બિહાર: દારૂબંધી વાળા રાજય બિહારનાં સારણ જીલ્લાનાં છપરામાં ઝેરી દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક 65 પર પહોંચી ગયો છે. કેટલાક લોકો હજુ હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યા છે. આ લઠ્ઠાકાંડનાં પગલે અનેક ગામોમાં માતમ છવાઈ ગયો છે. છપરાનાં બહરૌલી ગામનાં તો એવા હાલ છે કે અહિયાં એક સાથે 11 લોકોનાં લઠ્ઠાકાંડનાં પગલે મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ આખા સારણ જીલ્લામાં દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં દારૂના ધંધા સાથે જોડાયેલા 126 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 4 હજાર લીટર ગેરકાયદેસર દારુનો નાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે.
ઘટનાની તપાસ માટે SITની રચના
બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત રીતે નકલી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે. મૃતકના પરિજનોના જણાવ્યા મુજબ મોત દારૂ પીવાથી થયું છે. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તેમાં 31 પોલીસકર્મીઓ છે. આટલું જ નહીં આ મામલામાં મશરક પોલીસ સ્ટેશનના એસએચઓ અને સ્થાનિક ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય મરહૌરાના સબ ડિવિઝનલ પોલીસ અધિકારીની બદલીની ભલામણ કરવામાં આવી છે. તેમની સામે વિભાગીય તપાસની માંગ કરવામાં આવી છે. ડીએમ અને એસપીએ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેમની પાસે આ અંગે જે પણ માહિતી હોય, તેઓ ડર્યા વિના આગળ આવે અને પોલીસને જાણ કરે.
અનેક ગામોમાં માતમ છવાયો
લઠ્ઠાકાંડનાં પગલે મૃત્યુ પામેલા લોકોમાં ઇસુઆપુર અને મશરક પોલીસ મથક વિસ્તારનાં અનેક ગામોના છે.ગામમાં ચારેય તરફ માત્ર ચિચિયારીઓ જ સંભળાય છે. અનેક ઘરોમાં શોક છવાયો છે. કોઈકે પોતાનો પુત્ર ગુમાવ્યો તો અનેક બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
સુરતમાં નોકરી કરતો યુવક મોતને ભેટ્યો
આ જ ગામમાં રહેતો રૂપેશ ગુજરાતના સુરતમાં નોકરી કરતો હતો. તાજેતરમાં જ ગામમાં આવ્યો હતો. તેમને બે યુવાન પુત્રીઓ અને 11 માસનો પુત્ર છે. રૂપેશના મોતથી પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે અને ઘરમાં શોકનો માહોલ છે. પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે મંગળવારે સાંજે રૂપેશ અને ગામના અન્ય ઘણા લોકો દારૂ પીને મસરખથી પરત ફર્યા હતા, ત્યારબાદ તેમની તબિયત બગડવા લાગી હતી. બાદમાં મૃત્યુ પામ્યા હતા.
નીતિશ સરકાર બેકફૂટ પર
2016માં નીતીશ સરકારે બિહારમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. દારૂ પર પ્રતિબંધ લગાવનાર બિહારમાં નકલી દારૂના કારણે મોતના મામલામાં નીતિશ કુમાર સરકાર બેકફૂટ પર છે. ભાજપ આ મુદ્દે રોડથી લઈને વિધાનસભા અને સંસદ સુધી નીતિશ સરકાર પર નિશાન સાધી રહી છે. બીજી તરફ પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. હકીકતમાં, પોલીસ હજુ સુધી એ કહી શકી નથી કે આ કેસમાં મુખ્ય આરોપી કોણ છે અને પોલીસે ધરપકડ કરેલા 126 લોકોમાંથી કોઈનો નકલી દારૂના કારણે થયેલા મૃત્યુના આ તાજેતરના કેસ સાથે કોઈ સંબંધ છે કે કેમ. પોલીસ અધિક્ષક સંતોષ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સમગ્ર સારણ જિલ્લામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 126 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, તેમણે એ કહેવાનો ઇનકાર કર્યો હતો કે શું ધરપકડ કરાયેલા લોકોમાં તાજેતરના કેસમાં સીધી રીતે સંડોવાયેલા લોકોનો સમાવેશ થાય છે, તેમણે ઉમેર્યું હતું કે “મામલો હજુ તપાસ હેઠળ છે અને આ તબક્કે વધુ ખુલાસો થઈ શકે છે.” આમ કરવાથી આ બાબતમાં અવરોધ આવી શકે છે.
ઝેરી દારૂના કારણે મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો
નકલી દારૂના કારણે થયેલા મોત વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દારૂ સંબંધિત મૃત્યુના મુદ્દે વહીવટીતંત્ર મૌન છે, ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલા ગેરકાયદે સ્પિરિટની ચોરી કરીને દારૂના વેપારીઓને વેચવામાં આવે છે. જેના કારણે લોકો તૈયાર થયેલો ઝેરી દારૂ પીને મરી રહ્યા છે. ગ્રામજનોમાં એવી ચર્ચા છે કે થોડા મહિના પહેલા મશરક પોલીસ સ્ટેશને મોટી માત્રામાં સ્પિરિટનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમાંથી 210 લીટર સ્પિરિટ ભરેલો ડ્રમ પોલીસ સ્ટેશન પરિસરમાંથી ગાયબ છે. ગ્રામજનોએ મશરક પોલીસ સ્ટેશનના ચોકીદાર પર ડ્રમ ચોરી કરીને દારૂ માફિયાઓને વેચવાનો આરોપ લગાવ્યો છે. જોકે પોલીસ આ સમાચારને અફવા ગણાવી રહી છે.