પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી આંશિક રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને ગયા વર્ષે તા.9 મેના રોજ થયેલી હિંસાથી સંબંધિત આઠ કેસોમાં જામીન આપ્યા છે. જોકે અન્ય અનેક ગંભીર કેસોમાં તેઓ પહેલેથી જ સજાવાર છે. જેના કારણે ટૂંક સમયમાં તેમની જેલમાંથી મુક્તિની શક્યતા ઓછી છે.
અહેવાલ મુજબ ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે ઇમરાન ખાનની જામીન અરજીઓ મંજૂર કરી. અન્ય બે ન્યાયાધીશો મિયાંગુલ હસન ઔરંગઝેબ અને મુહમ્મદ શફી સિદ્દીકી હતા. આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે 2023માં થયેલા વિરોધ પ્રદર્શન અને સરકારી તથા લશ્કરી મથકો પર હુમલાઓ સંબંધિત અનેક કેસોની સુનાવણી ચાલી રહી હતી.
મળતા અહેવાલ મુજબ જામીન મળ્યા હોવા છતાં ઇમરાન ખાને તરત જ મુક્તિ મળશે તેવી શક્યતા નથી. હાલ તેઓ “સરકારી ભેટો” (Toshakhana) કેસમાં સજાવાર છે અને સાથે જ 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચાર કેસમાં પણ દોષિત ઠેરવાયા છે. આ ઉપરાંત તા.9 મેના રમખાણોને લઈને અનેક અન્ય કેસો હજુ પણ બાકી છે.
પીટીઆઈએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને “ઇમરાન ખાન માટે વિજય” ગણાવ્યો છે. પાર્ટીએ X (પૂર્વ Twitter) પર ઇમરાન ખાનનો એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, “જ્યારે રાત સૌથી અંધારી થઈ જાય છે તેનો અર્થ એ છે કે સવાર થવાની જ છે.”
ગયા વર્ષે તા.9 મેના રોજ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના અનેક મોટા શહેરોમાં હિંસક પ્રદર્શન થયા હતા. લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન સહિત અનેક સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ જ પાકિસ્તાનની રાજનીતિમાં હચમચાટ મચી ગયો હતો.
આ પહેલાં લાહોર હાઈકોર્ટે તા.24 જૂને આ જ કેસમાં ઇમરાન ખાનની જામીન અરજી ફગાવી હતી. બાદમાં તેમણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. પરંતુ અન્ય સજાઓને કારણે તેઓ જેલમાંથી બહાર આવી શકશે નહીં.
જેલમાં હોવા છતાં ઇમરાન ખાન પાર્ટીની રાજનીતિમાં સક્રિય છે. તેમણે તાજેતરમાં જ પશ્તુનખ્વા મિલ્લી અવામી પાર્ટીના અધ્યક્ષ મહમૂદ ખાન અચકઝાઈને નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા પદ માટે અને આઝમ ખાન સ્વાતીને સેનેટમાં વિપક્ષના નેતા પદ માટે નામાંકિત કર્યા છે. પંજાબ વિધાનસભા માટે પણ તેમણે પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે પાર્ટી નેતાઓને પાંચ નામ મોકલવા કહ્યું છે.
આથી સ્પષ્ટ છે કે કાનૂની મુશ્કેલીઓ વચ્ચે પણ ઇમરાન ખાન પાકિસ્તાનની રાજનીતિમાં પોતાનો પ્રભાવ જાળવી રાખી રહ્યા છે.