Editorial

પાકિસ્તાનને મદદ કરવા બદલ તુર્કી, અઝરબૈજાન જ નહીં, ચીનનો પણ સાથે બહિષ્કાર થવો જોઈએ

પાકિસ્તાને કરેલા આતંકી હુમલાને પગલે ભારતે વળતા હુમલાઓ કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી. પાકિસ્તાને પણ સામે ભારતમાં ડ્રોનથી વિસ્ફોટકો ફેંકવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાન દ્વારા જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો તે તુર્કી દેશના હતા. તુર્કી દેશ દ્વારા ભારત સામે લડવા માટે પાકિસ્તાનને મદદ કરવામાં આવી હોવાથી ભારતમાં હવે બોયકોટ તુર્કીની ઝુંબેશ વેગ પકડી રહી છે.

પાકિસ્તાનને સાથ આપનારા તુર્કી દેશનો સંપુર્ણપણે બહિષ્કાર કરવા માટે ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે. ભારતના વેપારીઓ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે તુર્કીથી સામાનની આયાત કરવામાં નહીં આવે. ભારતમાં તુર્કી સામે ભારે ગુસ્સો છે. સોશિયલ મીડિયા પર આ અંગે પત્ર પણ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તુર્કી દ્વારા ભારતીય પ્રવાસીઓને પોતાની યાત્રા રદ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી છે.

જોકે, જે રીતે તુર્કી દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં આવી તેણે ભારતીયોનો તુર્કી સામે ભારે આક્રોશમાં લાવી દીધા છે. અનેક ટ્રાવેલ એજન્સીઓએ તુર્કી અને અઝરબૈજાનના ટ્રાવેલ પેકેજો રદ કરવા પડી રહ્યા છે. તુર્કીના બહિષ્કારની ચાલી રહેલી ઝુંબેશમાં તુર્કીથી સફરજનની ખરીદી બંધ કરવામાં આવી છે. પ્રવાસો રદ કરાઈ રહ્યા છે. રાજદ્વારી દ્રષ્ટિએ પણ તુર્કી અને ભારત વચ્ચે તણાવનો સંબંધ ઊભો થઈ ગયો છે. માત્ર વેપારીઓ જ નહીં પણ ગ્રાહકો દ્વારા પણ તુર્કીની વસ્તુઓની ખરીદી બંધ કરવામાં આવી રહી છે. ખાસ કરીને તુર્કીથી સફરજનની આયાત કરવામાં આવી રહી હતી.

જે હવે તુર્કીને બદલે હિમાચલ પ્રદેશ, કાશ્મીરથી આયાત કરવામાં આવશે. ભારતમાં વપરાતા માર્બલ પૈકી 70 ટકા માર્બલ તુર્કીથી આયાત થતાં હતા. ઉદેપુરના વેપારીઓ દ્વારા આ માર્બલની આયાત પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનને મદદ કરનાર તુર્કીનો ભારતે જે રીતે બહિષ્કાર માટે ઝુંબેશ શરૂ કરી છે તેને દેશમાં એક નવો જ જુવાળ ઊભો કર્યો છે. જોકે, માત્ર તુર્કી જ નહીં પરંતુ ચીનથી થતી આયાતો પણ ભારતે બંધ કરવી જોઈએ.

તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી એટલે તેનો બહિષ્કાર કરવો જરૂરી છે પરંતુ સાથે સાથે ચીને પાકિસ્તાને એટલી મદદ કરી છે કે તેની સામે તુર્કીની મદદ નાની લાગે. ચીને પીઓકેમાં રોડ બનાવ્યો છે. પાકિસ્તાનને નાણાંકીય મદદ કરી છે. તાજેતરમાં પાકિસ્તાન સાથે ભારતને યુદ્ધવિરામની ફરજ પાડવામાં ચીનનો પણ હાથ છે. જો ભારત પાકિસ્તાનને દબાવીને પીઓકે લઈ લે તો ચીનને મોટું નુકસાન થાય તેમ છે. પાકિસ્તાન નબળું પડે તો ચીનને પણ મોટું નુકસાન થાય તેમ છે.

ચીન દ્વારા પાછલા બારણે પાકિસ્તાનને મદદ કરવામાં આવતી જ હતી તો ભારતે શા માટે માત્ર તુર્કી કે અઝરબૈજાનનો બહિષ્કાર કરવો જોઈએ? ભારતે ચીનનો પણ બહિષ્કાર કરવો જોઈએ. અમેરિકાએ ટેરિફના મુદ્દે લાત માર્યા બાદ ચીન માટે ભારત જ એક મોટું બજાર છે. આજે એવી હાલત થઈ જવા પામી છે કે, ભારતને ચીન વગર ચાલે તેમ છે, પરંતુ ચીનને ભારત વગર ચાલે તેમ નથી. આજે ભારતમાં વપરાતી વસ્તુઓ પૈકી 60થી 70 ટકા વસ્તુ ચીનની હોય છે. મોબાઈલ ફોન હોય કે પછી ઈલેકટ્રોનિક્સની આઈટેમ, વિશ્વની મોટાભાગની કંપનીઓની ફેકટરીઓ ચીનમાં છે.

ચીન પોતાનો માલ ભારતમાં ઘૂસાડતો જ રહે છે અને ભારતની કંપનીઓએ દેવાળું ફૂંકવું પડે છે. ભારત સરકારે ‘લોકલ ફોર વોકલ’ની ઝુંબેશ શરૂ કરી પરંતુ ભારતની કંપનીઓને બચાવી શકાતી નથી. કારણ કે ચીનનો માલ સસ્તો પડે છે અને સાથે સાથે ઈનોવેટિવ પણ હોય છે. ભારત સરકારે આ મુદ્દાને ધ્યાને લઈને ચીનને વધુ મજબુત થતું રોકવા માટે ચીન સાથે વેપાર બંધ કરવાની જરૂરીયાત છે. ચીન ભારતમાં માલની મોટાપાયે નિકાસ કરીને મોટાભાગનું વિદેશી હુંડિયામણ પોતાના દેશમાં લઈ જાય છે. તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર જરૂરી છે પરંતુ સાથે સાથે ચીનને સબક શીખવાડવો પણ એટલો જ જરૂરી છે તે ચોક્કસ છે.

Most Popular

To Top