Gujarat

ULC મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો – કાયદેસર કબજો લીધા વગર યુએલસી હેઠળની જમીન કાર્યવાહી આપોઆપ રદ ગણાશે

સુરતની સરદાર હીરા ઉદ્યોગ સહકારી મંડળીના 75 પ્લોટ હોલ્ડરોની કતારગામની જમીનને સુપ્રીમ કોર્ટે યુએલસી મુકિત્ત આપી

સુરતની સરદાર હીરા ઉદ્યોગ સહકારી મંડળીના 75 પ્લોટ હોલ્ડરોની કતારગામના સર્વે નંબર 339 પૈકી ફાઇનલ પ્લોટ નંબર 9A તથા 9B પૈકીવાળી જમીન 9303 ચો.મી. જમીન અંગેની સુપ્રીમ કોર્ટે અપીલ મંજૂર કરી શહેરી જમીન ટોચમર્યાદા કાર્યવાહીને રદ જાહેર કરી મુકિત્ત આપવાનો આદેશ કર્યો છે. અર્બન લેન્ડ (સીલિંગ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1976 (ULC Act) હેઠળ ચાલતી કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્ય સરકારે વધારાની જમીનનો વાસ્તવિક અને કાયદેસર ભૌતિક કબજો લીધો ન હોય, તો ULC રિપિલ એક્ટ, 1999 બાદ આવી કાર્યવાહી આપોઆપ રદ (abate) ગણાશે.

જસ્ટીસ બી.વી. નાગરત્ના અને જસ્ટીસ આર. મહાદેવનની ડિવીઝન બેન્ચે સુરતના સબ-પ્લોટ ધારકો દ્વારા દાખલ કરાયેલ સિવિલ અપીલ મંજૂર કરી છે. સુપ્રીમ ર્ટની ડિવીઝન બેન્ચે ગુજરાત હાઈકોર્ટના વર્ષ 2014ના ચુકાદાને રદ કર્યો છે, જેમાં અપીલકર્તા પ્લોલધારકોને “ગેરકાયદે કબજેદાર” ગણાવી કોઈ રાહત આપવામાં આવી નહોતી.

સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ULC એક્ટની કલમ 10(5) મુજબ જમીનનો કબજો લેવા પહેલા જમીન પર કબજો ધરાવનાર વ્યક્તિને ફરજિયાત નોટિસ આપવી આવશ્યક છે. આવી નોટિસ વિના અને કાયદેસર પ્રક્રિયા પાલન કર્યા વગર લેવામાં આવેલ કબજો માન્ય ગણાઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે જો રાજ્ય માત્ર દસ્તાવેજી કે કાગળી કબજાનો દાવો કરે અને વાસ્તવિક ભૌતિક કબજો ન લીધો હોય, તો ULC રિપિલ એક્ટ લાગુ થયા બાદ રાજ્યને જમીન પર કોઈ હક રહેતો નથી.

આ જમીન મંડળી એ જાહેર હરાજી થી 1982 માં ખરીદી સુરત મહાનગરપાલિકા પાસેથી પ્લાન મંજૂર કરાવી બાંધકામ કરી હીરાની ફેક્ટરીઓ નાખી હતી. પરંતુ સુરત જિલ્લા કલેક્ટરે 1986 માં હરાજી રદ કરી હતી. જેને રાજય સરકારે માન્ય રાખી હતી. પરંતુ જમીનનો કબજો પ્લોટ હોલ્ડરો પાસેથી લેવામાં આવ્યો નહોતો. હરાજી રદ થતાં મૂળ માલિકોએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી 1988- 89 માં પ્લોટ હોલ્ડરોને વેચાણ આપ્યા હતા. પરંતુ 2008માં સક્ષમ અધિકારી યુએલસી હેઠળ પ્લોટ વેચવા માટે નાં વાંધા પ્રમાણપત્ર ન આપતા કારણમાં જણાવ્યું હતું કે જમીન પૈકી હાજર જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. સક્ષમ અધિકારીના આ નિર્ણય સામે નારાજ થઈને પ્લોટ ધારકોએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. આ રીટ નામંજૂર થતાં લેટર્સ પેટન્ટ અપીલ કરેલ જે કુલ 75 હજારના ખર્ચ સાથે નામંજૂર કરવામાં આવી હતી.સુરતના આ પ્લોટ હોલ્ડરોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પિટીશન કરી હતી. જે મંજૂર થતાં 2016 માં તે અપીલમાં કન્વર્ટ થઈ હતી.

આ રીટમાં આખરી સુનાવણી દરમ્યાન પ્લોટ ધારકો તરફથી સીનીયર એડવોકેટ કુમારેશ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે યુ.એલ.સી. કાયદાની કલમ 10(5)ની નોટિસ પ્રત્યક્ષ કબજેદારોને પણ આપવી ફરજીયાત છે. ગુજરાત હાઇકોર્ટે પ્લોટ હોલ્ડરોનો કબજો સ્વીકારેલો છે પરંતુ યુએલસીની જોગવાઈઓ મુજબ કબજો ગેરકાયદે છે એમ તારણ આપેલ છે જે કાયદા વિરુદ્ધનું છે. સક્ષમ અધિકારીએ માત્ર કાગળ પર કબજો લીધો છે. અરજદારો હીરા ઉદ્યોગની ફેક્ટરીઓ ચલાવે છે. વીજળીના બિલો રજૂ કર્યા છે. જેથી યુએલસી રિપીલ મુજબ 1999 મુજબ યુએલસી 1976 ના કાયદા હેઠળની કાર્યવાહી એબેટ થાય છે.

રાજય સરકાર તરફથી એવી દલીલ કરાઈ હીત કે પ્લોટ ધારકોને કેસ કરવાનો અધિકાર નથી. લોકસ સ્ટેન્ડી નથી. યુએલસી કાયદા હેઠળ જરૂરી પરવાનગી વિના જમીન વેચાણ રાખેલ છે. જાહેર હરાજી રદ થયેલ છે. સક્ષમ અધિકારીએ મૂળ માલિક સામે કેસ ચલાવી 1989માં 662.18 ચોરસ મીટર જમીન ફાજલ કરી છે. મૂળ જમીન માલિકની યુએલસી હેઠળની અપીલ શહેરી જમીન પંચે રદ કરી છે. 1992માં પંચનામું કરી ફાજલ જમીનનો કબજો મેળવવામાં આવેલ છે. જમીનના મહેસૂલી રેકોર્ડમાં સરકારનું નામ 1993માં દાખલ થયેલ છે. પ્લોટ ધારકોને કલમ 10 (5) ની નોટિસ આપવી જરૂરી નથી.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બીવી નાગરત્ના તથા જસ્ટીસ આર મહાદેવનની ડિવીઝન બેન્ચે યુએલસી કાયદાની કલમ 10(3), 10 (5) અને 10 (6) હેઠળની જોગવાઈઓ તથા કાયદાની રિપીલ કાયદાની કલમ 3 અને 4 હેઠળની જોગવાઈઓનું વિશ્લેષણ કરી ચૂકાદો આપતા જાહેર કર્યુ હતું કે કરેલ કલમ 10 (3) ના આધારે રાજ્યમાં જમીન નિહિત થવા માત્ર થી પ્રત્યક્ષ કબજો લેવાયો છે એમ ગણી શકાય નહીં કલમ 10(5) આદેશાત્મક છે અને પ્રત્યક્ષ કબજેદારને નોટિસ આપવી જરૂરી છે. રાજ્ય સરકારનો કબજો માત્ર કાગળ આધારિત છે. આ કેસમાં પ્લોટ ધારકો કબજેદાર છે એ વિશે ખાતરી કર્યા વિના 10(5) નોટિસ મૂળ માલિકોને આપવામાં આવી છે પરંતુ પ્લોટ ધારકોને આપવામાં આવી નથી. તેથી ULC કાયદાની કલમ 10 અનુસાર કબજા મેળવેલ ન હોવાથી ન હોવાથી, વાસ્તવિકતામાં અને કાયદામાં બંને રીતે જમીનનો કબજો પ્લોટ હોલ્ડરોનો ચાલુ રહે છે. સરકારના નામની ફેરફાર નોંધ માત્ર ન્યાયિક કબજો દર્શાવે છે, વાસ્તવિક કબજો દર્શાવતી નથી. પ્લોટ હોલ્ડરો પાસે જમીનનું વેલીડ ટાઈટલ નથી જેથી એન.ઓ.સી. ન આપી શકાય તેવુ ગુજરાત હાઇકોર્ટનું તારણ કાયદા વિરુદ્ધ છે.

ગુજરાત હાઈકોર્ટે એવું પણ ઠરાવ્યું હતું કે વીજળીના બિલમાં અપીલકર્તાઓનું નામ દર્શાવવામાં આવ્યું હોવા છતાં, તેણે ULC કાયદાની કલમ 10(5) હેઠળ તેમનો કબજો સાબિત કર્યો નથી. આ કિસ્સામાં, ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે એવું ઠરાવવું યોગ્ય નહોતું કે પ્લોટ હોલ્ડરો ULC કાયદો અમલમાં આવ્યો તે તારીખે વિષય જમીનના કબજામાં ન હતા અને તેઓ ગેરકાયદેસર કબજેદારો હતા. સુપ્રીમ કોર્ટે પ્લોટ ધારકોની લેટર્સ પેટન્ટ અપીલમાં ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદાઓ રદ કર્યા છે અને પ્લોટ ધારકોની અપીલ મંજૂર કરી છે, સંબંધિત જમીનને યુએલસી મુકિત્ત આપી છે.

Most Popular

To Top