નવી દિલ્હી: ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ આજે પોતાના યાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી હતી. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આ જાણકારી શેર કરી હતી. અસલમાં એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે તાત્કાલિક અસરથી ઈઝરાયેલના તેલ અવીવ જતી અને ત્યાથી આવતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
આજે શુક્રવારે એર ઈન્ડિયાએ પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ ઉપર માહિતી શેર કરતા કહ્યું હતું કે તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેમજ એર ઇન્ડિયાના કર્મચારીઓ ત્યાની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એરલાઇન કંપનીએ કહ્યું કે મહેમાનો અને ક્રૂની સુરક્ષા તેમની સૌથી પહેલી પ્રાથમિકતા છે. આ સાથે જ એર ઈન્ડિયાએ મુસાફરોની મદદ માટે 2 સંપર્ક કેન્દ્રના નંબર જારી કર્યા છે. તેમજ આ નંબરો પર 24×7 સંપર્ક કરી શકાય છે.
એર ઈન્ડિયાએ પયતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, “મધ્ય પૂર્વના ભાગોમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે 08 ઓગસ્ટ 2024 સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવથી અને ત્યાંથી આવતી અમારી તમામ ફ્લાઈટ્સનું નિર્ધારિત સંચાલન સ્થગિત કર્યું છે. અમે સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને અમારા યાત્રીઓને આ સમયગાળા દરમિયાન તેલ અવીવમાં અને ત્યાંથી થયેલ બુકિંગ સબંધિત સહાય પૂરી પાડી રહ્યા છીએ, જેમાં ટીકીટ કેન્સલેશન અને રી ફંડ કરવાની ફીની એક વખતની માફીનો સમાવેશ થાય છે. અમારા મહેમાનો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા 24/7 સંપર્ક કેન્દ્રને 011-69329333 / 011-69329999 પર કૉલ કરો.’’
હમાસના નેતાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ વણસી
પ્રાપ્ત વિગતો મુજબ હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહની 31 જુલાઈના રોજ હત્યા કરવામાં આવી હતી. અસલમાં 31 જુલાઇએ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણ સમારોહ બાદ આસ્માઇલની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હમાસે પોતાના રાજકીય બ્યુરો ચીફના મૃત્યુ માટે ઇઝરાયેલના હવાઈ હુમલાને જવાબદાર ગણાવ્યો હતો.
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી હતી
તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેહના મોત બાદ ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને હુમલાની ચેતવણી આપી હતી. ઈરાનની ચેતવણી બાદ મધ્ય એશિયા ક્ષેત્રમાં સ્થિતિ તંગ છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.