદર્શક આંખો અને બેડીઓને તોડીને વિચારી શકે એવું મન જોઈએ. બાકી આપણે માત્રને માત્ર અનુમાન બાંધી શકીયે. એમ પણ કહેવાય છે ને કે ‘હનુમાન એક જ છે પણ એના અનુમાન બોવ બધા છે.’
પરાગ પાનસુરીયા.