પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ થયેલા નફરતભર્યા ભાષણના વિરોધમાં NDAની મહિલાશક્તિએ આજે ગુરુવારે બિહાર બંધનું આહ્વાન કર્યું હતું. બંધ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે ઇમરજન્સી અને રેલ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.
NDAની મહિલાઓનું નેતૃત્વ
આંદોલનનું નેતૃત્વ ભાજપ મહિલા મોરચા પ્રમુખ ધર્મશીલા ગુપ્તા, જેડીયુ મહિલા મોરચા પ્રમુખ ભારતી મહેતા, એલજેપી (આર)ની શોભા સિંહા, આરએલએમની સ્મૃતિ કુશવાહા અને એચએએમની સ્મિતા શર્માએ કર્યું. નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું કે માતા ભગવાનનું સ્વરૂપ છે અને રાજકીય મંચ પરથી માતાનો અપમાન કરવો લોકશાહી પરંપરાનો પણ અપમાન છે.
રાજ્યમાં વ્યાપક અસર
બેગુસરાય: મંત્રી સુરેન્દ્ર મહેતા, જેડીયુ ધારાસભ્ય રાજકુમાર સિંહ અને ભાજપ કાર્યકરો રસ્તા પર ઉતર્યા. હર હર મહાદેવના નારા સાથે કાર્યકરો દ્વારા ટ્રાફિક રોકાયો. એનએચ 31 પર પણ જામ જોવા મળ્યો.

સીતામઢી: NDA મહિલા નેતાઓએ શહેરમાં પ્રદર્શન કર્યું.

નવાડા: પ્રજાતંત્ર ચોક ખાતે ગઠબંધનના કાર્યકરોએ વિરોધ કર્યો.
બાંકાં: ભાજપ ધારાસભ્ય રામનારાયણ મંડળે બંધનું નેતૃત્વ કર્યું.
જમુઈ: કછરી ચોક પર રસ્તો રોકીને ‘મોદીજીની માતાનું અપમાન સહન નહીં કરીએ’ ના નારા લગાવવામાં આવ્યા.

હાજીપુર અને વૈશાલી: કાર્યકરો એચએન 22 સહિતના માર્ગો પર ઊતરી સૂત્રોચ્ચાર સાથે માર્ગ અવરોધિત કર્યો.
બેતિયાહમાં મોટો પ્રભાવ: બેતિયાહમાં બંધની અસર ખાસ્સી જોવા મળી. અહીં 80 ટકા દુકાનો બંધ રહી અને રસ્તાઓ સૂમસામ દેખાયા. મુસાફરોની સંખ્યા ઘટી ગઈ અને રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનોની અવરજવર લગભગ બંધ થઈ ગઈ.

NDAનો આક્ષેપ
NDAના નેતાઓએ આરોપ લગાવ્યો કે મહાગઠબંધનના મંચ પરથી થયેલા અપમાનજનક શબ્દોથી બિહારની છબી ખરડાઈ છે. આ ઘટનાથી સમગ્ર સમાજમાં આક્રોશ છે. તેમનું કહેવું છે કે મહાગઠબંધને હજુ સુધી માફી માંગી નથી. જે તેમના અહંકારનું પ્રતીક છે.
આ બિહાર બંધ ખાસ એ કારણે મહત્વપૂર્ણ છે કે કદાચ પહેલીવાર NDAની મહિલાશક્તિએ રાજ્યવ્યાપી બંધમાં આગેવાની લીધી છે. બિહારના મોટા શહેરો અને જિલ્લાઓમાં તેનો સીધો પ્રભાવ જોવા મળ્યો છે. મંત્રીઓ, ધારાસભ્યો અને કાર્યકરો રસ્તા પર ઉતર્યા હોવાથી સામાન્ય જનજીવન થોડો સમય માટે પ્રભાવિત થયું હતું.