Editorial

બંગાળમાં હુમાયું કબીર મમતાનો ખેલ બગાડશે કે ‘ખેલા હોબે’નું પુનરાવર્તન થશે

રવિવારે કેન્દ્રીય ચૂંટણીપંચે પાંચ પ્રદેશોમાં ચૂંટણીની જાહેરાત કરી, એ પહેલાં રાજ્યનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પૂજારીઓ તથા મુઅજ્જિનોના માસિક માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી. મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, મને જણાવતાં ખુશી થાય છે કે આપણા પૂજારીઓ તથા મુઅજ્જિનોને આપવામાં આવતા માસિક પગારમાં રૂ. 500નો વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને દર મહિને રૂ. બે હજાર મળશે. સાથે જ જે પૂજારીઓ તથા મુઅજ્જિનોએ નિયમ મુજબ અરજી કરી હતી, તેને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

તેમણે વધુમાં લખ્યું, અમને ગર્વ છે કે અમે એવું વાતાવરણ તૈયાર કરી રહ્યા છીએ, જ્યાં દરેક સમુદાય તથા પરિવારની પરંપરાને મહત્ત્વ અને મજબૂતી મળે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ તથા પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર કરી હતી. આમ તો દેશના ચાર રાજ્યમાં પેટા ચૂંટણી યોજાઇ રહી છે જેમાં દક્ષિણના બે રાજ્યમાં ભાજપ માત્રને માત્ર વોટિંગ પર્સન્ટેજ વધારવાની કોશિશ કરશે ત્યાં તેના માટે કપરા ચડાણ છે.

આસામ ભાજપને આસાન ટારગેટ લાગી રહ્યો છે પરંતુ પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવી એ ભાજપ માટે નાકનો સવાલ બની ગયો છે. ભાજપના અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પણ તેઓ ગાંઠતા નથી અને તેમણે ફેંકેલા દરેક પાસાનો મમતા સબળતાથી જવાબ આપી રહ્યાં છે. મમતા બેનર્જી પણ એકપછી એક પત્તા ફેંકી રહી છે. ભાજપ હિન્દુત્વનો કાર્ડ રમે તે તેમને ખબર હોવાથી પૂજારીનું વેતન વધારવાની જાહેરાત તેમણે કરી દીધી છે.

આ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રવિવારે (29 માર્ચ, 2026) પુરુલિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ લોકોને માછલી, માંસ અને ઈંડા ખાવાથી રોકવા માંગે છે અને એવો પણ આરોપ લગાવ્યો કે તેઓ કોઈ ધર્મમાં વિશ્વાસ કરતા નથી. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં રમખાણો થાય છે, આદિવાસીઓનું શોષણ થાય છે અને મહિલાઓ પર હુમલા થાય છે. વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપના એક મોટા નેતાએ તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ ચાર્જશીટ જારી કરી છે, પરંતુ તેમના મતે વાસ્તવિક ચાર્જશીટ ભાજપ વિરુદ્ધ હોવી જોઈએ. ગુજરાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ત્યાં પહેલા પણ ઘણા રમખાણો થયા છે.

મમતા બેનર્જીના આ નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે અને વિવિધ પક્ષો આ અંગે પ્રતિક્રિયા આપે તેવી શક્યતા છે. ભાજપ વિરૂદ્ધ માંસ – માછલીની કરેલી વાતને મમતા બેનર્જીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે. કારણ કે, માછલી અને ભાત જ બંગાળીઓની ખાણીપીણીની સંસ્કૃતિની ઓળખ છે. શુક્રવારે તેમણે દિનાજપુરની એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, જો મતદાર યાદીમાં ઘુસણખોરોના નામ હોય, તો મોદી પણ તેમના મતોથી જીત્યા, તેથી તેમણે પહેલા રાજીનામું આપવું જોઈએ.

મમતા બેનર્જીએ જાહેર સભામાં લોકો સમક્ષ મતદાર યાદી સંબંધિત મુદ્દાઓને જોરદાર રીતે ઉઠાવ્યા. તેમણે પ્રશ્ન કર્યો કે 2024 ની સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાતી સમાન મતદાર યાદીઓને વિધાનસભા ચૂંટણી પહેલા કેમ પડકારવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ માલદા જિલ્લામાં તાજેતરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં ન્યાયિક અધિકારીઓને ઘણા કલાકો સુધી ઘેરી લેવામાં આવ્યા હતા. તેમણે આ ઘટના માટે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ને જવાબદાર ઠેરવ્યા, જ્યારે કોંગ્રેસ અને ભાજપ પર તેને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો.

મમતા બૅનર્જીએ માલદા હિંસા વિશે વિગતવાર વાત કરી. તેમણે કહ્યું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હરિરામપુરમાં એક રેલીને સંબોધતા, તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે તેમને AIMIM પાસેથી ઉછીના લીધા છે અને અહીં લાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ISF તેમની સાથે છે. કોંગ્રેસ અને ભાજપે પણ ઉશ્કેરણીજનક તરીકે કામ કર્યું. બેનર્જીએ કહ્યું કે ગુનાહિત તપાસ વિભાગ (CID) એ મુખ્ય આરોપી, વકીલ મોફકરુલ ઇસ્લામની બાગડોગરા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી જ્યારે તે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

મમતા બેનર્જીએ કહ્યું કે આ જ લોકો હતા જેમણે માલદાના મોથાબારીમાં હિંસા ભડકાવી હતી. તેમણે ચૂંટણીના આચરણ અંગે વધુ ચિંતા વ્યક્ત કરી, આરોપ લગાવ્યો કે અધિકારીઓની બદલી રાજ્યમાં બહારના લોકોના પ્રવેશને સરળ બનાવવા માટે કરવામાં આવી હતી. તેમણે સુરક્ષા દળો સાથે સંકળાયેલી અનિયમિતતાઓનો પણ દાવો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે CRPF વાહનોનો ઉપયોગ કરીને પૈસાની હેરફેર કરવામાં આવી રહી છે. મારી પાસે આ પ્રવૃત્તિઓનો રેકોર્ડ છે અને હું યોગ્ય સમયે તેનો ખુલાસો કરીશ.

તૃણમૂલ કોંગ્રેસના વડાએ ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું, જેમણે ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં રહેવાની યોજના જાહેર કરી છે. બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમની હાજરીથી ભાજપને ચૂંટણીલક્ષી રીતે કોઈ ફાયદો થશે નહીં. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન શાહના રાજ્યમાં લાંબા સમય સુધી રહેવાથી, તેનાથી વિપરીત, પાર્ટીના મત હિસ્સામાં ઘટાડો થશે. આમ એક તરફ કેન્દ્રમાં શાસન ધરાવતી ભાજપ સરકારના દિગ્ગજો નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજો છે તેની સામે મમતા બેનર્જી ઝીંક ઝીલી રહી છે અને મજબૂત રીતે તેમનો સામનો કરી રહી છે.

ગઇ ચૂંટણીમાં તો મમતાનો ખેલા હોબે નારો ચાલી ગયો હતો પરંતુ આ ચૂંટણી પહેલા ભાજપે પણ ખેલા હોબે જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આ વખતે હુમાયું કબીર ભાજપ માટે હુકમનો એક્કો સાબિત થઇ શકે તેમ છે. હુમાયુ કબીરની પાર્ટીએ અગાઉથી જ રાજ્યની 182 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી છે, જેમાં હવે AIMIM પણ ભાગીદાર બનશે. માનવામાં આવે છે કે AIMIM લગભગ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

કબીરે અત્યાર સુધીમાં 18 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, જેમાં રાનીનગર, ભગવાનગોલા અને મુર્શિદાબાદ જેવી બેઠકોનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે હુમાયુ કબીર પોતે મુર્શિદાબાદ જિલ્લાની ત્રણ બેઠકો – ભગવાનગોલા, નૌદા અને રાજીનગર પરથી ચૂંટણી લડવાના છે. પશ્વિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની વાતથી જ તેઓ ત્યાંના મુસ્લિમોમાં લોકપ્રિય બની ગયા છે. જો કે આ ફેક્ટર ભાજપ માટે કેટલું ફાયદાકારક રહેશે તેની પર પણ સૌની નજર રહેશે. જે હોય તે પરંતુ ચાર રાજ્યની ચૂંટણી યોજાઇ રહી છે તેમાં પશ્વિમ બંગાળની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વણથંભી જીતને રોક લાગી શકે તેવું આ એક જ રાજ્ય છે અને તે મહત્વનું પણ છે.

Most Popular

To Top