અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અનોખા અને અચાનક બદલાતા નિર્ણયોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. એક બાજુ તેઓ ભારતને વિશ્વસનીય મિત્ર કહે છે તો બીજી બાજુ તે જ ભારત પર ભારે ટેરિફ લાદે છે. ગયા મહિને જ અમેરિકા દ્વારા ભારત પરનો ટેરિફ વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત ટ્રમ્પના તાજેતરના પગલાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ગરમાઈ છે.
અહેવાલ મુજબ, અમેરિકાએ G7 દેશો પર દબાણ કર્યું છે કે તેઓ ભારત અને ચીન પર 100 ટકા સુધી ટેરિફ લાદે. આ દબાણ પાછળનું કારણ રશિયા સામે વધુ દબાણ સર્જવાનો છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત અને ચીન રશિયાથી તેલ કે અન્ય પ્રોડક્ટ્સની ખરીદી ન કરે અને તેના બદલે અમેરિકા તથા તેના સાથી દેશોની નીતિઓનું પાલન કરે.
G7 નાણામંત્રીઓની બેઠક
આ મુદ્દે નિર્ણય લેવા માટે શુક્રવારે G7 દેશોના નાણામંત્રીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં યુક્રેન યુદ્ધમાં શાંતિ કરાર માટેના પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. સાથે જ અમેરિકાની તરફથી ભારત અને ચીન પર 50થી 100 ટકા સુધી ટેરિફ લગાવવાના મુદ્દે ચર્ચા થવાની છે.
અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે “જો યુરોપ ખરેખર રશિયા સામેના યુદ્ધને અંત આપવા માટે ગંભીર છે તો તેને અમારી સાથે જોડાવું પડશે અને અર્થપૂર્ણ ડ્યુટી લાદવી પડશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા પોતાના સાથી દેશોને દબાણમાં રાખીને પોતાના હિતને આગળ ધપાવવા ઈચ્છે છે.
ભારત અને યુરોપ માટે પડકાર
ભારત માટે આ પગલું મોટો આર્થિક પડકાર બની શકે છે. કારણ કે ગયા મહિને જ ભારત પરનો ટેરિફ 50 ટકા વધારવામાં આવ્યો હતો. હવે જો 100 ટકા સુધીનો ટેરિફ લાગુ થશે તો ભારત-અમેરિકા વેપાર સંબંધો પર ગંભીર અસર પડશે.
યુરોપિયન યુનિયન પણ આ દબાણ હેઠળ છે. કારણ કે તે પોતાનો લગભગ 20 ટકા ગેસ રશિયાથી આયાત કરે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે યુરોપ પણ ભારત અને ચીનની જેમ રશિયા પાસેથી ખરીદી ઓછી કરે અને અમેરિકાની શરતો માને.
વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો તે ભારત અને ચીન બંને માટે આર્થિક રીતે નુકસાનદાયક બની શકે છે. સાથે જ વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધનું વાતાવરણ સર્જાઈ શકે છે. ટ્રમ્પની નીતિઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા વધી શકે છે અને તેના સીધા પરિણામો વિકાસશીલ દેશોને સહન કરવાના પડી શકે છે.