ગુજરાતના વાહનચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઈવે પર મુસાફરી માટે કેન્દ્ર સરકારને કુલ રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. પરંતુ સામે કેન્દ્ર સરકારે રાજ્યમાં હાઈવેના વિકાસ, સુધારા અને જાળવણી માટે રૂ. 47,236 કરોડથી વધુની ફાળવણી કરી છે. એટલે કે વસૂલેલા ટોલ કરતાં બમણાથી પણ વધુ રકમ રસ્તાઓના વિકાસ માટે ખર્ચાઈ છે. આ માહિતી 11 માર્ચ 2026ના રોજ રાજ્યસભામાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ આપી હતી. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતના નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ અને તેના બદલામાં થતા વિકાસ અંગે સવાલ પૂછતા સરકારે આ વિગતવાર આંકડા રજૂ કર્યા હતા. સાંસદ પરિમલ નથવાણીએ ખાસ કરીને ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઈવે પર રસ્તાની ખરાબ હાલત અને ખાડાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સાથે જ બઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર જેવા વ્યસ્ત રૂટ પર ચાલી રહેલા પ્રોજેક્ટ્સ ક્યારે પૂરાં થશે તે અંગે પણ માહિતી માંગી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપતા વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિ અને સમયમર્યાદા જાહેર કરી હતી.
વાપી-સુરત અને સુરત-ભરૂચ (NH-48) રૂટ પર સિક્સ-લેનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલમાં અહીં 16 પુલ, ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણની કામગીરી ચાલી રહી છે, જે જાન્યુઆરી 2027 સુધી પૂર્ણ કરવાની યોજના છે. ભરૂચ-વડોદરા (NH-48) માર્ગનું સિક્સ-લેનિંગ પહેલેથી જ પૂરું થઈ ગયું છે, જ્યારે અહીં 7 પુલ અને અંડરપાસનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વડોદરા-અમદાવાદ હાઈવે પહેલેથી સિક્સ-લેન છે અને હાલમાં BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) મોડેલ હેઠળ સંચાલિત થાય છે. શામળાજી-મોટા ચિલોડા, જે અમદાવાદ-હિંમતનગર રૂટનો ભાગ છે, ત્યાં બાકી રહેલું સિક્સ-લેનિંગનું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. રાજકોટ-જેતપુર (NH-27) હાઈવે પર સિક્સ-લેનિંગની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને તે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બજેટમાંથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દેશના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે હાલમાં નિર્માણાધીન છે અને તેને માર્ચ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષના આંકડા
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી વસૂલાયેલા ટોલ અને તેના બદલામાં થયેલી ફાળવણીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે:
| નાણાકીય વર્ષ | ટોલ વસૂલાત (રૂ. કરોડ) | વિકાસ માટે ફાળવણી (રૂ. કરોડ) |
|---|---|---|
| 2020-21 | 3178.58 | 7533 |
| 2021-22 | 3744.36 | 10710 |
| 2022-23 | 4090.04 | 9831 |
| 2023-24 | 4394.82 | 10900 |
| 2024-25 | 4975.20 | 8262 |
| કુલ | 20383 | 47236 |