National

પંજાબમાં AAPને બેવડો ફટકો, સાંસદ-ધારાસભ્ય બંને ભાજપમાં જોડાયા, શું છે કારણ?

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા નેતાઓના પક્ષ બદલવાની પ્રક્રિયા ચાલુ છે. ગઇકાલે મંગળવારે જ્યારે કોંગ્રેસના (Congress) એક સાંસદ ભાજપમાં જોડાયા હતા, ત્યારે આજે બુધવારે આમ આદમી પાર્ટીના એક સાંસદ અને એક ધારાસભ્યએ મળીને આમ આદમી પાર્ટીને બેવડો ફટકો આપ્યો હતો.

આમ આદમી પાર્ટીના જલંધર સાંસદ સુશીલ કુમાર રિંકુ અને પાર્ટીના જલંધર પૂર્વના ધારાસભ્ય શીતલ અંગુરાલ ભાજપમાં જોડાયા છે. આગાવ AAPએ જલંધરથી પોતાના સાંસદ સુશીલ કુમાર રિંકુને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. તેમ છતાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

આ કારણોસર ભાજપમાં જોડાયા
ભાજપમાં જોડાયા બાદ સુશીલ કુમાર રિંકુએ એક મોટી વાત કહી છે, તેમણે કહ્યું કે, “એ સાચું છે કે મેં જાલંધરના લોકોને જે વચનો આપ્યા હતા તે પૂરા થયા નથી કારણ કે મારી પાર્ટી (આપ)એ મને સમર્થન આપ્યું નથી. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંઘની શૈલીના કામકાજથી હું પ્રભાવિત છું. સુશીલ કુમાર રિંકુએ વધુમાં કહ્યું કે, “મેં આ નિર્ણય જલંધરના વિકાસ માટે લીધો છે. અમે જલંધરને આગળ લઈ જઈશું. અમે કેન્દ્ર સરકારના તમામ પ્રોજેક્ટને જલંધરમાં લાવીશું.”

તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે અને આ પહેલા AAP સાંસદ સુશીલ કુમાર રિંકુ પણ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે અને તેઓ 2017માં જલંધર પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેમજ 2023ની પેટાચૂંટણીમાં AAPએ તેમને જલંધરથી ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ છેલ્લા એક વર્ષથી આ બેઠક પરથી સાંસદ છે.

શીતલ અંગુરાલે જ રિંકુને હરાવ્યો હતો
શીતલ અંગુરાલ જલંધર પશ્ચિમ સીટથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અંગુરાલે બે વર્ષ પહેલા જ ચૂંટણીના રાજકારણમાં હાથ અજમાવ્યો હતો અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPની ટિકિટ પર લડ્યા બાદ સુશીલ કુમાર રિંકુને હરાવ્યા હતા. સૌથી મોટી વાત એ હતી કે રિંકુ હાર્યા બાદ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રહ્યા હતા.

આ પહેલા મંગળવારે લુધિયાણાના કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુ પણ ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે પંજાબ અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટાડવું જરૂરી છે, તેથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.

તમને જણાવી દઈએ કે પંજાબમાં 13 લોકસભા સીટો છે જ્યાં AAP અને કોંગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં આઠ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં AAP છોડીને ભાજપમાં જોડાનાર સુશીલ કુમાર રિંકુનું નામ પણ સામેલ છે.

Most Popular

To Top